દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચાર તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયા બાદ હવે પાંચમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર સોમવારે (20 મે) મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં 695 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. રાજનાથ સિંઘ અને સ્મૃતિ ઈરાની સહિતના 9 કેન્દ્રીય મંત્રીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી પંચે વધતી ગરમીને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ રાયબરેલીથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે.
સોમવારે (20 મે, 2024) દેશમાં પાંચમા તબક્કાનું મતદાન શરૂ થયું છે. આ મતદાનમાં 9 કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં ઉતર્યા છે. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ લખનૌથી ચૂંટણી મેદાને ઉતર્યા છે, તો સ્મૃતિ ઈરાની અમેઠીથી મેદાનમાં ઉતર્યા છે. તે સિવાય કેન્દ્રીય મંત્રી સાધ્વી નીરંજન જ્યોતિ ફતેહપુરથી, પિયુષ ગોયલ ઉત્તર મુંબઈથી, કૌશલ કિશોર મોહનલાલગંજથી, ડૉ. ભારતી પ્રવીણ પવાર ડિંડોરીથી, અન્નપૂર્ણાદેવી કોડરામાંથી, કપિલ પાટીલ ભિવંડીથી અને શાંતનુ ઠાકુર બનગાંવથી મેદાનમાં ઉતર્યા છે. આ 9 કેન્દ્રીય મંત્રીઓ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમર અબ્દુલ્લાહ પણ બારામુલાથી મેદાને ઉતર્યા છે. આજે આ તમામ રાજનેતાઓનું ભવિષ્ય નક્કી થવા જઈ રહ્યું છે.
આ તબક્કાની ચૂંટણીમાં રાયબરેલીની બેઠક પર સૌ કોઈની નજર રહેવાની છે. કારણ કે વાયનાડના સાંસદ અને કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી જંગ લડવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની સામે ભાજપે દિનેશ પ્રતાપ સિંઘને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કાંટાની ટક્કર હોવાથી મીડિયાથી લઈને રાજનીતિજ્ઞ સમૂહની નજર પણ તે જ બેઠક પર રહેશે. તે સિવાય અમેઠીથી સ્મૃતિ ઈરાનીની સામે કોંગ્રેસે કિશોરી લાલ શર્માને મેદાને ઉતાર્યા છે.
તે સિવાય પ્રથમવાર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ લોકસભામાં ડગ માંડવા જઈ રહ્યા છે. તેઓ ઉત્તર મુંબઈ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. તેમની સામે કોંગ્રેસે પૂર્વ એક્ટર ભૂષણ પાટીલને ટિકિટ આપી છે. પાંચમા તબક્કાના મતદાનમાં માત્ર અમુક જગ્યાઓ અને સીટો પર જ મતદાન થવા જઈ રહ્યું છે. તેમાં સૌથી ચર્ચિત બેઠક રાયબરેલીની છે, જ્યાંથી રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા છે.
ચૂંટણી પંચ અનુસાર, પાંચમા તબક્કામાં બિહારની 5 બેઠકો, જમ્મુ-કાશ્મીરની એક, ઝારખંડની ત્રણ, લદ્દાખની એક, મહારાષ્ટ્રની 13, ઓડીસાની પાંચ, ઉત્તર પ્રદેશની 1 અને પશ્ચિમ બંગાળની 7 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું છે. આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ પણ તમામ મતદાતાઓને મતદાન માટે અપીલ કરી છે. જ્યારે કેટલાક દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓએ મતદાન પણ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પણ મતદાન કર્યું છે. તો અક્ષય કુમાર, અનિલ અંબાણી જેવા પ્રસિદ્ધ લોકોએ પણ મતદાનમાં ભાગ લીધો છે.