Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણટોપ 4 મંત્રીઓ રિપીટ, શિવરાજસિંઘ-નડ્ડાની સરકારમાં એન્ટ્રી, સાથી પક્ષોમાંથી પાસવાન, લલન સિંઘ,...

    ટોપ 4 મંત્રીઓ રિપીટ, શિવરાજસિંઘ-નડ્ડાની સરકારમાં એન્ટ્રી, સાથી પક્ષોમાંથી પાસવાન, લલન સિંઘ, કુમારસ્વામીને સ્થાન: મોદી સરકાર 3.0માં હશે 30 કેબિનેટ મંત્રીઓ- વાંચો સંપૂર્ણ યાદી

    મોદી સરકાર 3.0માં કુલ 30 કેબિનેટ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના ભાજપ નેતાઓ છે. સાથી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોદી સરકાર 2.0ના મોટાભાગના મંત્રીઓ રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી સી. આર પાટીલ કેબિનેટમાં ઉમેરાયા છે. 

    - Advertisement -

    લોકસભા ચૂંટણી બાદ હવે નવી સરકારની રચના કરવામાં આવી રહી છે. રવિવારે (9 જૂન) રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં ભવ્યાતિભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાયો. જેમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરીને ઇતિહાસ રચ્યો. તેમની સાથે મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે નેતાઓએ પણ શપથ ગ્રહણ કર્યા. વરિષ્ઠ નેતાઓમાં રાજનાથ સિંઘ, અમિત શાહ, જેપી નડ્ડા, પિયૂષ ગોયલ, એસ જયશંકર, નિર્મલા સીતારમન વગેરેનો સમાવેશ થાય છે. 

    મોદી સરકાર 3.0માં કુલ 30 કેબિનેટ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના ભાજપ નેતાઓ છે. સાથી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોદી સરકાર 2.0ના મોટાભાગના મંત્રીઓ રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી સી. આર પાટીલ કેબિનેટમાં ઉમેરાયા છે. 

    નરેન્દ્ર મોદીની કેબિનેટના મંત્રીઓની યાદી:

    રાજનાથ સિંઘ: પીએમ મોદી બાદ બીજા ક્રમે પૂર્વ રક્ષામંત્રી રાજનાથ સિંઘે શપથગ્રહણ કર્યા. મોદી સરકાર 1.0માં તેઓ ગૃહમંત્રી રહ્યા હતા. બીજી ટર્મમાં તેઓ રક્ષામંત્રી રહ્યા. તેઓ લખનૌથી ભારતીય જનતા પાર્ટીની ટીકીટ પર ચૂંટાયા છે. તેઓ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓમાં તેમની ગણના કરવામાં આવે છે. ફરી એક વખત તેઓ સરકારનો ભાગ બની રહ્યા છે. તેમને મોટું ખાતું આપવામાં આવશે તે નક્કી છે. 

    - Advertisement -

    અમિત શાહ: ત્રીજા ક્રમે અમિત શાહે શપથગ્રહણ કર્યા. તેઓ મોદી સરકાર 2.0માં ગૃહમંત્રી રહ્યા હતા. આ સરકારમાં પણ તેઓ આ જ પદ સંભાળશે તેવું અનુમાન છે. તેઓ 2 ટર્મથી ગાંધીનગરથી સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા છે. અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના સૌથી સફળ અધ્યક્ષ પૈકીના એક રહી ચૂક્યા છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. 

    નીતિન ગડકરી: નીતિન ગડકરી પણ મોદી સરકાર 3.0માં રિપીટ થઈ રહ્યા છે. મોદી સરકાર 1 અને 2માં તેઓ અલગ-અલગ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. બીજી ટર્મમાં તેઓ માર્ગ અને પરિવહન મંત્રી રહ્યા. આ સરકારમાં પણ તેમને મોટું પદ મળવું નક્કી છે. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.  મોદી સરકારના સૌથી સફળ અને લોકપ્રિય મંત્રીઓમાં તેમની ગણના થાય છે. તેઓ નાગપુરથી સાંસદ છે. 

    એસ જયશંકર: પૂર્વ IAS અધિકારી અને મોદી સરકાર 2.0માં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસ જયશંકર મોદી સરકાર 3.0નો પણ ભાગ હશે. તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. વિદેશ મંત્રી તરીકે તેમનો કાર્યકાળ પણ સફળ રહ્યો છે. નવી સરકારમાં તેઓ વિદેશ મંત્રી જ રહે તેવી પ્રબળ સંભાવના છે. 

