દેશભરમાં લોકસભા ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. 4 જૂન, 2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થયાં. જાહેર થયેલા આંકડાઓ અનુસાર, NDA સતત ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં INDI ગઠબંધનની સહયોગી સમાજવાદી પાર્ટીએ ઘણી બેઠકો જીતી લીધી છે. ત્યારે હવે UP પાટનગર લખનૌથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ઘણી મુસ્લિમ મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયની બહાર લાંબી કતારો કરીને ઊભી રહી છે. મહિલાઓએ કોંગ્રેસ કાર્યાલય પર જઈને કોંગ્રેસના ‘ગેરંટી કાર્ડ’ની માંગણી કરી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ₹1 લાખ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલાં પ્રચાર દરમિયાન કોંગ્રેસે ઘણા પરિવારોને ‘ગેરંટી કાર્ડ’ આપ્યા હતા. જેમાં પ્રત્યેક ગરીબ પરિવારની મુખ્ય મહિલાને પ્રતિ વર્ષ ₹1 લાખ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. તેવામાં લખનૌથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, લખનૌના કોંગ્રેસ કાર્યાલયની બહાર ગરમીમાં ઘણી મુસ્લિમ મહિલાઓ એકઠી થઈને કતારમાં લાગેલી છે. કેટલીક મહિલાઓએ કોંગ્રેસના ‘ગેરંટી કાર્ડ’ની માંગણી કરી છે. જ્યારે જે મહિલાઓને પહેલાં જ ગેરંટી કાર્ડ મળી ચૂક્યા છે, તેમણે પોતાના ખાતામાં પૈસા મેળવવા માટે ફોર્મ પણ જમા કરી લીધાં છે.
Muslim women in Lucknow reached the Congress office demanding 'guarantee cards' that the party promised during campaigning that they will give ₹1 lakh 🤣🤣
— BALA (@erbmjha) June 5, 2024
Evident how easy it is to fool these women. Such is the state of society. pic.twitter.com/HImTLTGYOk
વિડીયોમાં કેટલીક મહિલાઓ એવો દાવો કરી રહી છે કે, પૈસા મેળવવા માટે ફોર્મ જમા કરાવ્યા બાદ તેમને કોંગ્રેસ કાર્યાલય તરફથી એક રસીદ પણ આપવામાં આવી છે. જ્યારે કેટલીક મહિલાઓ કહી રહી છે કે, કોંગ્રેસ પાર્ટી મહિલાઓને 1 લાખ આપવાની છે. ઘણી મહિલાઓ રોષ વ્યક્ત કરતી પણ જોવા મળી છે. અસહ્ય ગરમીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ જવાથી આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.
બેંગલોરમાં પણ બની હતી આવી જ ઘટના
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે, તેઓ દેશની મહિલાઓના ખાતામાં ‘ખટાખટ’ ₹8500 નાખશે અને મહિલાઓને વધુ મજબૂત કરશે. તેમની આ જાહેરાતની એવી અસર થઈ હતી કે, બેંગ્લોરમાં હજારો મહિલાઓ પોસ્ટ ઓફિસ ધસી આવી હતી અને ખાતાં ખોલાવવાના પણ શરૂ કરી દીધાં હતાં. બેંગ્લોરની આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી.
હકીકતમાં બેંગ્લોરમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે, કોંગ્રેસ મહિલાઓના પોસ્ટ ઓફિસ ખાતામાં ₹8000 રૂપિયા ટ્રાન્સફર કરશે. જેને લઈને હજારો મહિલાઓ વહેલી સવારે બેંગ્લોર જનરલ પોસ્ટ ઓફિસ પહોંચી ગઈ હતી. ખાતું ખોલાવવા માટે મહિલાઓ કલાકો સુધી ત્યાં રાહ જોઈને બેઠી રહી હતી. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પણ આ ઘટનાને લઈને અચંબિત થઈ ગયો હતો. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ આ જોઈને દંગ રહી ગયા હતા. તેઓ પણ સમજી શક્યા નહોતા કે, આટલી બધી સ્ત્રીઓ એકસાથે ખાતું ખોલાવવા માટે કેમ પહોંચી ગઈ. બેંગ્લોરની ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગી હતી. જે બાદ તો પોસ્ટ ઓફિસની બહાર બોર્ડ મારવામાં આવ્યું હતું કે, આવી કોઈ યોજના પોસ્ટ ઓફિસમાં ચાલુ નથી.