રાજકોટ સ્થિત હીરાસર એરપોર્ટ ખાતે ટર્મિનલની બહાર પેસેન્જર પીક-અપ અને ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી. કેનોપીમાં ભરાઈ ગયેલું પાણી બહાર કાઢવા માટે મેન્ટેનન્સ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હોવાનું કહેવાય છે. જોકે, ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી અને ત્યારબાદ તરત રિપેરીંગ કામ ચાલુ પણ કરી દેવામાં આવ્યું હતું.
ઘટના શનિવારે (29 જૂન) બની. જે તસવીરો અને વિડીયો સામે આવ્યાં છે તેમાં હીરાસર એરપોર્ટની બહાર એક ખૂણામાં છત તૂટેલી જોવા મળે છે. વરસાદ અને પવનના કારણે પાણી ભરાઈ ગયા બાદ મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.
#WATCH | Gujarat: The Canopy collapsed at Rajkot airport.
— ANI (@ANI) June 29, 2024
As per the Ministry of Civil Aviation Sources, the Canopy broke during the maintenance work to push out water accumulated in the Canopy. No one was injured in the incident. A detailed report into the matter has been… pic.twitter.com/fWOMqdldtL
ન્યૂઝ એજન્સી ANIએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, રાજકોટ એરપોર્ટ પર કેનોપીમાં પાણી ભરાઈ ગયું હોવાથી તેને બહાર કાઢવા માટે મેન્ટેનન્સ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે કેનોપી તૂટી પડી હતી. ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. આ મામલામાં વિસ્તૃત રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
ઘટના બાદ તુરંત એરપોર્ટ ઓથોરિટીએ રિપેરીંગનું કામ ચાલુ પણ કરી દીધું હતું. જેના પણ દ્રશ્યો સામે આવ્યાં છે.
#WATCH | Gujarat: Repair work underway after a canopy collapsed at Rajkot airport. pic.twitter.com/CcJouniJxe
— ANI (@ANI) June 29, 2024
આ એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પહેલાં રાજકોટ એરપોર્ટ શહેરમાં હતું, પરંતુ નવા એરપોર્ટનું નિર્માણ રાજકોટની બહાર હીરાસર ગામમાં કરવામાં આવ્યું છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, પરંતુ સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે.
જે ટર્મિનલની બહાર ઘટના બની તે કામચલાઉ ધોરણે ઉપયોગમાં લેવામાં આવે છે. એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ વધુ મોટું, ભવ્ય અને આકર્ષક હશે, જેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. હવે તેનું કામ પૂર્ણતાને આરે છે અને આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની ગણતરી છે.
રાજકોટ એરપોર્ટની આ ઘટના દિલ્હી એરપોર્ટ પર છત તૂટી પડવાની ઘટનાના એક દિવસ બાદ જ બની. ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર છત તૂટી પડી હતી, જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય છ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ ટર્મિનલ વર્ષ 2009માં બનાવવામાં આવ્યું હતું. ઘટના બાદ ઉડ્ડયન મંત્રાલયે તપાસના આદેશ આપ્યા હતા.