    નિર્મલા સીતારમણ: નિર્મલા સીતારમણ મોદી સરકારમાં નાણામંત્રી રહ્યાં છે. તેઓ રાજ્યસભા સાંસદ છે. ત્રીજી ટર્મ માટે પણ તેમને રિપીટ કરવામાં આવ્યાં છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં 2017થી 2019 દરમિયાન તેઓ રક્ષામંત્રી પણ રહી ચૂક્યાં છે. બીજી ટર્મમાં તેમને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. 

    જે. પી નડ્ડા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ તેઓ મંત્રી રહ્યા હતા. જોકે, 2019માં તેમને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીમવામાં આવતાં સરકારનો ભાગ રહ્યા ન હતા. હવે તેઓ ફરી એક વખત સરકારમાં પરત ફર્યા છે ત્યારે ભાજપ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે તેવી શક્યતા છે. 

    શિવરાજસિંહ ચૌહાણ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે પ્રથમ વખત કેબિનેટ મંત્રી પદે શપથ લીધા છે. તેઓ 15 વર્ષ સુધી મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. લોકસભા ચૂંટણી તેઓ વિદિશા બેઠક પરથી લડ્યા હતા, જ્યાં 8.5 લાખ મતથી વિજેતા બન્યા હતા. મોદી સરકાર 3.0માં તેમને અગત્યનું મંત્રાલય આપવામાં આવશે. 

    મનોહર લાલ ખટ્ટર: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ નવી મોદી સરકારમાં મંત્રી બન્યા છે. તેમણે ગત માર્ચમાં જ હરિયાણાના સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ કરનાલ લોકસભા બેઠક પરથી લડ્યા અને જીત મેળવી. 

    પિયૂષ ગોયલ: પિયૂષ ગોયલ પણ રિપીટ થઈ રહ્યા છે. જોકે, આ વખતે તેઓ લોકસભા ચૂંટણી લડીને આવ્યા છે. તેઓ મુંબઈ ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી. મોદી સરકાર 2.0માં તેઓ કેબિનેટ મંત્રી હતા. ફરી એક વખત તેઓ સરકારનો ભાગ બન્યા છે. 

    ધર્મેન્દ્ર પ્રધાન: પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ફરી કેબિનેટ મંત્રી બન્યા છે. મોદી સરકાર 2.0માં તેઓ શિક્ષણ મંત્રી રહ્યા. તે પહેલાં તેઓ પેટ્રોલિયમ મંત્રાલયનો કારભાર પણ સંભાળી ચૂક્યા હતા. તેઓ ઓડિશાથી લોકસભા ચૂંટણી જીતીને આવ્યા છે. તેમનું નામ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પણ ચાલતું હતું, પરંતુ તેઓ દિલ્હીમાં જ રહેશે તે સ્પષ્ટ થઈ ગયું છે. 

    રાજીવ રંજન સિંઘ: લલન સિંઘના ઉપનામથી પણ ઓળખાતા રાજીવ રંજન સિંઘ JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઉપરાંત, તેઓ નીતીશ કુમારના અત્યંત વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. તેમને પણ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ બિહારની મુંગેર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને આવ્યા છે. 

    HD કુમારસ્વામી: જનતા દળ સેક્યુલરના પ્રમુખ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પણ મોદી સરકારનો ભાગ બન્યા છે. તેમણે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ પૂર્વ વડાપ્રધાન HD દેવેગૌડાના પુત્ર છે. તેમની પાર્ટી JDS NDAનો ભાગ છે. 

    જીતન રામ માંઝી: હિન્દુસ્તાન આવામ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝી પણ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી હશે. તેઓ બિહારના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ બિહારની ગયા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા. તેમની પાર્ટી HAM NDAનો ભાગ છે. 

    સર્વાનંદ સોનોવાલ: તેઓ આસામના પૂર્વ મુખ્યમંત્રી છે. હાલ તેઓ રાજ્ય સભા સાંસદ છે. મોદી સરકાર 2.0માં પણ તેઓ પોર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલય અને આયુષ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. મોદી સરકાર 3.0માં પણ તેઓ કેબિનેટ મંત્રી હશે.  

    ડૉ. વીરેન્દ્ર કુમાર: ભાજપ નેતા ડૉ. વીરેન્દ્ર કુમારે પણ કેબિનેટ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. મોદી સરકાર 2.0માં સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રી રહી ચૂક્યા છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ 2017થી 2019 દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય તેમજ લઘુમતી મંત્રાલયના રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. 

