લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે, પણ બહુમત તેને પણ મળ્યો નથી. જોકે NDA ગઠબંધનના સાથી પક્ષોની બેઠકોનો સરવાળો કરીએ તો બહુમતનો આંકડો (272) પાર થઈ જાય છે, જેથી તેમના સમર્થનથી સરકાર ભાજપ જ બનાવશે તે નક્કી છે. 7 જૂનના રોજ નરેન્દ્ર મોદીને NDA પાર્ટીઓના નેતા પસંદ કરવામાં આવશે અને 8 જૂનના રોજ તેઓ ત્રીજી વખત શપથ લેશે તેમ જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ, દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. NDAના સહયોગી પક્ષો દિલ્હી પહોંચી રહ્યા છે, જ્યારે INDI ગઠબંધનના નેતાઓ પણ આગળની ‘રણનીતિ’ નક્કી કરવા માટે મળી રહ્યા છે. પરિણામોમાં ભાજપને બહુમતી ન મળતાં મીડિયામાં ચર્ચા વહેતી થઈ હતી કે NDAની બે મોટી પાર્ટીઓ JDU અને TDP કશુંક નવાજૂની કરી શકે છે, પરંતુ બંનેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ NDA સાથે જ રહેશે અને સરકાર બનાવશે. નીતીશ કુમાર બુધવારે સવારે (5 જૂન) દિલ્હી પહોંચ્યા છે. TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ દિલ્હી જઈ રહ્યા છે. આ સિવાય શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, NCP પ્રમુખ અજીત પવાર અને અન્ય NDA પાર્ટીઓના પ્રમુખો પણ દિલ્હી પહોંચશે.
JDU તરફથી વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી NDA સાથે જ રહેશે અને સરકાર બનાવવામાં સહભાગી થશે. નીતીશ કુમારે પણ દિલ્હી પહોંચીને કહ્યું કે સરકાર તો બનશે. બીજી તરફ, TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ પણ આંધ્રપ્રદેશથી રવાના થતાં પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી અને કહ્યું હતું કે તેઓ NDA સાથે જ રહેશે.
#WATCH विजयवाड़ा, आंध्र प्रदेश: टीडीपी प्रमुख एन चंद्रबाबू नायडू ने कहा, "आप हमेशा खबरें चाहते हैं। मैं अनुभवी हूं और मैंने इस देश में कई राजनीतिक बदलाव देखे हैं। हम NDA में हैं, मैं NDA की बैठक में जा रहा हूं।" pic.twitter.com/hHnv37LU12
— ANI_HindiNews (@AHindinews) June 5, 2024
આજની અનૌપચારિક બેઠક બાદ 7 જૂનના રોજ NDAના પક્ષોની ઔપચારિક બેઠક યોજાઈ શકે છે, જેમાં નરેન્દ્ર મોદીને નેતા ચૂંટવામાં આવશે. ત્યારબાદ તેઓ અન્ય પાર્ટીના સમર્થન પત્રો સાથે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવા માટે દાવો કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરેન્દ્ર મોદી 8 જૂનના રોજ ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ લઇ શકે છે. તેમની સાથે મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. આ માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 4 જૂનનાં પરિણામો બાદ જ રાષ્ટ્રપતિ ભવન તરફથી જણાવવામાં આવ્યું હતું કે 5થી 9 જૂન સુધી મંત્રીમંડળના શપથગ્રહણની તૈયારીઓ માટે રાષ્ટ્રપતિ ભવન સામાન્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે.