આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ 26 જૂનથી 11 દિવસ માટે વારાહી વિજય દીક્ષા લઇ રહ્યા છે. આ એક પ્રકારનું અનુષ્ઠાન છે, જેમાં કઠિન નિયમો પાળવામાં આવે છે અને દેવી વારાહીની પૂજા-આરાધના કરવામાં આવે છે. તેનો સમયગાળો 11 દિવસનો હોય છે. ગત 26 જૂનથી પવન કલ્યાણ આ દીક્ષા લઇ રહ્યા છે.
જનસેના પાર્ટીએ આ બાબતની જાણકારી આપી હતી. પાર્ટીના જણાવ્યા અનુસાર, પવન આ દિવસોમાં માત્ર દૂધ, ફળો અને પાણી જ ગ્રહણ કરશે અને સંપૂર્ણ સમય પૂજા-અર્ચના, સાધનામાં વીતાવશે. નોંધનીય છે કે આ પહેલી વખત નથી, જૂન 2023માં પણ ચૂંટણી પ્રચારનો આરંભ કરતાં પહેલાં પવન કલ્યાણે આ પ્રકારનું અનુષ્ઠાન કર્યું હતું.
પાર્ટીએ જણાવ્યું છે કે, આ ધાર્મિક ક્રિયા પાછળનો ઉદ્દેશ્ય રાજ્ય અને તેના લોકોના કલ્યાણ માટે દેવીના આશીર્વાદ લેવાનો છે. 11 દિવસના અનુષ્ઠાન દરમિયાન પવન કલ્યાણ આંધ્રપ્રદેશના વિકાસ અને સમૃદ્ધિ માટે દેવીને પ્રાર્થના કરશે.
શક્તિનું સ્વરૂપ છે દેવી વારાહી
હિંદુ ધર્મિક માન્યતાઓ અનુસાર, દેવી વારાહી શક્તિનું એક સ્વરૂપ છે. તેઓ સપ્તમાતૃકા તેમજ દશામહાવિદ્યામાંનાં એક છે. તેમનું મુખ વરાહ સ્વરૂપમાં છે. અષ્ટ ભુજાઓમાં શંખ, સુદર્શન ચક્ર, હળ, ગદા, અંકુશ, પાશ વગેરે ધારણ કરેલ હોય છે. કમળના આસન પર બિરાજમાન દેવીનાં વાહનોમાં સિંહ, ઘોડા, સાપ વગેરે હોય છે. તેમને ભક્તો પર દયા કરનારાં અને વરદાન આપનારાં દેવી પણ કહેવામાં આવે છે.
માર્કંડેય પુરાણમાં દેવી વારાહીનો ઉલ્લેખ આવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના વરાહ અવતારથી જ દેવી વારાહીની ઉત્પત્તિ થઈ. આ સિવાય, લલિતા સહસ્ત્રનામમાં પણ દેવીનો ઉલ્લેખ છે. પૌરાણિક કથાઓ અનુસાર, દેવી વારાહીએ રક્તબીજ, અંધકાસુર, શુમ્ભ-નિશુંભ વગેરે રાક્ષસોનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. દેશનાં ઘણા ભાગોમાં તેમનાં મંદિરો આવેલાં છે. જેમાં મુખ્ય મંદિરો, ઓડિશા, વારાણસી અને માલાપોરમાં છે.
શું છે વારાહી વિજય દીક્ષા?
હવે વારાહી વિજય દીક્ષાની વાત કરવામાં આવે તો તે જેઠ મહિનાના અંતમાં કે અષાઢ મહિનાની શરૂઆતમાં લેવામાં આવે છે. જેનો સમયગાળો 9 કે 11 દિવસનો હોય છે. આ દીક્ષા લેનાર વ્યક્તિએ અમુક કઠોર નિયમોનું પાલન કરવું પડે છે.
