Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમતમિલનાડુમાં બસપા પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા, ઘરની સામે જ 6 ઈસમોએ હથિયારો...

    તમિલનાડુમાં બસપા પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા, ઘરની સામે જ 6 ઈસમોએ હથિયારો સાથે કર્યો હતો હુમલો: માયાવતીની કાર્યવાહીની માંગ

    આ મામલે અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હુમલો કરનારાઓ ડિલિવરી બૉય બનીને આવ્યા હતા.

    - Advertisement -

    તમિલનાડુના ચેન્નઈમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અધ્યક્ષની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. મૃતકનું નામ કે. આર્મસ્ટ્રોંગ હોવાનું જાણવા મળ્યું છે. તેમના ઘર પાસે જ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 6 લોકો સામેલ હતા, જેઓ બાઈક પર આવ્યા હતા. આર્મસ્ટ્રોંગ પોતાના ઘર પાસે પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમના પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પરંતુ તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યાના તાર ગેંગસ્ટર આર્કોટ સુરેશની હત્યા સાથે જોડાયેલા હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યારાઓ ફૂડ ડિલીવરી બોય બનીને આવ્યા હતા. હત્યા સમયે આર્મસ્ટ્રોંગ સાથે રહેલા લોકો ડરીને ભાગી છૂટ્યા હતા. હુમલો કરનારા લોકોએ તેમના માથા અને ગળા પર ઊંડા ઘા માર્યા હતા.

    આ દરમિયાન તેમણે બૂમો પાડતા પરિવાર સહિત આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને સ્થાનિક દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. હાલ સેમ્બિયમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તપાસ સોંપવામાં આવી છે. બીજી તરફ આ હત્યાથી તમિલનાડુના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. સત્તાપક્ષ ડીએમકે પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, “બસપા અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યા મામલે અત્યારસુધી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પ્રાથમિક તપાસ છે, અમે એક ટીમ બનાવી છે જે આ મામલે તપાસ કરશે. આરોપીઓને ઝડપી લેવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. હાલ જે લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ બાદ જ હત્યા પાછળનું કારણ જાણી શકાશે. હત્યામાં ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

    તમિલનાડુના પાર્ટી અધ્યક્ષની હત્યા બાદ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, “તમિલનાડુમાં બસપાના કર્મઠ તેમજ સમર્પિત નેતા અને સ્ટેટ પાર્ટી યુનિટના અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની ગઈકાલે સાંજ તેમના આવાસની બહાર હત્યા કરી દેવામાં આવી. આ જધન્ય હુમલાથી આખા સમાજમાં દુઃખ તેમજ આક્રોશ છે. સરકારે તરત જ સખત અને જરૂરી કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી ઘટનાઓને રોકી શકાય.”

    ઉલ્લેખનીય છે કે આર્મસ્ટ્રોંગ વ્યવસાયે વકીલ હતા અને તમિલનાડુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ પદ પર હતા. વર્ષ 2011માં તેઓ સ્ટાલિન સામે વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમના પત્ની અને દીકરી છે. ભૂતકાળમાં તેમના પર 8 જેટલા પોલીસ કેસ દાખલ થયા હતા. આ હત્યા મામલે વિપક્ષ નેતા પલાનીસ્વામીએ સરકારને ઘેરતા કહ્યું હતું કે, કોઈ રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખની જાહેરમાં હત્યા કરી દેવામાં આવે તેના પર શું કહી શકાય? કાયદો-વ્યવસ્થાની હાલત શરમજનક કહી શકાય. રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી.

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઇએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, DMK સરકારમાં કોઇ પણ સામાન્ય માણસના જીવનની કોઇ કિંમત નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં