સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને શરાબ નીતિ કૌભાંડના મુખ્ય આરોપી અરવિંદ કેજરીવાલને EDના કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. જોકે, તેમની મુશ્કેલીઓનો હજુ અંત આવ્યો નથી. કારણ એ છે કે CBI પણ તેમની સામે તપાસ કરી રહી છે અને એજન્સી કોર્ટ પાસેથી કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી મેળવી ચૂકી છે, જેથી તેમણે જેલમાં જ રહેવું પડશે.
ગત 21 માર્ચના રોજ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ મામલે EDએ ધરપકડ કર્યા બાદ કેજરીવાલે ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની ઉપર એપ્રીલ મહિનામાં ચુકાદો આપીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને ધરપકડને યોગ્ય ઠેરવી હતી. જે આદેશને કેજરીવાલે પછીથી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે વેકેશન પહેલાં (મે મહિનામાં) અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો, જે શુક્રવારે (12 જુલાઈ) સંભળાવવામાં આવ્યો.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કહ્યું કે, કેજરીવાલે તેમની અરજીમાં અમુક કાયદાકીય બાબતોને લઈને વાંધો ઉઠાવ્યો છે, જે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ દ્વારા સાંભળવામાં આવે તે જરૂરી છે. પરંતુ ત્યાં સુધી કેજરીવાલ જામીન પર બહાર રહી શકશે. એટલે કે હવે આ મામલો સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ (સંભવતઃ પાંચ જજની બંધારણીય બેન્ચ) સાંભળશે અને નિર્ણય કરશે, પણ ત્યાં સુધી કેજરીવાલ વચગાળાના જામીન પર બહાર રહી શકશે.
કોર્ટે સાથે કહ્યું કે, કેજરીવાલ ચૂંટાયેલા નેતા છે અને દિલ્હીના મુખ્યમંત્રી છે… જે એક મહત્વપૂર્ણ પદ છે. અમે કોઇ નિર્દેશ નથી આપી રહ્યા, કારણ એ એ બાબતને લઈને અમે પણ ચોક્કસ નથી કે કોર્ટ શું કોઇ ચૂંટાયેલા પ્રતિનિધિને પદ છોડવા માટે સૂચના આપી શકે કે કેમ. તે અમે કેજરીવાલ પર છોડીએ છીએ.”
CBIના કેસમાં પણ તપાસ ચાલતી હોવાથી તેમાં પણ જામીન મેળવવા પડશે, તો જ બહાર આવી શકશે કેજરીવાલ
કેજરીવાલને જામીન મળવા છતાં તેઓ તિહાડ જેલની બહાર આવી શકશે નહીં. કારણ એ છે કે આ જામીન EDના કેસમાં મળ્યા છે, જ્યારે કેજરીવાલ સામે CBI પણ તપાસ ચલાવી રહી છે. ગત 25 જૂનના રોજ એજન્સીએ કેજરીવાલની કોર્ટમાંથી ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં (જેલ) મોકલી આપ્યા હતા. જેથી, તેમણે બહાર આવવું હોય તો આ કેસમાં પણ જામીન મેળવવાના રહેશે. જોકે, કેજરીવાલે CBIના કેસમાં જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી દીધી છે, જેની ઉપર આગામી 17 જુલાઇના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
નોંધવા જેવી બાબત એ પણ છે કે આમ કેજરીવાલ અને તેમની પાર્ટી પોતાને ‘ભગત સિંઘ’ના વંશજ ગણાવીને ‘અમે કોઈથી ડરતા નથી’ અને ‘જેલમાં નાખી દો’નાં બણગાં ફૂંકતા રહે છે પણ હકીકતે કેજરીવાલે જેલમાંથી છૂટવા માટે અનેક કોર્ટમાં અઢળક અરજીઓ કરી છે. તાજેતરમાં ટ્રાયલ કોર્ટની વેકેશન બેન્ચે તેમને EDના કેસમાં નિયમિત જામીન આપી દીધા હતા, પરંતુ પછીથી EDએ આ આદેશ હાઈકોર્ટમાં પડકારતાં કોર્ટે સ્ટે મૂકી દીધો હતો. EDએ દલીલ કરતાં કહ્યું હતું કે, આદેશ પસાર કરતી વખતે તેમને સાંભળવામાં જ આવ્યા ન હતા. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે સ્ટે મૂકીને મામલો હાથ પર લીધો હતો.
દિલ્હી એક્સાઈઝ પોલિસી થકી કરોડોના કૌભાંડનો કેસ
દિલ્હી CM જે કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસીને લગતો છે, જે વિવાદ અને ભ્રષ્ટાચારના આરોપો બાદ પરત લઇ લેવામાં આવી હતી. આરોપ છે કે આ પોલિસી થકી કેજરીવાલ સરકારે અમુક ડીલરોને લાભ પહોંચાડવાના અને તેના બદલામાં કરોડો રૂપિયાની લાંચ લેવાના પ્રયાસ કર્યા હતા. દક્ષિણના એક ગ્રુપે જેને આ કેસમાં ‘સાઉથ ગ્રુપ’ તરીકે ઓળખવામાં આવતું રહ્યું છે, AAP નેતાઓને 100 કરોડ રૂપિયા આપ્યા હોવાનું ખૂલ્યું છે, જેમાંથી 45 કરોડ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે વાપરવામાં આવ્યા હોવાનું તાજેતરમાં જ EDએ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું. EDએ કેજરીવાલને આ સમગ્ર કૌભાંડના ‘કિંગપિન’ ગણાવ્યા છે.