આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલો પાડોશી દેશ પાકિસ્તાન હવે પોતાની સરકારી સંપત્તિ અન્ય દેશોને વેચવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે પાકિસ્તાન સરકારની કેબિનેટે અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. જેથી હવે ત્યાંની સરકાર તમામ નિર્ધારિત પ્રક્રિયાઓ અને નિયામક તપાસ સિવાય પણ સરકારી સંપત્તિ અન્ય દેશોને વેચી શકશે.
‘ઇન્ટર-ગવર્નમેન્ટલ કમર્શિયલ ટ્રાન્ઝેક્શન ઓર્ડિનેન્સ 2022’ નામથી ગુરુવારે પસાર કરવામાં આવેલ આ અધ્યાદેશ મુજબ, સરકારી સંપત્તિની હિસ્સેદારી કે સંપૂર્ણ સંપત્તિ અન્ય દેશોને વેચવા વિરુદ્ધ કોર્ટમાં દાખલ અરજી ઉપર દેશની કોઈ પણ કોર્ટ સુનાવણી કરી શકશે નહીં. આ ઉપરાંત, અધ્યાદેશ સરકારને જમીન સંપાદન માટે પ્રાંતોની સરકારને બંધનકર્તા આદેશ આપવાની પણ સત્તા આપશે.
આ અધ્યાદેશ ઓઇલ અને ગેસ કંપનીઓમાં હિસ્સેદારી અને સરકારી વીજ કંપનીને સંયુક્ત આરબ અમીરાતને 2 થી 2.5 અબજ ડોલરમાં વેચવા માટે લાવવામાં આવ્યો છે, જેથી દેશને વધુ કંગાળ થતો બચાવી શકાય. રિપોર્ટ અનુસાર, યુએઈએ મેમાં પાકિસ્તાનને કેશ ડિપોઝીટ આપવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે પાકિસ્તાન અગાઉ લીધેલી લૉનની ચૂકવણી કરી શક્યું ન હતું.
નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાનનું વિદેશી દેવું વધીને 10.886 અબજ ડોલર થઇ ગયું છે. જ્યારે આખા નાણાકીય વર્ષ 2021 માં વિદેશી દેવું 13.38 અબજ ડોલર હતું. 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં દેવું 1.653 અબજ ડોલર રહ્યું હતું. ગત મહિને ચીન પાસેથી 2.3 અબજ ડોલરની લૉન મળ્યા પછી પણ સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, ડોલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયો 7.6 ટકા ઘટીને 228 રૂપિયા પર પહોંચી ગયો છે. જે 1998 બાદ પાકિસ્તાની રૂપિયામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. જે બાદ પાકિસ્તાન પર બીજું શ્રીલંકા બનવા તરફ જઈ રહ્યું છે. એટલું જ નહીં, જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી 1.2 અબજ ડોલર મળી પણ જાય તોપણ એટલી રકમ સંકટને ટાળવા માટે પર્યાપ્ત નહીં હોય.
બીજી તરફ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને સરકાર પર આરોપ લગાવ્યા છે. ઇમરાન ખાને કહ્યું કે, આપણે શ્રીલંકા જેવી સ્થિતિથી બહુ દૂર નથી. તેમણે લાહોરમાં એક સભા સંબોધિત કરતાં કહ્યું હતું કે, જો સરકારી સંપત્તિઓને વેચવાનું બંધ નહીં થાય તો હું ચેતવણી આપતાં કહું છું કે પાકિસ્તાન બીજું શ્રીલંકા બની જશે.
ઇમરાને કહ્યું કે, પાકિસ્તાની અર્થવ્યવસ્થાને બચાવવાની લ્હાયમાં સરકારે 6 કાયદાઓને પણ બાયપાસ કરી દીધા છે. શાહબાઝ સરકારે કોર્ટને સંપત્તિ વેચવા વિરુદ્ધ દાખલ થતી અરજીઓ પર સુનાવણી કરતાં પણ રોકી દીધી છે. તેમણે કહ્યું કે, આ નીતિ પાકિસ્તાન માટે વધુ ઘાતક નીવડશે.