AAP સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ હવે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ એક કેસમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તેમની સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. તેમના પર વિડીયો કોન્ફરન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે અરવિંદ કેજરીવાલને 28 માર્ચ 2024ના રોજ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુનીતા કેજરીવાલ અને અન્ય લોકોએ કોર્ટની કાર્યવાહીનો વિડીયો બનાવ્યો જ્યારે અરવિંદ કેજરીવાલ જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. એટલું જ નહીં આ વિડીયો બાદમાં સોશિયલ મીડિયા પર પણ ફરતો થયો હતો. નોંધનીય છે જે કોર્ટની કાર્યવાહી ગુપ્ત હોય છે અને તેને આ રીતે પ્રસારિત કરવું એ કાયદાકીય ગુનો ગણાય છે.
આ અરજી વકીલ વૈભવ સિંહે દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ રીતે કોર્ટની કાર્યવાહીને રેકોર્ડ કરવી એ માનનીય કોર્ટની છબીને કલંકિત કરવાનો પ્રયાસ છે. લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી કાર્યવાહી લોકોનો કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ ડગમગી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જજ સાંભળી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. વિડીયો લગભગ 10 મિનિટનો છે.
એડવોકેટ વૈભવે પોતાની અરજીમાં કહ્યું છે કે, આમ આદમી પાર્ટીના સભ્યોએ જાણી જોઈને કોર્ટની કાર્યવાહીનો વિડીયો બનાવ્યો, તેમ છતાં તેઓ સારી રીતે જાણતા હતા કે કોર્ટમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી. વિડીયો બનાવવાની વાત તો છોડો, કોર્ટની કાર્યવાહી આટલી ખુલ્લેઆમ જાહેર કરવાનો હેતુ શું? માત્ર વિડીયો બનાવ્યો જ નહીં, પણ સાર્વજનિક પણ કર્યો. આ નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. આ માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
હવે જોવાનું એ થાય છે કે હાઈકોર્ટ આ બાબતે આગળ શું કાર્યવાહી કરે છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની જમીન 1લિ જૂનનાં દિવસે પૂર્ણ થાય છે અને તેમને 2 જૂનના દિવસે તિહાર જેલમાં આત્મસમર્પણ કરવા આદેશ અપાયો છે.