લોકસભા ચૂંટણી પહેલાં જે કોંગ્રેસ પાર્ટી દેશની જનતાને ભેંકડા તાણી-તાણીને કહી રહી હતી કે ‘જો મોદી અને ભારતીય જનતા પાર્ટી ફરી સત્તા પર આવશે, તો તેઓ બંધારણ બદલી નાંખશે…કોંગ્રેસ પાર્ટી બંધારણ બચાવવા માટે લડી રહી છે….’ એ જ હવે ઈચ્છે છે કે કેન્દ્રની NDA સરકાર બંધારણમાં સંશોધન કરે. કોંગ્રેસની માંગ છે કે બંધારણની 50%ની મર્યાદા હટાવવામાં આવે અને આ માટે બંધારણીય સુધારો કરતું બિલ સંસદમાંથી પસાર કરવામાં આવે. આ વાત રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે કરી. આ સાથે જ તેમણે જાતિગત જનગણનાની પણ માંગ કરી હતી.
જયરામ રમેશે ન્યુઝ એજન્સી ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ સાક્ષાત્કાર દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે બંધારણમાં સુધારો કરવામાં આવે જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા જે 50 ટકા મર્યાદા લાદવામાં આવી છે, તેને એસસી/એસટી અને ઓબીસીના અનામત માટે દૂર કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મામલે JD(U) પણ કશું નથી કરી રહી. તેમણે કહ્યું કે, “તેમણે કેટેગરીની સ્થિતિ સંબંધિત ઠરાવ પસાર કર્યો. ઠરાવ પસાર કરવો ખૂબ જ સરળ છે પરંતુ શું તેઓ પટના અને દિલ્હીમાં તેમના સાથી પક્ષ ભાજપ પર દબાણ લાવશે? શું મુખ્યમંત્રી નીતીશ કુમાર વડાપ્રધાનને કહેશે કે અમે તમને ટેકો આપી રહ્યા છીએ, અમને વિશેષ કેટેગરીનો દરજ્જો આપો, જાતિગત વસ્તી ગણતરી કરાવો અને 50 %ની મર્યાદા દૂર કરાવો? તેઓ આ અંગે મૌન છે, તેથી તે કહેવું ખૂબ જ સરળ છે પરંતુ તે કરવું ખૂબ જ મુશ્કેલ છે અને કરવા અને કહેવા વચ્ચે મોટો તફાવત છે .”
#WATCH | Congress MP Jairam Ramesh says "…Congress party demands that the Constitution be amended so that the 50% limit which has come from the Supreme Court, should be removed for reservation of SC/ST and OBC. JD(U) does not say anything about this. They passed a resolution… pic.twitter.com/jLv7kRcJKm
— ANI (@ANI) June 30, 2024
જયરામ રમેશ વાસ્તવમાં તાજેતરમાં યોજાયેલી JDUની કાર્યકારી બેઠકની વાત કરી રહ્યા હતા, જેમાં પાર્ટીએ પ્રસ્તાવ પસાર કર્યો હતો અને કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી કે બિહાર સરકાર દ્વારા તાજેતરમાં અનામત 65% સુધી લઇ જવા માટે જે કાયદા પસાર કરવામાં આવ્યા હતા તેને બંધારણની 9મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે, જેથી તેની ન્યાયિક સમીક્ષા માટે કોઇ અવકાશ ન રહે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પટના હાઈકોર્ટે બિહાર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા બે કાયદા રદ કરી દીધા હતા, જેમાં બંધારણ 65% સુધી લઇ જવાની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે અનામતની મર્યાદા 50% જેટલી જ હોવી જોઈએ.
ANI સાથે વાત કરતાં રમેશે JDU પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, તેઓ પાર્ટી સ્તરે તો આવા પ્રસ્તાવ પસાર કરી રહ્યા છે પરંતુ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં સરકારમાં હોવા છતાં સરકાર પર દબાણ લાવતા નથી, જ્યારે કોંગ્રેસની માંગ રહી છે કે તમામ રાજ્યના SC, ST અને OBC અનામતને લગતા કાયદાને બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવવા જોઈએ, જે રીતે તમિલનાડુના કાયદાને 1994માં સામેલ કરવામાં આવ્યો હતો.
તેમણે આગળ કહ્યું કે, 50%થી વધુ અનામત આપવાની જોગવાઇ કરતા કાયદાને નવમી અનુસૂચિમાં લાવવો પણ એક ઉપાય નથી, કારણ કે 2007ના સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, આવા કાયદાની પણ ન્યાયિક સમીક્ષા થઈ જ શકે છે. જેથી આ પરિસ્થિતિમાં એક જ ઉપાય છે કે સંસદમાં એક બંધારણીય સુધારા માટે બિલ લાવવામાં આવે અને SC, ST અને અન્ય પછાત વર્ગના અનામત પરની 50%ની મર્યાદા હટાવવામાં આવે. આગળ કહ્યું કે, હાલ જે 50%ની મર્યાદા છે તે ક્યાંય પણ બંધારણમાં ઉલ્લેખિત નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના જુદા-જુદા નિર્ણયથી નક્કી થઈ છે.
નોંધનીય છે કે આ દરમિયાન કોંગ્રેસી નેતા જયરામ રમેશે આખા દેશમાં જાતિગત જનગણના કરાવવા માટે પણ માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે આખા દેશમાં જાતિગત જનગણના કરવી ખૂબ જ જરૂરી છે. તેમણે માંગ કરી હતી કે હવે જે જનગણના કરવામાં આવે તેમાં જાતિનો પણ ઉલ્લેખ કરવામાં આવે. તેમણે કહ્યું કે, “જનગણના તો 2021માં થવાની હતી. ત્રણ-ચાર વર્ષ છતાં જનગણના નથી થઈ. તેના કારણે 14 કરોડ ભારતવાસી સરકારી લાભોથી વંચિત છે.”
અહીં નોંધવું જોઈએ કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી ગાઈ-વગાડીને આખા દેશમાં પ્રચાર કરતી રહી કે ભાજપ કે નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે અને લોકતંત્ર જોખમમાં મુકાઈ જશે. જ્યારે ભાજપે અનેક વખત સ્પષ્ટતા કરી કે તેઓ બંધારણને સર્વોપરિ માને છે અને કોંગ્રેસ અપપ્રચાર કરી રહી છે. તેમ છતાં મજબૂત ઈકોસિસ્ટમના જોરે કોંગ્રેસે UP, રાજસ્થાન જેવાં રાજ્યોમાં ભાજપને આ નેરેટિવના કારણે નુકસાન પહોંચાડ્યું. હવે જ્યારે ભાજપ સરકાર બની ગઈ છે તો ક્યાંય સરકારે બંધારણમાં સંશોધન કરવાની કે બદલવાની વાત સુદ્ધાં કરી નથી, પણ બીજી તરફ કોંગ્રેસ પોતે જ બંધારણ બદલવાની માંગ લઈને આવી ગઈ છે!