ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો સમયગાળો ચાલુ છે. બુધવારે (3 જુલાઇ) સવારે નિફ્ટી (Nifty) અને સેન્સેક્સ (Sensex) ફરી ઐતિહાસિક સ્તરને સ્પર્શ્યા હતા. આ વખતે સ્ટોક માર્કેટે ઇતિહાસ રચ્યો છે. BSE સેન્સેક્સ ઇતિહાસમાં પહેલીવાર 80,000ને પાર કરી ગયો જ્યારે નિફ્ટી 24,292ના સ્તર પર પહોંચી ગયો. મજબૂત વૈશ્વિક સંકેતો અને બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ આ રેકોર્ડ બનાવ્યો છે. બુધવારે બજારમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેર્સમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી50ના ટોપ ગેનર્સમાં HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બ્રિટાનિયા અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
બુધવારે (3 જુલાઇ) ભારતીય સ્ટોક માર્કેટે ઇતિહાસ રચ્યો છે. શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ BSE સેન્સેક્સ 481.44 પોઈન્ટ અથવા 0.61 ટકાના વધારા સાથે 79,922.89 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગની માત્ર અમુક મિનિટોમાં જ તે 572 પોઈન્ટના ઉછાળા સાથે 80,000ને પાર કરીને 80,039.22ના સ્તરને સ્પર્શી ગયો હતો. નોંધનીય છે કે, મંગળવારે (2 જુલાઇ) સેન્સેક્સ થોડી સુસ્તી સાથે ક્લોઝ થયો હતો. જોકે, તે પણ એક રેકોર્ડ જ હતો. પરંતુ બુધવારે તો તેણે પાછળના તમામ રેકોર્ડ્સ પણ તોડી નાખ્યા છે. ટૂંકમાં મંગળવારે જ સન્સેક્સે ટ્રેલર બતાવી દીધું હતું, જે બાદ હવે બુધવારે આખી ફિલ્મ સામે આવી ગઈ છે.
સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ 167 પોઈન્ટના ઉછાળા સાથે 24291 પર ખૂલ્યો હતો અને થોડી જ વારમાં 24,292ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે બજાર ખૂલ્યું ત્યારે લગભગ 2095 શેર વધ્યા હતા, 694 શેર ઘટયા હતા અને 100 શેરમાં કોઈ ફેરફાર થયો નહોતો. નિફ્ટીમાં HDFC બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, HDFC લાઈફ, બ્રિટાનિયા અને ટાટા કન્ઝ્યુમર મુખ્ય હતા. દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. MSCI ઇન્ડેક્સમાં વેઇટેજમાં વધારો થવાની આશા બાદ વિદેશી રોકાણકારો પાસે સ્ટોક ખરીદવાનું વધુ વેઇટેજ છે. જેના કારણે દેશની આ અગ્રણી ખાનગી બેંકમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, ચૂંટણી પરિણામના દિવસે સ્ટોક માર્કેટ વિખરાઈ પડ્યું હતું. વિપક્ષના નેતાઓએ તેના પર પણ નિવેદનો આપ્યા હતા. પરંતુ ચૂંટણી પરિણામ દરમિયાન મોદી 3.0નો અણસાર આવી જતાં ફરી માર્કેટે તેજી પકડી લીધી હતી. જબરદસ્ત ઉછાળા સાથે સેન્સેક્સ આગળ વધ્યો હતો. થોડા સમય માટે સાવ જ પડી ભાંગેલુ શેરબજાર મોદી સરકારની શરૂઆત સાથે મોટી છલાંગ મારીને આગળ નીકળી ગયું હતું. ત્યારથી લઈને હમણાં સુધીમાં શેરબજારે સતત પોતાના જ રેકોર્ડ તોડયા છે.