ગોધરામાં NEET પરીક્ષા કૌભાંડની તપાસમાં પોલીસને 12 વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને ગુનેગારો વચ્ચે કરોડો રૂપિયાની લેવડદેવડની માહિતી મળી આવી છે. તપાસમાં MBBS ડિગ્રી માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં છેતરપિંડી કરવા માટે નાણાંની લેવડદેવડની ઘટનાઓ સામે આવી છે. અહીં આખું પરીક્ષા કેન્દ્ર જ વેચવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, ગોધરામાં NEET માટે ખાસ પરીક્ષા કેન્દ્ર ફાળવવા માટે ₹10 લાખ આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ આ કેસમાં અનેક બેંક ચેક પણ રિકવર કર્યા છે. આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા ચેક પર ઉમેદવારોના માતા-પિતાના ફોન નંબર લખેલા છે. આ રીતે, કુલ ₹2.30 કરોડ (કેટલાક અહેવાલોમાં ₹2.82 કરોડ)ના ચેક મળી આવ્યા છે અને અંદાજે ₹12 કરોડના નાણાકીય વ્યવહારોની માહિતી પ્રકાશમાં આવી છે.
આ કેસમાં તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી તુષાર ભટ્ટની વચગાળાની જામીન અરજી પણ ગોધરા જિલ્લા અદાલતે ફગાવી દીધી છે. જ્યારે, આ કેસમાં પોલીસ પૈસા ચૂકવનારા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના નિવેદનો નોંધી રહી છે. આ રેકેટ પરશુરામ રૉય નામનો વ્યક્તિ ચલાવતો હતો.
In Gujarat's Godhara, entire examination centre of NEET Exam was involved in Paper Leak. Cheques worth Rs. 2.3 Crores were seized 🤯
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 15, 2024
~ Around 30 students from even distant states visited here for exam.
PLAN: Once the exam gets over, centres get extra to bind up the copies.… pic.twitter.com/DjSi1rACtk
આ કેસમાં સામેલ 12માંથી ચાર વિદ્યાર્થીઓએ વડોદરાના પરશુરામ રૉય દ્વારા સંચાલિત રૉય ઓવરસીઝ કંપનીના બેંક ખાતામાં ₹66 લાખ જમા કરાવ્યા હતા. વિદ્યાર્થીઓએ તુષાર ભટ્ટ અને પરશુરામ રૉયને ₹2.82 કરોડના ચેક પણ આપ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, ત્રણ વિદ્યાર્થીઓએ ભટ્ટ અને રૉયને કોરા ચેક આપ્યા હતા, જે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિ માટે મોટો નાણાકીય વ્યવહાર સૂચવે છે.
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અને વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા વચ્ચે ₹12 કરોડની લેવડદેવડ થઈ છે. તેમાંથી ₹2.30 કરોડનો વ્યવહાર એકલા પરશુરામ રૉય સાથે થયો હતો. આરોપીઓને NEET પરીક્ષામાં અંદાજે ₹26 કરોડ મળવાનું અનુમાન હતું. આ માટે તેણે દરેક વિદ્યાર્થી માટે ₹10 લાખનો રેટ નક્કી કર્યો હતો.
આ ધરપકડ ત્યારે થઈ જ્યારે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી NTAએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 વિદ્યાર્થીઓના માર્કસ રદ કરવામાં આવશે. સાથે કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો આ ઉમેદવારો ઈચ્છે તો તેઓ ફરીથી પરીક્ષામાં ભાગ લઈ શકે છે. તેની પરીક્ષા 23 જૂન 2024ના રોજ લેવામાં આવશે અને તેનું પરિણામ 30 જૂને જાહેર કરવામાં આવશે.
વેચવામાં આવ્યું હતું આખું પરીક્ષા કેન્દ્ર
ગોધરામાં આવેલી જલારામ સ્કૂલમાં NEET પરીક્ષાનું કેન્દ્ર હતું. જેમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા અપાવવામાં આવી હતી. પરીક્ષા આપનારાઓમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. ખરેખર તો આ આખું કેન્દ્ર મેનેજ કરી લેવામાં આવ્યું હતું અને બાળકોને પાસ કરાવવાની જવાબદારી લેવામાં આવી હતી. બદલામાં દરેક વિદ્યાર્થી પાસેથી 10-10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.
આ પરીક્ષા કેન્દ્રના પરીક્ષાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે, તેમને જે પ્રશ્નોના જવાબ આવડે તે માર્ક કરી દે અને બાકીના છોડી દે. જે સવાલો છોડી દેવામાં આવ્યા હતા, તે ત્યાં કેન્દ્રના લોકોએ માર્ક કરી દીધા હતા. ખરેખર પરીક્ષા પૂરી થયા પછી ઉત્તરવહી મોકલવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે. બીજી તરફ પરીક્ષા પૂરી થયાના અડધા કલાકની અંદર ઘણાં મોટા કોચિંગ સેન્ટરો પ્રશ્નોના જવાબો ઓનલાઈન જાહેર કરી દે છે.
આ કેન્દ્રના કર્મચારીઓએ તે જવાબોની મદદથી વિદ્યાર્થીઓની OMR શીટ પર સાચા જવાબો માર્ક કરવાના હતા. આ રીતે આ તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ જાત, પરંતુ આ બધું બને તે પહેલાં જ ગોધરાના જિલ્લા વહીવટી તંત્રને આ માહિતી મળી ગઈ હતી. પ્રશાસને આ કેન્દ્રનો કબજો મેળવ્યો અને ત્યારબાદ પ્રશાસનની દેખરેખ હેઠળ અહીં ફરીથી પરીક્ષા યોજાઈ હતી.
પટનામાં પેપર લીક
જ્યારે, પટનાથી સમાચાર આવી રહ્યા છે કે, 5 મેના રોજ યોજાનારી પરીક્ષાની આગલી રાત્રે ઘણા વિદ્યાર્થીઓને એક રૂમમાં પેપર સોલ્વ કરાવવામાં આવ્યા હતા. પટનાના શાસ્ત્રીનગર વિસ્તારમાં DAV સ્કૂલમાં NEET પરીક્ષાનું સેન્ટર હતું. પરીક્ષા બાદ પોલીસે આ સેન્ટર પર પરીક્ષા આપનાર આયુષ નામના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, પરીક્ષા પહેલાં જ તેની પાસે પ્રશ્નપત્ર ઉપલબ્ધ હતું.
પટનાની એક હોસ્ટેલમાં આયુષ અને તેના જેવા અન્ય 25 વિદ્યાર્થીઓને પરીક્ષાના પેપર અને જવાબો આપવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની આગલી રાત્રે પ્રશ્નોના જવાબો ગોખાવી નાખવામાં આવ્યા હતા. બીજા દિવસે, NEET પરીક્ષામાં બરાબર એ જ પ્રશ્નો આવ્યા હતા. આ માટે દરેક વિદ્યાર્થી પાસેથી 20-20 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પટના પોલીસે આ કેસમાં 13 લોકોની ધરપકડ કરી છે. જેમાં છ વિદ્યાર્થીઓ, ચાર કેન્દ્રો અને ત્રણ વાલીઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, NEET પરીક્ષામાં પેપર લીક થયું હોવાના આરોપ સાથે સુપ્રીમ કોર્ટ અને ઘણા રાજ્યોની કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પેપર લીક થયું છે, તેથી સમગ્ર પરીક્ષા રદ કરી પરીક્ષા નવેસરથી લેવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટે NTA પાસેથી જવાબ માંગ્યો છે. તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, આમાં કોઈ ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં અને જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો NTAની જવાબદારી નક્કી કરવામાં આવશે.