અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની ચર્ચા દુનિયાભરમાં ચાલી રહી છે. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં એક સભા સંબોધી રહ્યા હતા ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો અને ગોળી તેમના કાન પાસેથી પસાર થઈ ગઈ. આ સ્પષ્ટ રીતે હત્યાનો પ્રયાસ હતો, પરંતુ અમેરિકન મીડિયા માટે આ જાણે તદ્દન સામાન્ય ઘટના છે. અમેરિકાના મુખ્યધારાના મીડિયાએ જેટલા પણ પ્રાથમિક અહેવાલો આપ્યા તેમાંથી મોટાભાગનામાં ઘટનાની ગંભીરતાનો ઉલ્લેખ ન હતો અને કાં તો ઘટનાને સામાન્ય રીતે દર્શાવવામાં આવી અથવા તો ગોળીબારનો ઉલ્લેખ જ ન કરાયો.
અમેરિકાના જાણીતા અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ની વેબસાઈટ પર સમાચાર પ્રકાશિત કરતાં મથાળું લખવામાં આવ્યું- ‘રેલીમાં નાસભાગ બાદ ટ્રમ્પને સ્ટેજ પરથી નીચે લઇ જવાયા’. અહીં ક્યાંય ગોળીબારનો ઉલ્લેખ ન હતો કે ‘નાસભાગ’ શા માટે મચી તે જણાવાયું ન હતું. અન્ય એક લેખમાં NYTએ લખ્યું કે, ‘ગનશૉટ જેવો અવાજ આવ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ‘સુરક્ષિત’. જોકે, પછીથી ન્યૂયોર્ક ટાઈમ્સે હેડલાઈન અપડેટ કરી દીધી હતી.
બીજી તરફ, CNNના શરૂઆતના રિપોર્ટમાં (આર્કાઇવ) લખવામાં આવ્યું- ‘રેલીમાં ટ્રમ્પ ઢળી પડ્યા બાદ સિક્રેટ સર્વિસે તેમને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા.’ પરંતુ હકીકત એ હતી કે ગોળીબાર થવાના કારણે સુરક્ષાકર્મીઓએ જ તેમને નીચે બેસી જવા માટે કહ્યું હતું. આ હેડલાઈનમાં પણ ગોળીબારનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો. અન્ય એક રિપોર્ટમાં CNNએ (આર્કાઇવ) સીક્રેટ સર્વિસે ટ્રમ્પની રેલીમાં વિક્ષેપ પાડવાની વાત કહીને સમાચાર ચલાવ્યા હતા.
“Falls at rally”? Is this a real headline? This is disgraceful pic.twitter.com/yxXMAYL25z
— Josh Hawley (@HawleyMO) July 13, 2024
‘વૉશિંગ્ટન પોસ્ટ’ની હેડલાઇનમાં લખવામાં આવ્યું- ‘પેન્સિલવેનિયાની રેલીમાં મોટા અવાજ બાદ ટ્રમ્પને સ્ટેજ પરથી નીચે લવાયા’. MSNBCનો રિપોર્ટ કહે છે કે, ‘સીક્રેટ સર્વિસ: રેલીમાં મોટો અવાજ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત.’
USA ટુડેના રિપોર્ટમાં પણ આ જ પ્રકારે ‘મોટા અવાજ’ની વાત કહીને ગોળીબારનો ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો. અન્ય પણ અનેક રિપોર્ટમાં આ જ પ્રકારની ‘બૌધિક બદમાશી’ જોવા મળી. જેના સ્ક્રીનશૉટ હવે લોકો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આટલી ગંભીર ઘટનાને મેઈનસ્ટ્રીમ મીડિયા કેમ અવગણી રહ્યું છે.
"Loud" and "popping," noises.
— Priyanka Deo (@priyankadeo) July 14, 2024
Wow, mainstream media, just wow. pic.twitter.com/A02A2VBhMr
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે ઘટના બની તે અત્યંત ગંભીર છે. અમેરિકામાં અગાઉ પણ આ પ્રકારે રાષ્ટ્રપતિઓ ઉપર જીવલેણ હુમલા થયા છે અને અમુકની હતી પણ કરવામાં આવી છે. તાજેતરમાં પણ બે જ મહિના પહેલાં સ્લોવાકિયાના PM રોબર્ટ ફીકો પર જીવલેણ હુમલો થયો હતો. તે પહેલાં ગત વર્ષે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે ઉપર પણ ગોળીબાર થયો હતો અને તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને હાલ પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. જો ગોળી જરા પણ આમતેમ ગઇ હોત તો અનિચ્છનીય ઘટના પણ બની શકી હોત. તેમ છતાં મીડિયા જાણે કશું જ ન બન્યું હોય તેમ રિપોર્ટ કરી રહ્યું છે.
આ જ પરિપેક્ષ્યમાં જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધ પર આ મેઈનસ્ટ્રીમ મીડિયાનું રિપોર્ટિંગ જોઈએ તો ગાઝામાં નાનો સરખો હુમલો થાય તોપણ મીડિયા તેને નરસંહાર તરીકે દુનિયા સામે રજૂ કરવામાં ક્ષણ પણ બગડતું નથી, જ્યારે ઇઝરાયેલ હુમલો આતંકવાદીઓ ઉપર જ કરે છે, તેમ છતાં. જોકે, સોશિયલ મીડિયાના સમયમાં આવી બદમાશીઓ હવે વધુ લાંબો સમય ટકી શકતી નથી.