અમદાવાદમાં આવેલા દરિયાપુરમાં મદરેસાના સરવે દરમિયાન એક શિક્ષક પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધો હતો. શિક્ષકે આ મામલે FIR પણ નોંધાવી હતી. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, હુમલામાં સામેલ બે મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. દરિયાપુર પોલીસે ઑપઈન્ડિયા સાથેની વાતચીતમાં આ બાબતની પુષ્ટિ કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપી ફરહાન અને ફૈઝલને ઝડપી પાડવામાં આવ્યા છે. મારપીટની ઘટનાને લઈને અમદાવાદના દરિયાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. FIRમાં બે આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે તે બંનેને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે. દરમિયાન, હુમલો કરનાર ટોળામાં સામેલ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.
શું છે કેસ?
અમદાવાદમાં સ્થિત બાપુનગરની શ્રુતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા શિક્ષક સંદીપ પટેલ શનિવારે (18 મે, 2024) દરિયાપુર વિસ્તારના સુલતાન મહોલ્લામાં આવેલી એક મદરેસાનો સરવે કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન જ ઇસ્લામી ટોળાંએ તેમના પર હુમલો કરી દીધો હતો. દરમિયાન શિક્ષક વારંવાર કહેતા રહ્યા હતા કે, તેઓ સરકારી કામ માટે આવ્યા છે. પરંતુ ટોળાંએ તેમનું કઈ સાંભળ્યું નહીં અને માર મારવાનો ચાલુ રાખ્યો હતો.
FIR અનુસાર, તેમણે સરવે દરમિયાન મદરેસા બંધ હોવાથી તેનો ફોટો પાડ્યો હતો. તે દરમિયાન જ કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યારપછી અચાનક જ તેમણે હુમલો કરી દીધો હતો. દરમિયાન ટોળાંમાંથી કોઈએ ફરહાન અને ફૈઝલના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમના હાથમાં રહેલા સરકારી ડોક્યુમેન્ટ પણ ઝૂંટવી લેવામાં આવ્યા હતા. જેમતેમ કરીને તેમણે ત્યાંથી નીકળીને સીધા પોલીસ સ્ટેશન જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે ફરહાન અને ફૈઝલ વિરુદ્ધ IPCની કલમ 143, 147, 323, 294(b), 392, 186, 332, 502(2) હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેમની તપાસ ચાલુ કરી હતી. જે બાદ હવે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ રાજ્યની તમામ મદરેસાઓના સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે 18 મેના રોજ અમદાવાદમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન દરિયાપુરમાં આ ઘટના બનવા પામી હતી.
ઑપઇન્ડિયાએ ઘટનાને લઈને વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જે અહીંથી વાંચી શકાશે.