શુક્રવારે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે પૂર્વ કેન્દ્રીય કોલસા વિભાગના સચિવ એચસી ગુપ્તા અને પૂર્વ સંયુક્ત સચિવ કેએસ ક્રોફા અને અન્ય કેટલાક લોકોને કોલસા કૌભાંડ મામલે દોષી ઠેરવ્યા છે. કોર્ટને મહારાષ્ટ્રના લોહરા જિલ્લામાં કોલસા બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા જણાઈ હતી.
રિપોર્ટ્સ અનુસાર, નાગપુરની ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર મુકેશ ગુપ્તા પણ કોલસા કૌભાંડ મામલે દોષી ઠેરવાયા છે.
Delhi | Special CBI court convicts former Coal secretary HC Gupta and others in a coal scam case pertaining to irregularities in the allocation of a Maharashtra coal block to a Nagpur-based private company
— ANI (@ANI) July 29, 2022
સીબીઆઈ કોર્ટે એચસી ગુપ્તા, કેએસ ક્રોફા અને મુકેશ ગુપ્તાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ દોષી ઠેરવ્યા હતા. આ મામલે સજાની સુનાવણી આગામી 22 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. આ મામલે સીબીઆઈએ સપ્ટેમ્બર 2012માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
ઓક્ટોબર 2014માં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં સીબીઆઈએ મુકેશ ગુપ્તા અને ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, કોર્ટે આ કેસમાં બ્લોકની ફાળવણી બાબતે સરકારી અધિકારીઓની સંડોવણી મામલે તપાસ કરવા માટે સીબીઆઈને નિર્દેશ આપ્યા હતા. તેમજ કોર્ટે સીબીઆઈને કોલસા મંત્રાલયના તત્કાલીન સંયુક્ત સચિવ કેએસ ક્રોફા અને મહારાષ્ટ્ર સરકારના ખાણ-ખનીજ વિભાગના પૂર્વ ડાયરેક્ટર વીએસ સવાખંડે વિરુદ્ધ કેસ ચલાવવા માટે આદેશ આપ્યા હતા.
સીબીઆઈએ તપાસમાં નોંધ્યું હતું કે મુકેશ ગુપ્તાએ ખોટી રીતે અને બોગસ દસ્તાવેજો બતાવીને ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ માટે બ્લૉક મેળવ્યા હતા અને તેમાં ગુપ્તા અને ક્રોફા વગેરે સરકારના વરિષ્ઠ અધિકરીઓ પણ સંડોવાયેલા હતા. 2005થી 2011 દરમિયાન બ્લૉક ફાળવણીમાં અનિયમિતતા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. સીબીઆઈએ એવો પણ આરોપ મૂક્યો હતો કે મુકેશ ગુપ્તાએ તેમની કંપનીની નેટવર્થ 120 કરોડ બતાવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા, જયારે તેમની કંપનીની સાચી નેટવર્થ માત્ર 3.3 કરોડ રૂપિયા હતી.
ઓગસ્ટ 2014માં સુપ્રીમ કોર્ટે કોલસાના બ્લૉકની તમ ફાળવણી રદબાતલ કરી દીધી હતી. કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના કાર્યાલય તરફથી સંતોષકારક જવાબો મળ્યા ન હતા. આ કેસમાં કુલ 34 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા.
એ નોંધવું જોઈએ કે પૂર્વ કેન્દ્રીય કોલસા સચિવ એચસી ગુપ્તાને અગાઉ 2018માં પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડના એક કેસને લઈને 3 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટે તેમને જામીન આપી દીધા હતા. ગુપ્તાને દોષી ઠેરવવામાં આવ્યા બાદ આ મામલે વિવાદ પણ થયો હતો. આઈએએસ એસોશિએશને પણ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે ગુપ્તા લોકસેવક હતા અને જે મંત્રી માટે તેઓ કામ કરતા હતા તેમના હાથમાં જ બ્લૉક ફાળવણીનો અંતિમ નિર્ણય કરવાની સત્તા હતી.
કોલસા કૌભાંડ મનમોહન સિંઘના નેતૃત્વ હેઠળની યુપી સરકાર પર લાગેલા કલંક પૈકીનું એક હતું. જેમાં ખુદ વડાપ્રધાનની ઓફિસ પણ તપાસના દાયરામાં આવી ગઈ હતી.
વર્ષ 2018માં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ કોલસા કૌભાંડ મામલે પૂર્વ વડાપ્રધાનની ઓફિસની ભૂમિકાની તપાસ કરી રહી છે. જોકે, તેમણે મનમોહન સિંઘનું નામ લીધું ન હતું. તેમણે જણાવ્યું હતું કે, સીબીઆઈએ પૂર્વ વડાપ્રધાનની ઓફિસમાંથી કોલસા બ્લૉકની ફાળવણી સબંધિત કુલ 20 કેસને લગતી ફાઈલ પ્રાપ્ત કરી છે.
કોલસા કૌભાંડ મામલે કેગના અંતિમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેના કારણે દેશને 1.86 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ કોલસાની ફાળવણીની પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી અને પારદર્શક પદ્ધતિથી હરાજી કરીને ફાળવણીની પ્રક્રિયા નવેસરથી હાથ ધરવામાં આવી હતી.
કેસમાં દોષી ઠેરવવામાં આવેલા એચસી ગુપ્તા 31 ડિસેમ્બર 2005થી નવેમ્બર 2008 સુધી કોલસા મંત્રાલયમાં સચિવ રહ્યા હતા અને મનમોહન સિંઘ સરકારમાં ફરજ બજાવી હતી.
છત્તીસગઢ સ્થિત કોલસા બ્લોક સબંધિત કૌભાંડના અન્ય એક કેસમાં ઓગસ્ટ 2019માં એચસી ગુપ્તાને દિલ્હી હાઇકોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે સીબીઆઈ ગુપ્તા વિરુદ્ધ આરોપો સાબિત કરી શકી ન હતી.
મે 2017માં એચસી ગુપ્તા, કેએસ ક્રોફા અને કેસી સમરિયાને (જેઓ કોલસા બ્લૉકની ફાળવણી મામલે ડાયરેક્ટર ઈન ચાર્જ હતા) સીબીઆઈ કોર્ટે કોલસા કૌભાંડમાં દોષી ઠેરવ્યા હતા. તે જ કોર્ટે તે સમયે કોલસા મંત્રાલયનો કારભાર સંભાળતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને નિર્દોષ છોડ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે દોષી ઠેરવાયેલા અધિકારીઓએ મનમોહન સિંઘને અંધારામાં રાખ્યા હતા.