લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે. NDA અને ભાજપ નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તો બીજી તરફ INDI ગઠબંધનના સમર્થકોએ ગેરેન્ટી કાર્ડમાં જે ‘ખટાખટ-ખટાખટ’ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું, તેની ઉઘરાણી શરૂ કરી છે. આ પહેલાં લખનૌમાં જેમ મહિલાઓએ કોંગ્રેસ કાર્યાલયને ઘેરીને રૂપિયાની માંગણી કરી હતી, એવી જ રીતે હવે દિલ્હીમાં કેટલીક મુસ્લિમ મહિલાઓએ AAP નેતા સંજય સિંઘ અને રાઘવ ચઢ્ઢાને ઘેરીને રૂપિયાની ઉઘરાણી કરી હતી.
લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ અને યુવાઓને પૈસા આપવાની ગેરેન્ટી આપી હતી. ત્યારે હવે મહિલાઓ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયની મહિલાઓએ વિપક્ષી પાર્ટીઓ પાસે રૂપિયાની માંગ સાથે તેમને ઘેરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં કેટલીક મહિલાઓએ I.N.D.I ગઠબંધ સાથે જોડાયેલી આમ આદમી પાર્ટીના સંજય સિંઘ અને રાઘવ ચઢ્ઢા પાસે રૂપિયાની માંગણી કરી હતી.
મહિલાઓએ સંજય સિંઘ અને રાઘવ ચઢ્ઢા પાસે વાયદા મુજબ એક-એક લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. મહિલાઓનું કહેવું હતું કે તેમને જે ‘ખટાખટ-ખટાખટ’ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તે હજુ સુધી મળ્યા નથી. વાસ્તવમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણીના પ્રચારમાં વાયદો કર્યો હતો કે 5 જૂન, 2024થી જ મહિલાઓના ખાતામાં રૂપિયા આવવાનું શરૂ થઇ જશે.
આ મુસ્લિમ મહિલાઓ સંજય સિંઘ અને રાઘવ ચઢ્ઢાને ઘેરીને કહી રહી હતી કે તમે અમારી પાસેથી દુઆ લઈને જ જજો. મહિલાઓએ ઘેરી લેતાં આમ આદમી પાર્ટીના બંને નેતા છટકવાની ફિરાકમાં જોવા મળી રહ્યા હતા. કોંગ્રેસે આ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. સાથે જ બેરોજગાર યુવાઓને પણ નિયમિત બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાનાં અનેક ભાષણોમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર બનતાંની સાથે જ ‘ખટાખટ..ખટાખટ’ પૈસા આવવાના શરૂ થઈ જશે.
After Lucknow now women of Delhi are also demanding their money which was promised by the INDI alliance during the election campaign.
— Mr Sinha (Modi's family) (@MrSinha_) June 7, 2024
They surrounded AAP MP Raghav Chadda's car…. Good… It should happen across the country… 🤣🤣🤣 pic.twitter.com/h1zrSVdLzb
આ પહેલાં બેંગલોર અને લખનૌ ખાતે પણ આવાં જ દ્રશ્યો સર્જાયાં હતાં
ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક વિડીયો ઉત્તર પ્રદેશના લખનૌથી પણ સામે આવ્યો હતો. તે સમયે પણ મુસ્લિમ મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયની બહાર લાંબી કતારો કરીને ઊભેલી નજરે પડી હતી. મહિલાઓએ કોંગ્રેસ કાર્યાલય પર જઈને કોંગ્રેસના ‘ગેરેન્ટી કાર્ડ’ની માંગણી કરી હતી, જેમાં કોંગ્રેસ દ્વારા ₹1 લાખ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ આપેલી લાલચની એવી અસર થઈ હતી કે, બેંગ્લોરમાં પણ હજારો મહિલાઓ પોસ્ટ ઓફિસ ધસી આવી હતી અને ખાતાં ખોલાવવાના પણ શરૂ કરી દીધાં હતાં. બેંગ્લોરની આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. હકીકતમાં બેંગ્લોરમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે, કોંગ્રેસ મહિલાઓના પોસ્ટ ઓફિસ ખાતામાં ₹8000 રૂપિયા ટ્રાન્સફર કરશે. જેને લઈને હજારો મહિલાઓ વહેલી સવારે બેંગ્લોર જનરલ પોસ્ટ ઓફિસ પહોંચી ગઈ હતી.
ખાતું ખોલાવવા માટે મહિલાઓ કલાકો સુધી ત્યાં રાહ જોઈને બેઠી રહી હતી. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પણ આ ઘટનાને લઈને અચંબિત થઈ ગયો હતો. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ આ જોઈને દંગ રહી ગયા હતા. તેઓ પણ સમજી શક્યા નહોતા કે, આટલી બધી સ્ત્રીઓ એકસાથે ખાતું ખોલાવવા માટે કેમ પહોંચી ગઈ. બેંગ્લોરની ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગી હતી. જે બાદ તો પોસ્ટ ઓફિસની બહાર બોર્ડ મારવામાં આવ્યું હતું કે, આવી કોઈ યોજના પોસ્ટ ઓફિસમાં ચાલુ નથી.