    કે. રામ મોહન નાયડુ: TDP નેતા રામ મોહન નાયડુ મોદી સરકારમાં સૌથી નાની વયના કેબિનેટ મંત્રી હશે. તેઓ 2014થી સાંસદ છે. હવે સરકારમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમના પિતા પણ 1996માં કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યા હતા. 

    પ્રહલાદ જોશી: મોદી સરકાર 2.0માં સંસદીય કાર્ય મંત્રી રહી ચૂકેલા પ્રહલાદ જોશી પણ કેબિનેટ મંત્રી બન્યા છે. તેઓ કર્ણાટકની ધારવાડ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા. 2012થી 2016 દરમિયાન તેઓ કર્ણાટકના ભાજપ અધ્યક્ષ પણ રહ્યા હતા. 

    અશ્વિની વૈષ્ણવ: પૂર્વ IAS અધિકારી અશ્વિની વૈષ્ણવ રાજ્યસભા સાંસદ છે. મોદી સરકાર 2.0માં તેઓ અનેક મહત્વનાં મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. જેમાં રેલવે, IT, કોમ્યુનિકેશન વગેરેનો સમાવેશ થાય છે. નવી સરકારમાં તેઓ રિપીટ થયા છે. 

    ગિરિરાજ સિંઘ: ગિરિરાજ સિંઘ બિહારના બેગુસરાયથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે. અગાઉ તેઓ મોદી સરકારમાં મહત્ત્વનાં મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં તેમની ગણતરી કરવામાં આવે છે. 

    જ્યોતિરાદિત્ય સિંધિયા: મધ્ય પ્રદેશના ગુનાથી ભારતીય જનતા પાર્ટીની ટીકીટ પર ચૂંટાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી સરકાર 2.0માં નાગરીક ઉડ્ડયન મંત્રી રહ્યા છે. તેમના પિતા માધવરાવ સિંધિયા પણ કોંગ્રેસ સરકારમાં આ જ મંત્રાલય સંભાળી ચૂક્યા હતા. જ્યોતિરાદિત્ય અગાઉ કોંગ્રેસમાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હતા. 2020માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2021માં મોદી સરકારના કેબિનેટ વિસ્તરણ દરમિયાન તેમને મંત્રી બનાવાયા હતા. 

    ભૂપેન્દ્ર યાદવ: ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનના અલવરથી લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે. તે પહેલાં તેઓ રાજ્યસભા સાંસદ હતા. મોદી સરકાર 2.0માં તેઓ પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે. તેમને સંગઠનનો પણ બહોળો અનુભવ છે. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી. તેનો હવે તેમને શિરપાવ મળ્યો છે. 

    ગજેન્દ્ર સિંઘ શેખાવત: ગજેન્દ્ર સિંઘ પણ ફરી મોદી સરકારમાં મંત્રી બન્યા છે. જૂની સરકારમાં તેઓ જળશક્તિ મંત્રી હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમણે 2017થી 2019 દરમિયાન કૃષિ મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકે ફરજ બજાવી હતી. 2014થી તેઓ જોધપુરથી સાંસદ છે. આ વખતે પણ તેઓ ચૂંટણી જીતીને આવ્યા છે. 

    કિરણ રિજિજૂ: અરૂણાચલ પ્રદેશથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ કિરણ રિજિજૂ પણ મોદી સરકારમાં મંત્રી બનશે. આ પહેલાં તેઓ અનેક મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. તેઓ 2014થી મોદી સરકારમાં મંત્રી રહેતા આવ્યા છે. પહેલા કાર્યકાળમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી રહ્યા. બીજા કાર્યકાળમાં તેઓ ખેલ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) રહ્યા હતા. 2021માં તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા. જોકે, મે, 2023માં તેમને ભૂગોળ વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. 

    હરદીપ સિંઘ પુરી: પૂર્વ રાજનયિક હરદીપ સિંઘ પુરી ફરી કેબિનેટ મંત્રી બની રહ્યા છે. તેઓ 2018થી રાજ્યસભા સાંસદ છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેઓ શહેરી વિકાસ મંત્રી હતા. ત્યારબાદ બીજા કાર્યકાળમાં તેમને પેટ્રોલિયમ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. ત્રીજી ટર્મમાં પણ તેઓ રીપીટ થઈ રહ્યા છે. 

