દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. તે સાથે જ ગુજરાતમાં પણ ભાજપ સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. મતદાન પહેલાં જ ભાજપે જીતનું ખાતું દક્ષિણ ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ખોલી દીધું હતું. બનાસકાંઠા સિવાયની તમામ બેઠકો પર ભાજપ ઉમેદવારોની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. ત્યારે ભરૂચ અને ભાવનગર બેઠકો પણ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સૌથી ચર્ચિત બેઠકો હતી. કારણે કે અહીંથી AAPએ બે ઉમેદવારો જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીને (AAP) એવી પ્રબળ આશા હતી કે, બંને બેઠકો તે જીતી જશે. પરંતુ તે થઈ શક્યું નહીં. જ્યાંથી આમ આદમી પાર્ટીએ ક્રાંતિ કરવાના બણગાં ફૂંક્યા હતા, તે ભરૂચ-ભાવનગર બેઠકો પર ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ ચૂકી છે.
ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ વિવાદિત ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી હતી. જ્યારે તેમની સામે ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા હતા. 6 વખત સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવાએ ભરૂચ બેઠક પરથી 7મી વાર જીત નોંધાવી દીધી છે. જ્યારે ગુજરાતમાં ભરૂચથી ક્રાંતિ લાવવાની વાતો કરતાં ચૈતર વસાવાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ બેઠક પર પ્રદેશ AAP તો ઠીક પણ કેજરીવાલ સહિતના મોટા નેતાઓની પણ નજર હતી. એક આશા હતી કે, આમ આદમી પાર્ટી ભરૂચ બેઠક જીતી જશે. પરંતુ પરિણામ એકદમ જ વિપરીત આવ્યું છે.
ભરૂચ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના વિવાદિત નેતા ચૈતર વસાવાને 85696ની લીડથી હરાવ્યા છે. નોંધવા જેવુ છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ અનેક દાવા કર્યા હતા, જે આજે પોકળ સાબિત થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠક પર જો નરેન્દ્ર મોદી પણ તેમની સામે મેદાને આવે તો, તેઓ પણ ચૈતર વસાવાને હરાવી શકશે નહીં. પરંતુ હવે પરિણામ બાદ ચૈતર વસાવા પોતે જ ઢીલા પડી ગયા છે. તેમણે મીડિયા સાથે વાત કરીને ભરૂચની જનતાનો આભાર માન્યો છે. જોકે, ભરૂચ લોકસભા બેઠક પર સ્થાનિક AAP કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે પણ અણબનાવના સમાચાર સામે આવ્યા હતા.
ભાવનગર બેઠક ભારે માર્જિનથી ગુમાવી
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રની ભાવનગર લોકસભા બેઠક પણ ભારે માર્જિનથી ગુમાવી દીધી છે. અહીંથી AAPએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. તેમની સામે ભાજપે નિમુબેન બાંભણીયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર પણ આમ આદમી પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ ભારે માર્જિનથી ભાવનગર બેઠક જીતશે. પરંતુ ત્યા પણ આમ આદમી પાર્ટીના મોતિયા મરી ગયા છે. ભાજપના નિમુબેન બાંભણીયાએ 455289ની લીડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને માત આપી છે.
નોંધનીય છે કે, ગુજરાત લોકસભા ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. જેમાં નિર્ણય થયો હતો કે, ભરૂચ અને ભાવનગર બેઠક પર AAP ઉમેદવાર જાહેર કરશે જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. જ્યારે હવે AAPની બંને વિકેટ પડી ગઈ છે. ગુજરાતમાં ભાજપે 25 બેઠકો પર વિજય મેળવી છે. બનાસકાંઠા બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે.