દિલ્હીના ઉપરાજ્યપાલ અને ખાદી ગ્રામોદ્યોગ કમિશનના પૂર્વ ચેરમેન વી. કે સક્સેનાએ દાખલ કરેલા બદનક્ષી કેસમાં દિલ્હીની કોર્ટે નર્મદા બચાઓ આંદોલનથી જાણીતાં બનેલા એક્ટિવિસ્ટ મેધા પાટકરને દોષી ઠેરવ્યાં છે. શુક્રવારે (24 મે) આ ચુકાદો આપવામાં આવ્યો.
આ કેસ 20 કરતાં પણ વધુ વર્ષથી ચાલી રહ્યો હતો. વર્ષ 2001માં મેધા પાટકરે એક પ્રેસ નોટ ઇસ્યુ કરીને વી. કે સક્સેના વિશે ટિપ્પણી કરી હતી અને તેમને ‘ડરપોક’ ગણાવીને કહ્યું હતું કે તેઓ દેશભક્ત નથી. આ મામલે પછીથી વી. કે સક્સેનાએ કેસ દાખલ કર્યો હતો. તેઓ ત્યારે અમદાવાદના એક NGO નેશનલ કાઉન્સિલ ફૉર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ હતા.
Furthermore, the judge concluded that Patkar’s decision to label the complainant as a "coward" and "not a patriot" was a direct attack on his personal character and loyalty to the nation. #Defamation
— Live Law (@LiveLawIndia) May 24, 2024
કોર્ટે મેઘા પાટકરને દોષી ઠેરવતાં કહ્યું કે, “તેમનું વર્તન ઈરાદાપૂર્વકનું અને દુર્ભાવનાપૂર્ણ હતું. જેનો આશય ફરિયાદી સક્સેનાના નામને કલંકિત કરવાનો અને તેમની શાખને નુકસાન પહોંચાડવાનો હતો.” આગળ કહેવામાં આવ્યું કે, “આરોપીનાં નિવેદનો, જેમાં ફરિયાદીને ડરપોક અને દેશભક્ત ન હોય તેવા ગણાવવામાં આવ્યા હતા અને તેઓ હવાલા ટ્રાન્ઝેક્શનમાં સામેલ હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા હતા, ન માત્ર અપમાનજનક હતાં, પરંતુ નકારાત્મક પ્રભાવ સર્જવા માટે ઉચ્ચારવામાં આવ્યાં હતાં.”
કોર્ટે આગળ કહ્યું કે, “મેધા પાટકરના ‘કાવર્ડ’ અને ‘નોટ આ પેટ્રિયોટ’ (ડરપોક અને દેશભક્ત ન હોય તેવો વ્યક્તિ) જેવા શબ્દો ફરિયાદીના વ્યક્તિગત ચરિત્ર અને તેમની રાષ્ટ્રભાવના પર સીધો હુમલો હતો. કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે, “આ પ્રકારના આરોપો ખાસ કરીને જાહેર ક્ષેત્રમાં ગંભીર છે, જ્યાં દેશભક્તિનું પણ આગવું મૂલ્ય છે. તેમજ કોઈની હિંમત અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી પર પ્રશ્ન ઉઠાવવાથી તેમની શાખ અને સામાજિક પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચે છે.”
આ સિવાય પણ ચાલી રહ્યા છે કેસ
ઉલ્લેખનીય છે કે મેધા પાટકર અને વી. કે સક્સેના છેલ્લાં ઘણાં વર્ષોથી એકબીજા સામે લીગલ લડાઈ લડી રહ્યાં છે. 2000માં મેધા પાટકરે સક્સેના વિરુદ્ધ તેમની અને નર્મદા બચાઓ આંદોલન વિરુદ્ધ જાહેરાતો છપાવવાના આરોપસર કેસ કર્યો હતો. તે સમયે સક્સેના અમદાવાદના એક NGO નેશનલ કાઉન્સિલ ફૉર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ હતા. બીજી તરફ, તેમણે પણ મેધા પાટકર વિરુદ્ધ ટીવી ચેનલ પર તેમના વિરુદ્ધ નિવેદનો આપવા મામલે અને પોતાની વિરુદ્ધ અપમાનજનક પ્રેસ સ્ટેટમેન્ટ આપવા માટે કેસ દાખલ કર્યા હતા. એક કેસ વર્ષ 2006માં પણ કરવામાં આવ્યો હતો, જ્યારે મેધા પાટકરે એક ટેલિવિઝન કાર્યક્રમમાં વી. કે સક્સેના પર આરોપ લગાવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, એપ્રિલ, 2006માં એક ટીવી ન્યૂઝ ચેનલમાં પેનલ ડિસ્કશન દરમિયાન મેધા પાટકરે દાવો કર્યો હતો કે વી. કે સક્સેનાએ સરદાર સરોવરનું સંચાલન કરતા સરદાર સરોવર નિગમ પાસેથી સિવિલ કોન્ટ્રાક્ટ્સ મેળવ્યા હતા. જે આરોપો પછીથી વી. કે સક્સેનાએ નકારી કાઢ્યા અને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ સરદાર સરોવર નિગમ દ્વારા પણ ગુજરાત પોલીસને એક પાત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વી. કે સક્સેનાએ વ્યક્તિગત રીતે કે નેશનલ કાઉન્સિલ ફૉર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ તરીકે પણ ક્યારેય પણ એવોર્ડ કે કોઇ પણ સિવિલ કોન્ટ્રાક્ટ માટે અરજી કરી નથી કે ન નિગમે ક્યારેય તેમને કે તેમના NGOને કોઇ કોન્ટ્રાક્ટ આપ્યા છે.