સુપ્રીમ કોર્ટે કલમ 370 પરના પોતાના નિર્ણય સામેની સમીક્ષા અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણના અનુચ્છેદ 370ને રદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના નિર્ણયની માન્યતાને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચુકાદો આપ્યો હતો કે, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી કેન્દ્ર સરકારનો યોગ્ય નિર્ણય હતો. કોર્ટના આ ચુકાદાની પુનર્વિચારણા માટે સમીક્ષા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જ્યારે હવે કોર્ટે તે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે.
સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાને લઈને સરકાર તરફી ચુકાદો આપ્યો હતો. જે બાદ કોર્ટના નિર્ણય સામે સમીક્ષા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તે તમામ સમીક્ષા અરજીઓ ફગાવી દીધી છે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એએસ બોપન્નાની બનેલી પાંચ જજોની બેન્ચે 11 ડિસેમ્બર, 2023ના રોજ કલમ 370ને લઈને આપેલા ચુકાદામાં કોઈ ખામી ન હોવાનું કહીને સમીક્ષા અરજીઓ ફગાવી દીધી છે.
Supreme Court dismisses pleas seeking review of its judgement where it upheld the validity of the Union government's 2019 decision to abrogate Article 370 of the Constitution which conferred the special status of Jammu and Kashmir. pic.twitter.com/qlM7JP6kor
— ANI (@ANI) May 21, 2024
મુઝફ્ફર ઈકબાલ શાહ અને અન્ય અરજદારો દ્વારા આપવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે બંધારણની કલમ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ગણ્યો છે. અગાઉ 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર સંબંધિત બંધારણની કલમ 370ને નિરસ્ત કરી દીધી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ ડિસેમ્બર, 2023માં ચુકાદો આપીને કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. કોર્ટના આ ચુકાદા સામે 23 સમીક્ષા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જે તમામને ફગાવી દેવામાં આવી છે.
પાંચ જજોની બેન્ચે આપેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “રિવ્યુ પિટિશનનો અભ્યાસ કર્યા પછી, કોર્ટના આદેશમાં કોઈ ભૂલ જોવા મળતી નથી. સુપ્રીમ કોર્ટના નિયમો, 2013ના આદેશ XLVII નિયમ 1 હેઠળ સમીક્ષા માટે કોઈ કેસ નથી. તેથી સમીક્ષા અરજીઓને ફગાવી દેવામાં આવે છે.” નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યો દરજ્જો આપનાર બંધારણની કલમ 370ને ખતમ કરી દીધી હતી. તે સાથે જ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો.