અમદાવાદના વાસણામાં પરશુરામ ચોક ખાતે આજે એટલે કે 3 મે 2022ના દિવસે પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે પરશુરામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એની પહેલા જ વહેલી સવારે 3 થી 3:30 ના અરસામાં અમુક અસામાજિક તત્વો દ્વારા બાઇક પર આવીને ચોક ખાતે આવેલ મ્યુનિસિપાલિટીની પરશુરામ ચોક લખેલી તક્તી તોડી પડાઈ હતી. આ તત્વોએ તક્તી પર લગાવેલ ભગવાન પરશુરામની છબીને લાકડીઓના ઘા મારીને તોડીને કાઢી નાખી હતી તથા આજુ બાજુ લાગેલ 4 જેટલા બેનરોને પણ લાકડીઓ વડે ફાડી કઢાયા હતા. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે આયોજકોએ અજ્ઞાત તોફાનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સવારે 9 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા એ ચારેય તોફાનીઓની ઓળખ કરીને એમની અટક કરાઇ હતી.
ઑપઇન્ડિયાએ આ ઘટના અંતર્ગત આ મહાઆરતીના આયોજક અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેરના પ્રમુખ હિતેશ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. ત્રિવેદીએ આ ઘટનાની દરેક સૂક્ષ્મ જાણકારી ઑપઇન્ડિયા સાથેની આ ખાસ વાતચીતમાં આપી હતી. આ સમગ્ર ઘટના પર હિતેશ ત્રિવેદીએ જ પોલીસ ફરિયાદ કરી હતી એ પણ તેમણે જણાવ્યુ.
ત્રિવેદીએ જણાવ્યુ “આજરોજ તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવ નિમીત્તે વાસણા જીવરાજપાર્ક અંબાજી મંદિર પાસે પરશુરામ ચોક ખાતે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો જેથી અમે તથા અમારા વિભાગના કાર્યકરો તૈયારી કરતા હતા અને આજુબાજુ ભગવાન પરશુરામજીના પોસ્ટરો તથા બેનરો લગાવતા હતા. આશરે કલાક-૦૨:૩૦ વાગ્યે અમો બધા અમારૂ કામ પતાવી પોત પોતાના ઘરે ગયા હતા.”
આગળ એમણે જણાવ્યુ “આશરે સાડા ત્રણેક વાગ્યે મારા મોબાઇલ ફોન ઉપર અમારા બ્રહ્મસમાજના યુવા મહામંત્રી રક્ષીતભાઇ શુક્લનો ફોન આવેલ અને મને જણાવેલ કે તમો તાત્કાલીક પરશુરામ ચોક ખાતે આવી જાઓ ત્યાં તોડફોડ થયેલી છે. તેમ જણાવતા હું તરતજ પરશુરામ ચોક ખાતે આવેલ અને ત્યાં આવીને જોતા પરશુરામ ચોક ખાતે રોડ ઉપર આવેલ ડીવાઇડરના વચ્ચેના ભાગે લગાવેલ ભગવાન શ્રી પરશુરામ ચોક લખેલી લોખંડની તખ્તી તુટીને નીચે રોડ ઉપર પડેલી હતી અને તખ્તી ની ઉપર લોખંડની ફ્રેમમાં આગળ પાછળ લગાવેલ ભગવાનશ્રી પરશુરામજી પુંઠાના ના બે ફોટા તુટેલી હાલતમાં નીચે પડેલી હતા અને આજુબાજુમાં ભગવાન શ્રી પરશુરામજીના લગાવેલ બેનરો ફાટેલા પડ્યા હતા.”
ત્રિવેદીએ આગળ જણાવતા કહ્યું “હું પહોચ્યો ત્યાં સુધી ત્યાં આજુબાજુ માણસો ભેગા થઇ ગયેલા હતા. જેમાંથી પોલીસ કંટ્રોલમાં ફોન કરનાર ધ્રુવ અશોકભાઇ ગઢીયાએ મને જણાવેલ કે આશરે સવા ત્રણેક વાગ્યે તે પોતાનું એક્ટીવા લઇને મલાવ તળાવથી જીવરાજ ચા૨ રસ્તા તરફ જતાં હતા તે વખતે પરશુરામ ચોક ખાતે પહોંચતા ચાર માણસો તેમના હાથમાં લાકડીઓ લઇ ભગવાન શ્રી પરશુરામની લોખંડની તખ્તી ઉપર ફ્રેમમાં રાખેલ પરશુરામ ભગવાનના ફોટા ઉપર લાકડી મારી ફોટા તોડી લોખંડની તક્તીની ફ્રેમ ડીવાઇડર ઉપરથી તોડી નીચે પાડી દીધી હતી. તેઓ ત્યાં ઉભા રહેતા તોફાનીઓએ એમને કહ્યું કે અંહીયા કેમ ઉભો ૨હ્યો જેથી એ ડરી ગયા અને ત્યાંથી જતો રહ્યા અને બાદમાં તેમણે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ગઢીયાએ એમ પણ જણાવ્યુ હતું કે એ આ તોફાનીઓને જોઈને ઓળખી શકશે.”
આ તમામ માહિતી સાથે ત્રિવેદીએ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોચવા બાબત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લઈને તુરંત તપાસ આદરી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં તોફાનીઓ દ્વારા થયેલ આ હુમલો કેદ થયો હતો. પોલીસ દ્વારા સવારે 9 વાગ્યા સુધીમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાથી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે.
હિતેશ ત્રિવેદીએ ઑપઇન્ડિયાને જણાવ્યુ કે, સમગ્ર બ્રહ્મસમાજ તરફથી એમની માંગણી છે કે જન્મોત્સવ બાદ આ આરોપીઓને પરશુરામ ચોક ખાતે લાવવામાં આવે અને ત્યાં એમની પાસે જાહેર માફી મંગાવાય જ્યાં પરશુરામજી જન્મોત્સવ મહાઆરતીનું આયોજન કરાયું હતું.
આ પહેલા પણ ગુજરાત સહિત દેશભરમાં હિન્દુ ધાર્મિક તહેવારોના દિવસે આ રીતના હુમલા થતાં જ આવ્યા છે. નજીકના જ ભૂતકાલમાં ગુજરાતનાં હિંમતનગર, ખંભાત તથા માણસામાં આ રીતના હુમલા થઈ ચૂક્યા છે.