ચંદ્રયાન-3ની સફળતા બાદથી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISROએ) અનેક પ્રોગ્રામ લૉન્ચ કર્યા છે અને તેમાં સફળતા પણ પ્રાપ્ત કરી છે. જ્યારે હવે ISROએ રિયુઝેબલ લૉન્ચ વ્હીકલ – LEX-03 (RLV-LEX-03) ‘પુષ્પક’નું સતત ત્રીજી વખત સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે. RLVનું સફળ લેન્ડિંગ કરવામાં સફળતા પ્રાપ્ત કર્યા પછી, હવે ISRO માટે ‘પુષ્પક’ની ઓર્બિટલ રી-એન્ટ્રી ટેસ્ટ લેવાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે. ISROએ રવિવારે (23 જૂન) એક નિવેદનમાં જણાવ્યું કે, ‘પુષ્પક’ પડકારજનક પરિસ્થતિઓમાં અદ્યતન સ્વાયત્ત ક્ષમતાઓનું પ્રદર્શન કરીને એક એક સટીક હોરિજેન્ટલ લેન્ડિંગમાં સફળ રહ્યું છે.
રિયુઝેબલ લૉન્ચ વ્હીકલ ‘પુષ્પક’નું પરીક્ષણ બેંગલોરથી લગભગ 220 કિમી દૂર ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લકેરેમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR)માં આયોજિત કરવામાં આવ્યું હતું. પુષ્પકને ઇન્ડિયન એરફોર્સના ચિનુક હેલિકોપ્ટર દ્વારા 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવ્યું અને ત્યાર પછી તેને રનવે પર ઑટોનૉમસ લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું. બીજા એક્સપેરિમેન્ટ દરમિયાન પુષ્પકને 150 મીટરની ક્રોસ રેન્જમાંથી છોડવામાં આવ્યું હતું. આ વખતે ક્રોસ રેન્જ વધારીને 500 મીટર કરવામાં આવી હતી. જ્યારે પુષ્પકને હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવ્યું ત્યારે તેની લેન્ડિંગ વેલોસીટી 320 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. બ્રેક પેરાશૂટની મદદથી ટચડાઉન માટે તેનો વેગ ઘટાડીને 100 કિમી પ્રતિ કલાક કરવામાં આવ્યો હતો.
શું છે RLV પ્રોજેક્ટ?
રિયુઝેબલ લૉન્ચ વ્હીકલ એટલે કે RLV ISROનો એક મહત્વપૂર્ણ પ્રોગ્રામ છે. જે અવકાશમાં માનવ ઉપસ્થિતિની ભારતની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે જરૂરી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવે છે. ISROને RLV દ્વારા અવકાશમાં ઓછા ખર્ચે પ્રવેશ મળી શકશે. એટલે હવે અવકાશની સફર ખેડવી ISRO માટે સસ્તી થઈ જશે. આ સેટેલાઈટથી પ્રોજેક્ટ લોન્ચિંગ સસ્તું થશે, કારણ કે, તેને ફરીવાર પણ ઉપયોગમાં લઈ શકાશે. તે સિવાય પૃથ્વીની કક્ષામાં ફરી રહેલા ભારતીય સેટેલાઇટ્સને પણ આ પ્રોજેક્ટ દ્વારા જરૂરી મદદ મળી શકે તેમ છે.
Hat-trick for ISRO in RLV LEX! 🚀
— ISRO (@isro) June 23, 2024
🇮🇳ISRO achieved its third and final consecutive success in the Reusable Launch Vehicle (RLV) Landing EXperiment (LEX) on June 23, 2024.
"Pushpak" executed a precise horizontal landing, showcasing advanced autonomous capabilities under… pic.twitter.com/cGMrw6mmyH
પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી રહેલા કોઈપણ સેટેલાઈટમાં જો ખરાબી આવે છે તો લૉન્ચ વ્હીકલની મદદથી તેનો નાશ કરવાની જગ્યાએ તેને રિપેર પણ કરી શકાય છે. આ સિવાય ઝીરો ગ્રેવીટીમાં બાયોલોજી અને ફાર્મા સાથે સંબંધિત સંશોધન કરવું પણ સરળ થઈ રહેશે. આ પ્રોજેક્ટનો પહેલો એક્સપેરિમેન્ટ 2 એપ્રિલ, 2023 અને બીજો 22 માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો. આ છેલ્લો લેન્ડિંગ એક્સપેરિમેન્ટ હતો, જે સફળતાપૂર્વક પાર પડ્યો છે. હવે ISRO આ લૉન્ચ વ્હીકલનો ઓર્બિટલ રી-એન્ટ્રી ટેસ્ટ કરશે. આ ટેકનોલોજીથી રોકેટ લોન્ચિંગ સસ્તું થશે અને અંતરિક્ષમાં સાધનો પહોંચાડવામાં ઓછો ખર્ચ થશે.
ISRO કરી શકશે રોકેટનો પુનઃ ઉપયોગ
લૉન્ચ વ્હીકલના બે ભાગ હોય છે. પહેલો ભાગ રોકેટ અને બીજો તેના પર લગાવાયેલ સ્પેસક્રાફ્ટ અથવા તો સેટેલાઈટ, જેને પૃથ્વીની ભ્રમણકક્ષા અથવા તો અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવાના હોય છે. રોકેટનું કામ સ્પેસક્રાફ્ટ કે સેટેલાઈટને પૃથ્વીની ભ્રમણકક્ષા કે અંતરિક્ષમાં પહોંચાડવાનું હોય છે. હમણાં ISRO પ્રક્ષેપણ બાદ રોકેટને સમુદ્રમાં ડૂબાડી દે છે. એટલે કે, તેનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. પરંતુ રિયુઝેબલ ટેકનોલોજી દ્વારા રોકેટનો પુનઃ ઉપયોગ થઈ શકે છે. જેના પર હાલ ISRO કામ કરી રહી છે. ઇલોન મસ્કની કંપની સ્પેસ-એક્સ પહેલાં જ આ ટેકનોલોજી પ્રાપ્ત કરી ચૂકી છે.
ISROએ રિયુઝેબલ લૉન્ચ વ્હીકલ એક્સપેરિમેન્ટ પૂર્ણ કર્યો છે. હવે આવનારા સમયમાં રિટર્ન-ટુ-ફ્લાઇટ એક્સપેરિમેન્ટ (REX) અને સ્ક્રેમજેટ પ્રોપલ્શન એક્સપેરિમેન્ટ (SPEX) હાથ ધરવામાં આવશે. નિષ્ણાંતોના મતે ISROનું રિયુઝેબલ લૉન્ચ વ્હીકલ 2030 પહેલાં ઉડાન ભરવા માટે તૈયાર થઈ જશે. આ લૉન્ચ વ્હીકલ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 10,000 કિલોગ્રામથી વધુ વજન વહન કરવામાં સક્ષમ હશે.