પંજાબ શિવસેનાના નેતા સંદીપ થાપર ઉપર ધોળા દહાડે જાહેર રસ્તા પર હુમલો થયો છે. ઘટના શુક્રવારે (5 જુલાઈ) લુધિયાણા સિવિલ હૉસ્પિટલ પાસે બની, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હુમલો કરનારા નિહંગ શીખો હતા. જેમણે તલવાર વડે સંદીપ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
58 વર્ષીય સંદીપ થાપર ભગતસિંહના સાથી બલિદાની ક્રાંતિવીર સુખદેવના વંશજ છે. તેઓ પંજાબ શિવસેનાના નેતા છે. શુક્રવારે (5 જુલાઈ) તેઓ લુધિયાણા સિવિલ હૉસ્પિટલ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વાસ્તવમાં અહીં ભાજપ નેતા રવિન્દર અરોડાની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેઓ સંવેદના ટ્રસ્ટના પ્રમુખ પણ હતા. આ ટ્રસ્ટ હૉસ્પિટલના દર્દીઓને નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા અને મૃતકોની અંતિમવિધિ માટે ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડે છે. સંદીપ થાપર કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો.
Graphic Warning 🚨
— ઑપઇન્ડિયા (@OpIndia_G) July 5, 2024
ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને શહીદ સુખદેવના વંશજ અને પંજાબ શિવસેનાના નેતા સંદીપ થાપર પર લુધિયાણા સિવિલ હોસ્પિટલની બહાર નિહંગોના એક જૂથે તલવારો વડે હુમલો કર્યો…
– પંજાબ પોલીસ બની મુકદર્શક
– હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર#Punjab #Ludhiana #SandeepThapar pic.twitter.com/kytNhdXlqn
ઘટનાના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં સંદીપ અને તેમનો ગનમેન મોપેડ પર જતા જોવા મળે છે. અચાનક ત્યાં હાથમાં તલવાર લઈને નિહંગ શીખોના પહેરવેશમાં ચાર વ્યક્તિઓ ત્યાં આવે છે અને માથાકૂટ કરવા માંડે છે. દરમિયાન ગનમેન મોપેડ પરથી ઉતરી જાય છે અને સંદીપ આરોપીઓને બે હાથ જોડીને કશુંક કહેતા નજરે પડે છે. ત્યારબાદ અચાનક આરોપીઓ તલવાર વડે સંદીપના માથા અને ગળાના ભાગે ઘા કરી દે છે અને ઉપરાછાપરી મારે છે. જેથી સંદીપ થાપર નીચે ઢળી પડે છે. પછી પણ એક વ્યક્તિ તેમને તલવારથી મારતો રહે છે. ત્યારબાદ આરોપીઓ ભાગી છૂટે છે. આ દરમિયાન સુરક્ષાકર્મી ગનમેન કશું જ કરતો જોવા મળતો નથી.
રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ આસપાસના લોકોએ સંદીપ થાપરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમની અન્ય એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે.
સ્થાનિક પોલીસે જણાવ્યા અનુસાર, આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે.
બીજી તરફ, ઘટના બાદ પંજાબના શિવસેનાના નેતાઓએ સિવિલ હૉસ્પિટલની બહાર પોલીસ તંત્ર સામે પ્રદર્શન કર્યું હતું અને સરકાર પર પણ આરોપ લગાવ્યા હતા. પંજાબ શિવસેનાની યુવા પાંખના પ્રમુખ સુમિત અરોડાએ કહ્યું કે, સંદીપ થાપર સાથે 3 સુરક્ષાકર્મીઓ રહેતા હતા, પરંતુ પોલીસે એક અઠવાડિયા પહેલાં જ સુરક્ષા પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ એક ગનમેન આપવામાં આવ્યો હતો. પંજાબના શિવસેના પ્રમુખે કહ્યું કે, રાજ્ય સરકાર અને પોલીસ હિંદુ સંગઠનોના નેતાઓની સુરક્ષા પ્રત્યે ધ્યાન આપી રહ્યા નથી.