નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ લેવા માટે જઈ રહ્યા છે. શુક્રવારે (7 જૂન) NDA સંસદીય દળની બેઠકમાં નેતા ચૂંટાયા બાદ તેમણે રાષ્ટ્રપતિ ભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેમને મંત્રીમંડળ સાથે 9 જૂનના રોજ સાંજે 7:15 વાગ્યે શપથગ્રહણ માટે નિમંત્રણ પાઠવ્યું છે. આ માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે તો મહેમાનોને નિમંત્રણ પાઠવવાનું પણ શરૂ કરી દેવાયું છે.
શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં યોજાશે. આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સ્ટેજ ગોઠવી દેવામાં આવ્યો છે. આ હાઇપ્રોફાઈલ ઇવેન્ટ માટે સુરક્ષા-વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ માટે પેરામિલિટરી કર્મચારીઓની પાંચ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. સાથે દિલ્હી પોલીસના જવાનો પણ ખડેપગે રહેશે. NSG કમાન્ડો પણ સુરક્ષામાં રહેશે. બીજી તરફ, કાર્યક્રમને જોતાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવન, કર્તવ્ય પથ ઉપરાંત જ્યાં મહેમાનો રોકાશે તે સ્થળોએ ખાસ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. આ સિવાય આ મહેમાનોના રૂટ પર સ્નાઈપર્સ અને હથિયારબંદ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે. હવાઈ નિરીક્ષણ માટે ડ્રોન પણ હશે. આ સિવાય શહેરમાં જુદાં-જુદાં ઠેકાણે પણ સ્નાઇપર્સ મૂકવામાં આવશે. તમામ વ્યવસ્થા એવી કરવામાં આવશે જેવી રીતે ગત વર્ષે G20 સમિટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.
First Look of the Rashtrapati bhawan as preparations in full swing for Modi 3.0 oath taking ceremony this Sunday. pic.twitter.com/C6XLRfN16Q
— Sidhant Sibal (@sidhant) June 7, 2024
રાષ્ટ્રપતિ ભવનની આસપાસ ત્રણ સ્તરમાં સુરક્ષા ગોઠવવામાં આવશે. લગભગ 2500 પોલીસ કર્મચારીઓ ભવનની સુરક્ષા માટે રહેશે. બીજી તરફ, કાર્યક્રમને જોતાં દિલ્હીના મધ્ય ભાગના અમુક રૂટ બંધ કરી દેવામાં આવશે અને સવારથી જ ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવશે. જ્યારે રાજધાનીની સરહદો પર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને શહેરમાં પણ ટ્રાફિક ચેકપોઈન્ટ્સ મૂકવામાં આવશે. આ માટે ખાસ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત હશે.
નવી સરકારના શપથગ્રહણ માટે પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવી રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના, મોરેશિયસના પીએમ પ્રવિંદ જગન્નાથ, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, ભૂટાનના પીએમ શેરિંગ તોબગે વગેરે નેતાઓ શપથગ્રહણમાં હાજરી આપશે. તમામને સરકારે નિમંત્રણ મોકલી આપ્યું છે. એમાંથી અમુક નેતાઓ નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે, બાકીના 9 જૂને પહોંચશે.
શપથગ્રહણ બાદ આ નેતાઓ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા પણ NDA પાર્ટીના નેતાઓ માટે ડિનરનું આયોજન કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
કાર્યક્રમ માટે આ રાષ્ટ્રાધ્યક્ષો સિવાય પણ અન્ય મહેમાનોને નિમંત્રણ અપાયું છે. રાજકીય પાર્ટીના નેતાઓ સિવાય ફિલ્મ, રમતજગત, ઉદ્યોગજગત વગેરે ક્ષેત્રોમાંથી પણ નામી વ્યક્તિઓને નિમંત્રણ આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની યોજનાઓના અમુક લાભાર્થીઓ તેમજ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના શ્રમિકોને પણ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વંદે ભારત અને મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરનારા લોકો પણ શપથગ્રહણ માટે હાજર રહેશે.