જમ્મુ-કાશ્મીરના રિયાસી ખાતે થયેલા આતંકવાદી હુમલા મામલે પોલીસે એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે. જેની ઉપર આતંકવાદીઓને મદદ પૂરી પાડવાનો આરોપ છે. આરોપીની ઓળખ હકીમ દીન તરીકે થઈ છે, જે રાજૌરીનો રહેવાસી છે. આ કેસમાં આ પહેલી ધરપકડ હોવાનું પોલીસે જણાવ્યું છે.
રિયાસીના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ મોહિતા શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, રિયાસી આતંકવાદી હુમલામાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તે માસ્ટરમાઇન્ડ નથી પરંતુ હુમલામાં તેણે અગત્યનો ભાગ ભજવ્યો હતો.
#Visuals: SSP Reasi, @mohita_ips holds press conference on first arrest of a terrorist associate who helping
— Jammu Kashmir News Network 🇮🇳 (@TheYouthPlus) June 19, 2024
#terrorists who were responsible for #Reasi terror attack.@ZPHQJammu @JmuKmrPolice pic.twitter.com/M4ILHFVSEq
પકડાયેલો હકીમ આતંકવાદીઓ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આશંકા છે કે તેણે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હોય શકે. હાલ તેને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત 9 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં પસાર થતી એક હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં 9 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં અને બાકીના ઘણાને ઈજા પહોંચી હતી. આ ઘટનાને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ છે.
ઘટના બાદથી સતત જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગી છે. જે-તે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઑપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ આતંકવાદીઓની પણ સતત શોધખોળ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે પોલીસે કુલ 50 સંદિગ્ધ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ હાથ ધરી હતી.
હુમલા બાદ પોલીસ અને સુરક્ષાબળો દ્વારા મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી અમુક લીડ્સ મળી આવી, જેના થકી અમુક વ્યક્તિઓની ઓળખ કરીને તેમને પકડવામાં આવ્યા હતા સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તપાસના ભાગરૂપે જિલ્લાના અરનાસ અને મહોર વિસ્તારોમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે 1995થી 2005 દરમિયાન આતંકવાદીઓના ગઢ માનવામાં આવતા હતા.