Saturday, November 23, 2024
More
    હોમપેજદેશરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે અજિત ડોભાલ, ત્રીજી ટર્મ માટે થઈ...

    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે અજિત ડોભાલ, ત્રીજી ટર્મ માટે થઈ નિમણૂક: કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે

    સરકારના એક અધિકારિક પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે, કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ અજિત ડોભાલ (નિવૃત્ત IPS)ની નિમણૂક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કરવા માટે મંજૂરી આપી છે.

    - Advertisement -

    છેલ્લી 2 ટર્મથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કાર્યરત અજિત ડોભાલ ત્રીજી ટર્મ માટે પણ NSA રહેશે. ગુરુવારે (13 જૂન) સરકારે આધિકારિક રીતે આ બાબતની જાણકારી આપી. તેમને સરકારમાં કેબિનેટ મંત્રી કક્ષાનો દરરજો આપવામાં આવશે. 

    સરકારના એક અધિકારિક પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે, કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ અજિત ડોભાલ (નિવૃત્ત IPS)ની નિમણૂક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કરવા માટે મંજૂરી આપી છે. તેઓ વડાપ્રધાનની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી અથવા આગામી આદેશ સુધી, બેમાંથી જે પ્રથમ હોય ત્યાં સુધી આ પદ પર રહેશે. 

    NSA સાથે અગાઉની ટર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા PK મિશ્રાને પણ આ પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. તેમને પણ કેબિનેટ મંત્રી રેન્ક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બંને અધિકારીઓને અગાઉની ટર્મમાં પણ કૅબિનેટ રેન્ક મળ્યા હતા. 

    - Advertisement -

    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રાષ્ટ્રની આંતરિક અને બાહ્ય સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે વડાપ્રધાનને સલાહ આપે છે. ભારત સરકારમાં આ હોદ્દો બહુ શક્તિશાળી માનવામાં આવે છે. તેઓ તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓ R&AW, IB, NTRO, MI, DIA, NIA વગેરે તરફથી નિયમિત રીતે ઇનપુટ્સ મેળવતા રહે છે અને તેને વડાપ્રધાન સુધી પહોંચાડે છે. 

    આ પોસ્ટ વર્ષ 1998માં અટલ બિહારી બાજપાઈ સરકાર દરમિયાન બની હતી. તત્કાલીન પ્રિન્સિપલ સેક્રેટરી બ્રજેશ મિશ્રા પહેલા NSA બન્યા હતા. 2004માં મનમોહન સિંઘ સરકાર બન્યા બાદ NSAમાં બે વિભાગ પાડીને એક ફોરેન હેડ અને એક ઇન્ટરનલ હેડ નીમવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ 2005માં ફોરેન હેડનું નિધન થયા બાદ ફરી બંને વિભાગ મર્જ કરીને એક NSS બનાવાયા હતા. 

    મનમોહન સિંઘ સરકારમાં 2004થી 2010 સુધી IBના પૂર્વ ડાયરેક્ટર MK નારાયણન NSA રહ્યા. 2010થી 2014 સુધી પૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનને આ જવાબદારી નિભાવી. 2014માં મોદી સરકાર બન્યા બાદ IBના પૂર્વ ડાયરેક્ટર, પૂર્વ IPS અજિત ડોભાલને NSA નીમવામાં આવ્યા. ત્યારથી તેઓ જ NSA રહ્યા છે અને હજુ પણ પાંચ વર્ષ સુધી કાર્યકાળ લંબાવી દેવાયો છે. 

    NSA અજિત ડોભાલ એક સફળતમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારે છેલ્લાં 10 વર્ષમાં આતંકવાદ અને આંતરિક-બાહ્ય જોખમો સામે ઝીરો ટોલરન્સ નીતિથી પ્રહારો કર્યા તેમાં અજિત ડોભાલનો મોટો ફાળો રહ્યો છે. વર્ષ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈકમાં પણ અજિત ડોભાલે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં