સુરતના લિંબાયત વિસ્તારમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. SOG પોલીસે ન્યૂઝ ચેનલની આડમાં ચાલી રહેલા નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ઑપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા બે મહિનાથી તે કારખાના પર નજર રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ તમામ પુરાવાઓ મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. કારખાનામાંથી 9 લાખથી વધુની નકલી નોટો મળી આવે છે. આ સાથે પોલીસે ફિરોઝ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
સુરતના લિંબાયતમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. SOGએ 9 લાખથી વધુના દરથી 500 અને 200ની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે. તે ઉપરાંત પોલીસે કારખાનામાં રહેલો સામાન અને ઉપકરણો પણ જપ્ત કરી લીધા છે. જેમાં પ્રિન્ટર, લેપટોપ, કમ્પ્યુટર, નોટોના ગ્રાફ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસે ફિરોઝની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ફિરોઝ પાસેથી અન્ય માહિતી મેળવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે. નોટ કઈ રીતે છાપવામાં આવતી હતી, બજારમાં તેને કઈ રીતે વટાવવામાં આવતી હતી અને ક્યારથી આ ધંધો ચાલુ હતો? વગરે જેવી તપાસ સુરત પોલીસ કરી રહી છે. પોલીસે આ ગુનામાં ફિરોઝ સિવાય અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને કોના નેતૃત્વમાં આ કામ ચાલી રહ્યું હતું? તેની પણ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, આરોપી ફિરોઝ સુરતની એક ન્યૂઝ ચેનલ અને સાપ્તાહિકનો તંત્રી હોવાનું સામે આવ્યું છે. તેણે ન્યૂઝ ચેનલની આડમાં નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કરી દીધું હતું. પોલીસે ફિરોઝ શાહની સાથે મધ્ય પ્રદેશના 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે. SOGને બે મહિના અગાઉ આ કારખાનાની માહિતી મળી હતી. જે બાદ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 2 મહિનાની વોચના અંતે દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસે તમામ વસ્તુઓ અને નકલી ચલણ જપ્ત કરી લીધું છે. આરોપીઓનેની પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ આરોપીઓ સિવાય અન્ય કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ હતા અને કોના નેતૃત્વમાં આ કામ ચાલી રહ્યું હતું, તથા બજારમાં કઈ રીતે આ ચલણનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.