દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે નિયમિત જામીન માટે અરજી કરી છે. તેમણે દિલ્હીની રૉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરીને નિયમિત જામીનની માંગ કરી છે. જાણવા મળ્યા અનુસાર, ગુરુવારે જ (30 મે) તેમની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
જાણવા મળ્યા અનુસાર, કેજરીવાલે કુલ 2 અરજીઓ દાખલ કરી છે. એકમાં તેમણે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં નિયમિત જામીન માગ્યા છે. જ્યારે બીજી અરજીમાં 7 દિવસ માટે વચગાળાના જામીનની માંગ કરવામાં આવી છે. બંને અરજી પર કોર્ટ હવે સુનાવણી હાથ ધરશે.
[BREAKING] Arvind Kejriwal moves Delhi court for bail in Excise policy case; hearing today#arvindkejriwalarrest @ArvindKejriwal
— Bar and Bench (@barandbench) May 30, 2024
Read more here: https://t.co/atsYrqx4kK pic.twitter.com/5RCbhrzX9L
કેજરીવાલની આ પહેલી જામીન અરજી છે. આ પહેલાં તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પોતાની ધરપકડ અને રિમાન્ડ વિરૂદ્ધ અરજી કરી હતી અને દલીલ કરી હતી કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કરવામાં આવેલી તેમની ધરપકડ અને ત્યારબાદ ટ્રાયલ કોર્ટે મંજૂર કરેલા રિમાન્ડ બંને ગેરકાયદેસર છે. જોકે, કોર્ટે આ દલીલો ફગાવીને અરજી નામંજૂર કરી દીધી હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા, જે 1 જૂનના રોજ પૂર્ણ થાય છે. અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં ધરપકડ વિરુદ્ધ કરેલી અરજી પર ચુકાદો આવે તે પહેલાં હવે કેજરીવાલે જામીન માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી દીધી છે. નોંધનીય છે કે ગત સોમવારે (28 મે) તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પોતાના વચગાળાના જામીન વધુ 7 દિવસ લંબાવવા માટે માંગ કરી હતી અને કહ્યું હતું કે તેમને કોઇ ગંભીર બીમારી હોવાની શંકા છે, જેથી ટેસ્ટ કરાવવા જરૂરી છે. જોકે, કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે.
હાલના તબક્કે કેજરીવાલ પાસે માત્ર 2 જ દિવસ છે. 2 જૂનની સવારે તેમણે દિલ્હીની તિહાડ જેલમાં હાજર થવું પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ વચગાળાના જામીન આપતી વખતે આ આદેશ કર્યો હતો. બીજી તરફ, તેમની વચગાળાના જામીન લંબાવવાની અરજી પર પણ સુનાવણી થઈ નથી, જેથી રાહતની કોઇ સંભાવના દેખાતી નથી.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ગત 21 માર્ચના રોજ થઈ હતી. તેઓ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપી છે અને એજન્સીએ તેમને કિંગપિન ગણાવ્યા છે. તેમની વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. આ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટી પણ આરોપી તરીકે નોંધાયેલ છે.