Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ‘રજત શર્મા વિરુદ્ધની પોસ્ટ હટાવવામાં આવે’: ત્રણ કોંગ્રેસ નેતાઓને દિલ્હી હાઈકોર્ટનો આદેશ,...

    ‘રજત શર્મા વિરુદ્ધની પોસ્ટ હટાવવામાં આવે’: ત્રણ કોંગ્રેસ નેતાઓને દિલ્હી હાઈકોર્ટનો આદેશ, પત્રકારે કર્યો છે માનહાનિનો કેસ

    કોંગ્રેસ નેતાઓએ ઘટનાને વધુ સનસનાટીભરી બનાવી દીધી હતી અને તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં: કોર્ટ

    - Advertisement -

    પત્રકાર રજત શર્માએ દાખલ કરેલા કેસમાં તેમને વચગાળાની રાહત આપતાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતાઓ રાગિની નાયક, પવન ખેડા અને જયરામ રમેશને આરોપો લગાવતી અપમાનજનક પોસ્ટ હટાવી લેવા માટે નિર્દેશ કર્યો છે. રાગિનીએ થોડા દિવસ પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો હતો કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં ત્યારે ઇન્ડિયા ટીવી પર ડિબેટ દરમિયાન એડિટર-ઇન-ચીફ રજત શર્માએ તેમને અપશબ્દો કહ્યા હતા, જે આરોપો પત્રકાર શર્માએ નકારી દીધા છે. 

    શુક્રવારે (15 જૂન) એક વચગાળાના આદેશમાં જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાએ કહ્યું કે, કોંગ્રેસ નેતાઓએ ઘટનાને વધુ સનસનાટીભરી બનાવી દીધી હતી અને તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં. કોર્ટે એમ પણ ઠેરવ્યું કે જો આ સામગ્રી સોશિયલ મીડિયા પર યથાવત રહેશે તો રજત શર્માને ઘણું નુકસાન થઈ શકે તેમ છે. 

    કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, “ફરિયાદીને બદનામ કરતી X પોસ્ટ (ટ્વિટર પોસ્ટ) બીજું કશું જ નથી પણ વધુ પડતી સનસનાટીભરી અને ખોટાં તથ્યો રજૂ કરનારી છે. પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે, આ પોસ્ટથી ન માત્ર વાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે પરંતુ ભવિષ્યમાં પણ કોઇ સમયે તેમની વિરુદ્ધ તેનો ઉપયોગ કરવાની ધમકી આપવામાં આવી શકે છે. ભવિષ્યના આ પ્રકારના જોખમને જોતાં, જે પ્રથમ દ્રષ્ટિએ વાદીને એવા ચીતરી રહ્યા છે, અને જે કદાચ તથ્ય ન પણ હોય, મામલા પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ પ્રકારના વિડીયો જાહેર માધ્યમો પરથી હટાવી લેવામાં આવે તે જરૂરી છે.”

    - Advertisement -

    આગળ કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ નેતાઓને આ વિડીયો સાર્વજનિક કરવાથી રોકવા એ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન નહીં હોય. પણ જો તે સાર્વજનિક માધ્યમમાં જ રહ્યાં તો આ વિડીયોથી ફરિયાદીને જે નુકસાન થશે તેની ભરપાઈ ભવિષ્યમાં કોઈ રીતે થઈ ન શકે. કોર્ટે સાત દિવસની અંદર આ વિડીયો હટાવવા માટે જણાવ્યું છે. 

    નોંધવું જોઈએ કે પત્રકાર રજત શર્માએ પોતાની ઉપર ખોટા આરોપો લગાવવા મામલે કોંગ્રેસ નેતાઓ રાગિની નાયક, પવન ખેડા અને જયરામ રમેશ સામે ₹100 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય લાઈવ ટીવીમાં અપશબ્દોનો પ્રયોગ કર્યો નથી, પરંતુ કોંગ્રેસ નેતાઓએ ખોટી રીતે આરોપો લગાવીને તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. 

    રાગિની નાયકે લગાવ્યા હતા આરોપ

    આ મામલો ગત 10 જૂનથી શરૂ થયો હતો જ્યારે રાગિની નાયકે X પર એક પોસ્ટ કરીને રજત શર્મા પર ડિબેટ દરમિયાન અપશબ્દો બોલવાના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે એક પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી. ત્યારબાદ આ આરોપોને કોંગ્રેસના નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે પણ આગળ ચલાવ્યા હતા. 

    પછીથી રજત શર્માએ પોતાના શો દરમિયાન સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસ નેતાઓને આરોપો પરત લેવા માટે કહ્યું હતું. તેમણે લીગલ નોટિસ પણ મોકલી હતી, પરંતુ કોઇ ફેર ન પડતાં આખરે તેમની લીગલ ટીમ કોર્ટ પહોંચી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં