રાજસ્થાન પોલીસે 19 મેના રોજ ભાવના શર્મા નામની એક મહિલાની ધરપકડ કરી છે, આરોપ છે કે તેણે ખોટા બળાત્કારના આરોપ લગાવીને અલગ-અલગ લોકોને ફસાવ્યા છે. આ મહિલા ત્યારે પકડમાં આવી, જયારે તેણે એક વકીલને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો. વકીલે તેના વિરુદ્ધ જિલ્લા ન્યાયાલયમાં ફરિયાદ કરીને તેના વિરુદ્ધ ખોટા બળાત્કાર અને તેની ઓથમાં રૂપિયા પડાવવાના આરોપ લગાવ્યા છે. મહત્વનું છે કે મહિલાએ અલગ-અલગ શહેરમાં અનેક લોકોને ફસાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર ભાવના શર્મા વિરુદ્ધ 8 મે 2024ના રોજ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવના શર્માએ વર્ષ 2016થી 2024 એમ પાછલા આઠ વર્ષમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બળાત્કારના અને બ્લેકમેલના 14 જેટલા ખોટા કેસ દાખલ કરાવ્યા હતા.
MEET BHAVNA SHARMA FROM JAIPUR
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 19, 2024
A SERIAL FALSE RAPE CASE FILER WHO HAS FILED 10 FALSE RAPE, GANGRAPE CASES
SEP 2022 – HER VICTIMS MET ME & WE BEGAN MISSION BHAVNA ARREST
MAY 2024 – SHE IS ARRESTED!!!
KUDOS TO BAR ASSOCIATION JAIPUR FOR TAKING A STAND AGAINST HER !!! pic.twitter.com/1qP5CXDI6R
શું હતી ભાવના શર્માની મોડસઓપરેન્ડી?
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવના શર્માએ નીતિન મીણા નામના વ્યક્તિ સાથે મિત્રતા કરીને તેના પર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. નીતિને લગ્નની ના પડતા ભાવનાએ તેના પર બળાત્કારના ખોટા કેસ કરવાની ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી. નીતિન મીણાનું કહેવું છે કે ભાવના આ પહેલા પણ અનેક લોકોને આ જ રીતે ફસાવી ચુકી છે. તેણે અલગ-અલગ લોકો પર બળાત્કારના કેસ કરી રાખ્યા છે. આ જ શ્રેણીમાં ભાવનાએ જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં નીતિન વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.
બીજી તરફ નીતિને ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાવનાની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. દરમિયાન તપાસમાં સામે આવ્યું હતું કે પાછલા કેટલાક વર્ષોમાં ભાવના એક-બે નહીં, પરંતુ 14 જેટલા બળાત્કારના કેસ દાખલ કરી ચુકી છે, આ કેસમાં મોટાભાગની ફરિયાદો ખોટી હતી. કેટલાક કેસમાં તો ફરિયાદને પાયા વિહોણી કહીને કોર્ટે ફગાવી દીધી છે અને તેના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
આ મામલે મહિલા વિરુદ્ધ અપરાધની વિશેષ તપાસ વિંગના એડીશનલ ડીસીપી ગુરુ શરમ રાવએ મીડિયા સાથે વાત કરતા પુષ્ટિ કરી હતી કે તપાસ દરમિયાન ભાવના શર્મા રૂપિયા પડાવવાના મામલે દોષી જાહેર થઇ છે. પોલીસને ઓનલાઈન ટ્રાન્જેકશનના રેકોર્ડ સહિત અનેક પુરાવા મળી આવ્યા હતા, જે તેના વિરુદ્ધના આરોપોને સાચા સાબિત કરવા પુરતા હતા. આ મામલે ભાવના પર IPCની કલમ 388 અને 504 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વર્ષ 2016થી ભાવના શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ
ભાવના શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલા તમામ કેસ પર નજર કરીએ તો સપ્ટેમ્બર 2016માં તેણે IPCની કલમ 323 અને 341 અંતર્ગત શ્યામનગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાવ્યો હતો. તે જ મહિનામાં તેણે એ જ વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 376 અને 354 અંતર્ગત અન્ય કેસ પણ ઠોકી દીધા. આ કેસમાં પ્રથમ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જયારે બીજા કેસમાં તેને નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો.
ભાવના શર્મા દ્વારા ત્રીજો કેસ ઓક્ટોબર 2018માં જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376, 307, 354 અને 500 અંતર્ગત નોંધવામાં આવ્યો હતો અને આ મામલે પણ સામેવાળા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે.
ભાવનાએ ચોથો કેસ મે 2019માં કાનોતા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376ડી, 377, 354, 307, 342 અને 323 અંતર્ગત એક સાથે ચાર-પાંચ લોકો વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. આ મામલે FIR દાખલ કરી દેવામાં આવી છે.
પાંચમો કેસ તેના દ્વારા મે 2020માં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં IPCની કલમ 376(2)એન અને 420 અંતર્ગત ગુરુગ્રામના ડીએલએફ ફેઝ 3 પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સામા પક્ષના વ્યક્તિને છોડી મુકવામાં આવ્યો હતો, પરંતુ માર્ચ 2022માં 344 સીઆરપીસીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.