    મનસુખ માંડવિયા: ગુજરાતના પોરબંદરથી ચૂંટાયેલા મનસુખ માંડવિયા ફરી મોદી સરકારમાં મંત્રી બની રહ્યા છે. બીજા કાર્યકાળમાં તેઓ સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે. કોરોના સમયે તેમણે કરેલી કામગીરી નોંધપાત્ર રહી હતી. અગાઉ તેઓ રાજ્યસભામાં હતા, પરંતુ 2024ની લોકસભા ચૂંટણી પોરબંદર બેઠક પરથી લડ્યા અને કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા. ત્રીજા કાર્યકાળમાં તેઓ ફરી મંત્રી બની રહ્યા છે. 

    સી. આર પાટીલ: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી. આર પાટીલ પહેલી વખત મોદી સરકારમાં મંત્રી બન્યા છે. તેઓ નવસારીથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ તેમણે પોણા આઠ લાખ મતની જંગી લીડથી જીત મેળવી. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ભાજપે તેમની આગેવાનીમાં લડી હતી અને 156 બેઠકો પર જીત મેળવી હતી. તેઓ મોદી સરકારમાં મંત્રી બનતાં હવે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે તેવું અનુમાન છે. 

    જી કિશન રેડ્ડી: મોદી સરકાર 2.0માં તેઓ પ્રવાસન મંત્રી તેમજ સંસ્કૃતિ મંત્રી રહી ચૂક્યા છે. મોદી સરકાર 2.0માં 2019થી 2021 દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી પણ રહ્યા હતા. તેઓ તેલંગાણા ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ પણ છે. અગાઉ આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે 2009થી 2014 સુધી તેઓ આંધ્ર વિધાનસભાના સભ્ય હતા. 

    ચિરાગ પાસવાન: યુવાનેતા અને લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ) અધ્યક્ષ ચિરાગ પાસવાન હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા છે. તેમની પાર્ટી NDAનો ભાગ છે. પાર્ટી બિહારમાં પાંચ બેઠકો પર લડી અને તમામ પર જીત મેળવી. નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેમના પિતા રામવિલાસ પાસવાન અગાઉની અનેક સરકારોમાં મંત્રી રહી ચૂક્યા હતા. વર્ષ 2021માં તેમનું નિધન થયું હતું. મોદી સરકાર 1 અને 2માં પણ પાસવાન મંત્રી હતા. જ્યારે ચિરાગ પાસવાને પ્રથમ વખત કેબિનેટ મંત્રી પદે શપથ લીધા છે. 

    અન્નપૂર્ણા દેવી: ભાજપ નેતા અન્નપૂર્ણા દેવી મોદી સરકાર 2.0નો પણ ભાગ હતાં. તેઓ શિક્ષણ રાજ્યમંત્રી હતાં. જોકે, આ વખતે તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ઝારખંડના કોડરમાથી સાંસદ છે. 2019માં પણ આ બેઠક પરથી ચૂંટાયાં હતાં. 

    જુએલ ઓરમ: જુએલ ઓરમ ઓડિશાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. 2014થી 2019 દરમિયાન તેઓ મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. એટલું જ નહીં, 1999થી 2004ની અટલ બિહારી બાજપાઈ સરકારમાં પણ તેઓ મંત્રી રહ્યા હતા. હવે ફરી એક વખત કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા છે. તેઓ ઓડિશા વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ વખતે તેઓ સુંદરગઢથી ભાજપની ટીકીટ પર ચૂંટાયા. 

    આ તમામ નેતાઓ મોદી સરકાર 3.0માં કેબિનેટ કક્ષાના મંત્રીઓ હશે. કુલ 30 મંત્રીઓમાંથી 25 ભારતીય જનતા પાર્ટીના સાંસદો છે. જ્યારે બાકીના પાંચ સાથી NDA પાર્ટીઓના નેતાઓ છે. આ નેતાઓમાં JDU સાંસદ લલન સિંઘ, HAM ચીફ જીતનરામ માંઝી, TDP સાંસદ રામમોહન નાયડુ, લોકજનશક્તિ પાર્ટી (RV) પ્રમુખ ચિરાગ પાસવાન અને JDS પ્રમુખ એચડી કુમારસ્વામીનો સમાવેશ થાય છે. 

    આ મંત્રીઓ સિવાય અમુક મંત્રીઓએ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. નવી મોદી સરકારમાં કુલ 72 મંત્રીઓ હશે, જેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે. 36 રાજ્ય કક્ષાના મંત્રી હશે અને 5 મંત્રીઓ રાજ્ય કક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ હશે. ભારત સરકારમાં વડાપ્રધાન સિવાય કુલ 80 મંત્રીઓની મર્યાદા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં