અમદાવાદમાં એક મદરેસાના સરવે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્થિત સુલતાનના મહોલ્લા વિસ્તારમાં આવેલી એક મદરેસામાં સરવે કરવા પહોંચેલા એક શિક્ષક પર ટોળાએ હુમલો કરી દીધો હતો અને માર માર્યો હતો. આ શિક્ષકની ઓળખ બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય સંદીપ પાટીલ તરીકે થઈ છે. હાલ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે.
અમદાવાદમાં મદ્રસાઓમાં તપાસ કરવા ગયેલી ટીમ પર ટોળાનો હુમલો#Ahmedabad #Gujarat #BreakingNews pic.twitter.com/dU7o811bmS
— Zee 24 Kalak (@Zee24Kalak) May 18, 2024
રિપોર્ટ અનુસાર, મસ્જિદ નજીક આવેલી મદરેસાનો સરવે કર્યા બાદ શિક્ષક ફોટો ખેંચી રહ્યા હતા ત્યારે ત્યાં મુસ્લિમ સમુદાયના 10 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ અન્ય 100 લોકો પણ ધસી આવ્યા. તેમણે શિક્ષક સાથે પહેલાં બોલાચાલી કર્યા બાદ ગડદાપાટુનો માર માર્યો હતો.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, શિક્ષક સંદીપ પટેલે જણાવ્યું હતું કે, હું સરવેની કામગીરી કરવા માટે પહોંચ્યો ત્યારે મસ્જિદ બંધ હોવાથી લૉકનો ફોટો પાડી રહ્યો હતો. ત્યારે 1૦ લોકો ત્યાં આવી પહોંચ્યા, જેમણે મને માર માર્યો હતો. ત્યારબાદ બીજા 100 લોકો પણ દોડી આવ્યા.” તેમણે જણાવ્યું કે ટોળામાં મહિલાઓ પણ હતી અને તેમાંથી કોઈએ ‘આને પતાવી દો’ જેવી બૂમો પણ પાડી હતી. શિક્ષક અનુસાર, તેઓ માત્ર તેમને સોંપેલી કામગીરી કરવા માટે ગયા હતા. હાલ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.
અમદાવાદ: મદરેસાના સર્વે દરમિયાન હુમલો
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 18, 2024
દરિયાપુરના સુલતાનના મહોલ્લોમાં આચાર્ય પર હુમલો#Ahmedabad #Madrasa #Survey #attacks #Dariyapur #Bapunagar #principal #NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat #GujaratNews #News pic.twitter.com/sHkQLXD4jK
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ રાજ્યની તમામ મદરેસાઓના સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજથી રાજ્યભરમાં આ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરવે કરીને મદરેસાઓમાં બિનમુસ્લિમ બાળકો કેટલાં અભ્યાસ કરે છે અને નાણાકીય સ્ત્રોત શું છે, વગેરે બાબતોનો રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે, જે NCPCRને પહોંચાડશે.
આ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને કામગીરી સોંપી છે. જેમાં કુલ 11 મુદ્દાઓની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને અમદાવાદમાં સરવે ચાલી રહ્યો હતો, જ્યાં આ ઘટના બની.