લોકસભા ચૂંટણીમાં NDAના વિજય બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા માટે જઈ રહ્યા છે. 8 જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજવામાં આવશે. આ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ મહેમાનોને આમંત્રણ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. PM મોદીના શપથગ્રહણ સમારોહમાં પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારના શપથગ્રહણમાં દક્ષિણ એશિયાના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજરી આપશે. જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીના, નેપાળ પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડ, ભૂટાનના રાજા ત્શેરિંગ તોબગે, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથનો સમાવેશ થાય છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે તેમને મોદી સરકારના શપથગ્રહણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી છે. ઉપરાંત, એમ પણ જણાવવામાં આવ્યું કે શ્રીલંકન રાષ્ટ્રપતિએ આમંત્રણ સ્વીકાર્યું છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે. આ જ રીતે બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ પણ પીએમ મોદીનું નિમંત્રણ સ્વીકાર્યું હોવાની જાણકારી મળી રહી છે.
During the conversation, Prime Minister @narendramodi invited President Wickremesinghe to his swearing-in ceremony, which President @RW_UNP accepted. (2/2)#DiplomacyLK #LKA #PMD @MFA_SriLanka
— President's Media Division of Sri Lanka – PMD (@PMDNewsGov) June 5, 2024
આ સિવાય નેપાળના વડાપ્રધાન, ભૂતાનના રાજા અને મોરેશિયસના વડાપ્રધાનને પણ ગુરુવારે (6 જૂન) નિમંત્રણ મોકલવામાં આવશે. જેથી આ શાસકો પણ મોદી સરકારના શપથગ્રહણ માટે ઉપસ્થિત રહી શકે છે. જોકે, આ નિમંત્રણોમાંથી પાડોશી દેશ પાકિસ્તાનના શાસકને બાકાત રાખવામાં આવ્યા છે.
બીજી તરફ, ચૂંટણીમાં જીત બાદ વિશ્વભરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવી રહ્યા છે. ઘણા રાષ્ટ્રાધ્યક્ષોએ સોશિયલ મીડિયા અને પત્ર થકી શુભકામનાઓ પાઠવી તો અનેક શાસકોએ ટેલિફોનિક વાતચીત થકી પીએમ મોદીને ત્રીજી ટર્મની શરૂઆત બદલ અભિનંદન પાઠવ્યા. આ રાષ્ટ્રાધ્યક્ષોમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, બ્રિટીશ પીએમ ઋષિ સુનક, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની આલ્બનીઝ વગેરે સામેલ છે. જાણવા મળ્યા અનુસાર, અત્યાર સુધી 75થી વધુ દેશના શાસકો પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી ચૂક્યા છે.
લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ હવે સરકાર બનાવવા માટે તૈયારીઓ તેજ થઈ છે. બુધવારે (5 જૂન) દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને NDA પાર્ટીઓના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં સૌએ સર્વસંમતિથી પીએમ મોદીને પોતાના નેતા ચૂંટ્યા હતા. હવે 7 જૂનના રોજ NDA સાંસદોની બેઠકમાં ઔપચારિક રીતે પીએમ મોદીને નેતા ચૂંટવામાં આવશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કરીને શપથ ગ્રહણ કરશે.