મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથનનો 30 જૂનના રોજ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેઓ 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં (CMOમાં) વિભિન્ન પદો પર સેવા આપી રહ્યા હતા. 2013માં મુખ્ય સચિવ પદેથી વયનિવૃત્ત થયા બાદ તેમને મુખ્ય અગ્ર સચિવ બનાવવામાં આવ્યા હતા, જે પોસ્ટ તેમના માટે જ બનાવાઈ હતી. તેમણે ચાર મુખ્યમંત્રીઓ સાથે કાર્ય કર્યું છે. જેમાં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. તેમનો કાર્યકાળ 30 જૂનના રોજ પૂર્ણ થાય થાય છે, પરંતુ તે દિવસે રવિવાર આવતો હોવાથી CMOમાં શનિવારે તેમને વિદાય આપવામાં આવી.
કે કૈલાશનાથનનો મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે ડૉ. હસમુખ અઢિયા અને એસએસ રાઠોડ (બંને સેવાનિવૃત્ત IAS અધિકારી) CMOમાં શીર્ષ અધિકારી તરીકે કાર્ય કરશે. જે ક્રમશઃ મુખ્ય અગ્ર સચિવ અને મુખ્ય સલાહકાર છે. કૈલાશનાથન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના અધ્યક્ષ પદ પર છે. તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમના પુનર્વિકાસ કાર્યનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે. તેથી CMOમાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ આ પદો પર સેવા આપતા રહેશે.
કોણ છે કે કૈલાશનાથન?
કુનિયલ કૈલાશનાથનનો જન્મ 1953માં થયો હતો અને તેઓ 1979 બેચના IAS અધિકારી હતા. વર્ષ 2013-2014 દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય અગ્ર સચિવ તરીકે તેમણે સેવા આપી હતી. કેરળ મૂળના કૈલાશનાથન ઉટીમાં ઉછર્યા હતા, જ્યાં તેમના પિતા ટપાલ વિભાગમાં કામ કરતા હતા. યુનિવર્સિટી ઓફ મદ્રાસ (MSc કેમિસ્ટ્રી) અને યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી અનુસ્નાતક કૈલાશનાથને મદદનીશ કલેકટર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના CEO, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગના સચિવ તરીકે કામ કર્યું અને 31 મે, 2013ના રોજ CMO ગુજરાતમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે તેમણે 33 વર્ષની સેવા પૂરી કરી હતી.
તેમને વર્ષ 2006માં CMOમાં અધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા. 2013માં તેઓ મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા બાદ તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે અગ્ર મુખ્ય સચિવ પદ બનાવીને તેની ઉપર તેમની નિમણૂક કરી હતી. ત્યારથી આજદિન સુધી તેઓ આ જ પદ પર કાર્યરત રહ્યા છે. તેમને કુલ 11 વખત એક્સટેન્શન આપવામાં આવતું રહ્યું. અંતિમ એક્સટેન્શન ડિસેમ્બર, 2023માં અપાયું હતું, જેની મુદત 6 મહિનાની હતી. જે સમયમર્યાદા 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થાય છે. હવે એક્સટેન્શન લંબાવવામાં ન આવતાં આખરે કૈલાસનાથન લાંબી સેવા બાદ નિવૃત્ત થઈ રહ્યા છે.
કૈલાશનાથન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ અધિકારીઓ પૈકીના એક હતા. તેમણે ગુજરાતમાં ઘણાં વર્ષો નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે. 2014માં મોદી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા, પરંતુ કૈલાસનાથન ગુજરાત જ રહ્યા અને મુખ્ય અગ્ર સચિવ પદે કામ કરતા રહ્યા. તેમને CMO અને PMOની મુખ્ય કડી પણ ગણવામાં આવતા હતા. ગુજરાતમાં ચાર મુખ્યમંત્રીઓ બદલાઇ ગયા પરંતુ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાશનાથન જ રહ્યા હતા. હવે આ પદ પર કોને નીમવામાં આવશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.