ભાવનાએ છઠ્ઠો કેસ શિપ્રા પોલોસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો. આ કેસ તેણે વર્ષ 2021માં દાખલ કર્યો હતો. આ કેસ તેણે ધારા 376(2)એન અને 420 અંતર્ગત નોંધાવ્યો હતો, જેમાં FIR કરી દેવામાં આવી છે અને કોર્ટે પણ તેને માન્ય રાખી છે.
સાતમો કેસ ભાવનાએ ફેબ્રુઆરી 2021માં પચોર રાજઘર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376, 376(2)એન, 342 અને 506 અંતર્ગત નોંધાવ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે.
આઠમો કેસ ભાવનાએ જૂન 2022માં ચિત્રકૂટ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો, આ કેસ 323, 341, 354 તેમજ 506અને આઈટી એક્ટ 66 અંતર્ગત નોંધાવ્યો હતો. આ મામલે પણ કોર્ટે FIR સ્વીકારી લીધી છે.
નવમો કેસ જૂન 2022માં નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ભાવનાએ IPCની કલમો 376(2)એન, 354ડી અને 506 અંતર્ગત નોંધાવ્યો હતો. આ મામલે પણ FIR દાખલ કરી દેવામાં આવી છે.
ભાવનાએ દસમો કેસ પણ 2022ના જૂન મહિનામાં જ કોટાના સુકેતુ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. આ કેસ IPCની કલમ 376, 354, 354ડી, 342, 323, 313, 450 અને 120બી અંતર્ગત નોંધવામાં આવ્યો હતો. આ કેસની પણ તપાસ ચાલી રહી છે.
અગિયારમો કેસ ભાવનાએ વર્ષ 2023માં IPCની કલમ 228એ, 500, 501, 506, 509, 120બી અને આઈટી એક્ટ અધિનિયમની કલમ 72 અંતર્ગત દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે FIR દાખલ કરી દેવામાં આવી છે.
બારમો કેસ ભાવનાએ જૂન 2023માં શ્યામનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની ધારા 376, 354, 420, 341, 323 અને 120 બી અંતર્ગત દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે પણ તપાસ ચાલી રહી છે.
તેરમો કેસ ભાવનાએ સપ્ટેમ્બર 2023માં મહેશ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો. આ કેસ IPCની કલમ 376, 377, 354, 323, 506 અને 190 અંતર્ગત દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ કેસ પેન્ડીંગ છે.
સહુથી તાજો મામલો એપ્રિલ 2024માં જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં IPCની ધારા 376, 384, 195 એ અને 120 બી અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ પણ પેન્ડીંગ છે.
તાજા કેસ ઉપરાંત ભાવના પર અન્ય 2 FIR દાખલ કરવામાં આવી હતી, એક વર્ષ 2018માં અને બીજો મે 2023માં દાખલ કરવામાં આવ્યો હતો.
ભાવના શર્મા અને તેની ધરપકડની પૃષ્ઠભૂમિ
અહેવાલોમાં જણાવ્યા અનુસાર ભાવના શર્માએ કાયદાકીય મદદના નામે પીડિત વકીલનો સંપર્ક કર્યો હતો. તેણે પોતે પણ એક વકીલ હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં ભાવનાએ પીડિત વકીલ પાસેથી 7000 રૂપિયા ઉધાર લીધા હતા. ધીમે ધીમે ભાવનાની માંગ વધી ગઈ અને ના પાડવા પર વકીલને ખોટા કેસ કરીને ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગી. વકીલ ત્રાસીને ભાવનાથી અલગ થઇ જતા ભાવનાએ ધમકી અનુસાર જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપી હતી.
પીડિત વકીલની ફરિયાદ પર સદર પોલીસે 19 મેના રોજ ભાવનાની ધરપકડ કરી લીધી હતી. ડીસીપી અમિત કુમારે પોતે આ ધરપકડની પુષ્ટિ કરી હતી. ધરપકડ બાદ ભાવનાને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.
ભાવના વિરુદ્ધ જૂના કેસ અને કાર્યવાહી
ભાવના શર્મા બળાત્કાર, છેડછાડ અને હુમલો કરવાના અનેક ખોટા કેસ દાખલ કરવાનો ઈતિહાસ ધરાવે છે. તેમાં દુષ્કર્મના ત્રણ અને મારપીટના એક કેસમાં પોલીસે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે. અન્ય 9 કેસમાં FIR દાખલ કરી દેવામાં આવી છે અને 1 કેસમાં તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે ગુરુગ્રામના એક કેસમાં ભાવનાએ કોર્ટમાં પોતાનું નિવેદન બદલી દેતા કોર્ટે તેને ખોટા કેસ દાખલ કરવાના આરોપમાં દંડ ફટકાર્યો હતો. બાર એશોસિએશન દ્વારા પણ ભાવના વિરુદ્ધ ઊંડી તપાસની માંગ કરવામાં આવી છે.
પોલીસ ભાવના શર્માની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી લેવા માટે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. ભાવના દ્વારા ખોટા રેપ કેસ કરીને રૂપિયા પડાવવાનો આ આખો મામલો ચિંતાજનક છે. હાલ ભાવના દ્વારા દાખલ કરવામાં આવેલા કેસોમાં તથ્યો તપાસવામાં આવી રહ્યા છે.