જેમકે, આ 11 દિવસ દરમિયાન ખુલ્લા પગે રહેવું પડે છે અને પગરખાં પહેરી શકાય નહીં. દીક્ષા દરમિયાન જમીન પર ઊંઘવું પડે છે. અન્નનું સેવન કરવાનું હોતું નથી, માત્ર સાત્વિક ભોજન લેવું, એ પણ સીમિત માત્રામાં જ. આ સમગ્ર સમય દરમિયાન સવાર-સાંજ દરરોજ દેવી વારાહીની પૂજા કરવાની રહે છે. દીક્ષા સમયે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે અને કોઇ પણ પ્રકરણ તામસિક ખોરાકનું સેવન કરી શકાતું નથી.
વારાહી દીક્ષા નકારાત્મકતાને જીવનમાંથી દૂર કરવામાં મોટો ભાગ ભજવે છે. દીક્ષા લેવાથી જીવનમાં આવતાં સંકટો દૂર થાય છે અને દેવી ભક્તનું અનિષ્ઠ થવા દેતાં નથી. જીવનમાં આવતા પડકારો દૂર થાય છે. જે વ્યક્તિ આ દીક્ષા મેળવે તેના માટે કહેવાય છે કે તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને ધારેલું કામ પાર પાડી શકે છે.
દેવીની પૂજા કરનાર વ્યક્તિના તમામ રોગ અને દોષ દૂર થાય છે. ઉપરાંત, ખેડૂતોને સારા પાક પણ મળે છે. બીજી તરફ, આ દીક્ષા લેવાથી યશ અને કીર્તિ પણ મળે છે અને સમાજમાં જે-તે વ્યક્તિની પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થાય છે.
પવન કલ્યાણ કોણ છે?
પવન કલ્યાણની વાત કરવામાં આવે તો તેઓ રાજકારણમાં આવ્યા તે પહેલાં પણ તેલુગુ અભિનેતા તરીકે બહુ પ્રખ્યાત હતા. સુપ્રસિદ્ધ અભિનેતા ચિરંજીવીના તેઓ ભાઈ થાય. પવન કલ્યાણે પોતે પણ ફિલ્મ ઉદ્યોગમાં બહુ કામ કર્યું છે તો અમુક ફિલ્મો પોતે પણ બનાવી છે. 2008માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા અને ચિરંજીવીની પાર્ટી પ્રજા રાજ્યમ પાર્ટીની યુવા પાંખના પ્રમુખ બન્યા હતા, પણ પાર્ટી કોંગ્રેસમાં ભળી પાછી તેમણે છોડી દીધી હતી. ત્યારબાદ ચિરંજીવીએ રાજકારણ જ છોડી દીધું.
માર્ચ, 2014માં પવન કલ્યાણે પોતાની પાર્ટી જનસેનાની સ્થાપના કરી. ત્યારે પણ તેમણે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું. ત્યારે તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપ ગઠબંધનમાં હતા, જેના માટે પવન કલ્યાણે પ્રચાર પણ કર્યો હતો. ઓગસ્ટ, 2017માં તેમણે ફિલ્મઉદ્યોગમાંથી વિરામ લઈને સંપૂર્ણ રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 2019ની ચૂંટણી પણ લડ્યા, પરંતુ ઝાઝી સફળતા મળી નહીં.
જાન્યુઆરી, 2020માં તેમણે ફરી ભાજપ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. ગત વર્ષે જ્યારે જગન મોહન રેડ્ડીની સરકારે TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ સામે ભ્રષ્ટાચારના કેસ ખોલીને તેમને જેલમાં ધકેલ્યા ત્યારે પવન કલ્યાણે ચંદ્રબાબુનું સમર્થન કર્યું. ત્યારબાદ ભાજપ અને TDP વચ્ચે પણ ગઠબંધન થતાં ત્રણેય પાર્ટીઓ સાથે મળીને લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ લડી.
બંને ચૂંટણીઓમાં NDA ગઠબંધનને જંગી વિજય મળ્યો. પવન કલ્યાણની પાર્ટી જેટલી લોકસભા અને વિધાનસભા બેઠકો પર લડી હતી ત્યાં તમામ પર જીત મેળવી. વિધાનસભા ચૂંટણીમાં NDAની ભવ્ય જીત બાદ ચંદ્રબાબુની આગેવાનીમાં આંધ્રપ્રદેશમાં નવી સરકાર બની, જેમાં પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ છે.