લોકસભા ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. 4 જૂને પરિણામો જાહેર થશે. શનિવારે (1 જૂન) અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. અત્યાર સુધી આખા દેશમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ છે. પરંતુ હવે AI ટૂલ બનાવનાર કંપની OpenAIએ દાવો કર્યો છે કે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતની લોકસભા ચૂંટણી સહિતની અમુક વૈશ્વિક ઘટનાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, કંપનીએ એમ પણ જણાવ્યું કે આ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે અને તેની વધુ અસર થઈ શકી નથી.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, OpenAIએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કંપનીએ દાવા કર્યા છે કે, ચીન, ઇઝરાયેલ, રશિયા અને ઈરાન ખાતેથી ભારતની ચૂંટણી પર અસર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ખાસ કરીને AIનો ઉપયોગ કરીને ભાજપન છબી ખરડાય અને કોંગ્રેસ તરફી વિચારોને પ્રોત્સાહન મળે તે પ્રકારના નેરેટિવ ઘડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. AI ટૂલ્સની મદદથી ભાજપવિરોધી પ્રોપગેન્ડાને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
Breaking: Open AI (creators of Chat GPT) have said that they have disrupted actions of an Israeli commercial company trying to influence Indian elections. They generated "comments that focused on India, criticized the ruling BJP party and praised the opposition Congress party". https://t.co/q7ZxK9jtQ3 pic.twitter.com/bFd7oKfNwk
— Sidhant Sibal (@sidhant) May 31, 2024
OpenAIએ દાવો કર્યો છે કે તેમણે પોતે આ મામલે સંજ્ઞાન લઈને આ પ્રકારના પ્રયાસોને ઉગતા ડામી દીધા હતા. તેમના જણાવ્યા અનુસાર, ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ પ્રકારના પ્રયત્નો મે મહિનામાં કરવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું છે કે તેમના ધ્યાને એવા પ્રોજેક્ટ આવ્યા હતા, જેમાં AIનો ઉપયોગ ગુપ્ત રીતે કરવામાં આવ્યો હતો અને તે પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જનતાની વિચારધારા અને પસંદમાં મોટા ફેરફાર કરીને કોંગ્રેસને રાજનીતિક લાભ પહોંચાડવાનો હતો.
OpenAI અનુસાર, એન્ટી બીજેપી અને પ્રો-કોંગ્રેસ પ્રોપગેન્ડા ફેલાવવા માટે ભારતીય ચૂંટણીને ટાર્ગેટ કરતાં ઓપરેશન ઇઝરાયેલની એક પોલિટિકલ મૅનેજમેન્ટ ફર્મ STOIC દ્વારા ચલાવવામાં આવ્યાં હતાં. આ ઑપરેશનને ‘ઝીરો ઝેનો’ નામ આપવામાં આવ્યું હતું. આગળ જણાવવામાં આવ્યું કે, ઇઝરાયેલથી કાર્યરત એકાઉન્ટ્સના જૂથનો ઉપયોગ છૂપી કામગીરી માટે સામગ્રી બનાવવા અને સંપાદિત કરવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રકારનાં કન્ટેન્ટ X, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વેબસાઇટ અને યુટ્યુબ પર શૅર કરવામાં આવ્યાં હતાં.
ઝીરો ઝેનો ઑપરેશન દ્વારા પહેલાં કેનેડા, અમેરિકા અને ઈઝરાયેલના લોકોને અંગ્રેજી અને હિબ્રૂમાં ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ મે મહિનામાં ભારતમાં પણ અંગ્રેજીના કૉન્ટેન્ટ બનાવીને તરતું મૂકવાનું શરૂ કર્યું હતું. કંપનીએ જણાવ્યું કે, ઑપરેશન થકી AI ટૂલ્સની મદદથી વેબ આર્ટિકલો, સોશિયલ મિડિયા કૉમેન્ટ્સ વગેરે જનરેટ કરવામાં આવ્યું હતું, જે પછીથી X, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે માધ્યમો પર ફેરવવામાં આવતું.
જોકે, OpenAIએ જણાવ્યું કે ઝીરો ઝેનોની એક્ટિવિટી સિમિત રહી છે અને તેનાથી વધુ ફેર પડ્યો નથી. ઘણાં અકાઉન્ટ્સ મેટા, X અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા હટાવી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, આ કેમ્પેઇન એક વર્તુળ સુધી જ સીમિત રહ્યું હતું અને સામાન્ય લોકોને પ્રભાવિત કરી શક્યું ન હતું.