કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટના સમાચાર સામે આવ્યા છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં છેલ્લા 5-6 દિવસોથી વિવાદ વકર્યો છે. સ્થાનિક વિદ્યાર્થીઓના ટોળાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. કિર્ગિસ્તાનમાં ફેલાયેલી હિંસાના પગલે ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓનાં મોત થયાં હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને તેમના દૂતાવાસ તરફથી કોઈપણ પ્રકારની મદદ મળી રહી નથી. બીજી તરફ ભારતીય દૂતાવાસ પોતાના વિદ્યાર્થીઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
ભારતીય દૂતાવાસે પોતાના વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે. કિર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે. પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહે અને કોઈપણ સમસ્યા થવા પર દૂતાવાસનો સંપર્ક કરે.” આ સાથે દૂતાવાસે 24×7 મદદ માટે પ્રતિબદ્ધ હોવાનું કહીને ઇમરજન્સી નંબર પણ શેર કર્યો છે. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકરનું પણ નિવેદન સામે આવ્યું છે.
Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy. https://t.co/xjwjFotfeR
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024
વિદેશ મંત્રી એસ જયશંકરે X પર લખ્યું કે, “બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. કહેવામાં આવી રહ્યું છે કે, હવે શાંતિ છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.” આ સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા પણ શક્ય તેટલી મદદ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.
શું ચાલી રહ્યું છે કિર્ગિસ્તાનમાં?
કિર્ગિસ્તાનમાં સ્થાનિક કિર્ગિ વિદ્યાર્થીઓ અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ધમાલ ચાલી રહી છે. કિર્ગિસ્તાની મીડિયા અનુસાર, બિશ્કેકમાં મેડિકલ એજ્યુકેશન સંસ્થાઓની કેટલીક હોસ્ટેલો અને પાકિસ્તાન સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓના ખાનગી રહેઠાણો પર હુમલા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હોસ્ટેલમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ રહે છે. સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા પાકિસ્તાનની કેટલીક વિદ્યાર્થિનીઓને હેરાન-પરેશાન કરવાના કિસ્સા પણ સામે આવ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે X પર પોસ્ટ કરીને તેમના દેશના વિદ્યાર્થીઓ પર હુમલા થયા હોવાની પુષ્ટિ કરી છે. તો પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હુમલામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓનાં મોત પણ થયાં છે. જોકે, પાકિસ્તાન દૂતાવાસ જણાવી રહ્યું છે કે તેમને હજુ આવા કોઇ અહેવાલો મળ્યા નથી.
Pakistani medical students are in danger here in Bishkek , Kyrgyzstan.
— Faizan Shaikh (@FaiziWithKhan) May 17, 2024
There was a fight between Egyptians and local Kyrgyz people, but it's being wrongly blamed on Pakistani students.
Now, Kyrgyz locals are attacking Pakistani hostels where over 1000 students live in each… pic.twitter.com/odmOzJE0dV
આ સાથે ઘણા પાકિસ્તાની વિદ્યાર્થીઓને ઈજા થઈ હોવાના પણ સમાચાર છે. વિદ્યાર્થીઓના ટોળાં વચ્ચે થયેલી હિંસામાં ભારતના પણ કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની દૂતાવાસે પાકિસ્તાની વિદ્યાર્થીઓને બહાર ન જવા જણાવ્યું છે. પાકિસ્તાનના રાજદૂત હસન ઝૈઘમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે દૂતાવાસ પાકિસ્તાની વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કરી રહ્યું છે.
કયા કારણોસર ફાટી નીકળી હિંસા?
સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત 13 મેના રોજ એક વિવાદ સામે આવ્યો હતો. જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ પાકિસ્તાન, ઈજિપ્ત સહિતના વિદેશી વિદ્યાર્થીઓ સાથે વિવાદમાં ઉતર્યા હતા. તે દરમિયાન જ અચાનક હિંસા ફાટી નીકળી હતી અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં કિર્ગિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ હિંસા ફાટી નીકળી હતી.
ટાઈમ્સ ઓફ સેન્ટ્રલ એશિયાના રિપોર્ટ અનુસાર, વિવાદમાં સામેલ વિદેશી વિદ્યાર્થીઓ સાથે નરમ વ્યવહાર કરવાને લઈને સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે કિર્ગિસ્તાનમાં રહેતા તમામ વિદેશી વિદ્યાર્થીઓને ધાકધમકીઓ આપીને હુમલા શરૂ કરી દીધા હતા. તમામ વિદેશી હોસ્ટેલો અને વિદેશી વિદ્યાર્થીઓને રહેઠાણો પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થઈ ગયા હતા. જોકે, પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી અને અનેક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી હતી. પોલીસે ત્રણ વિદેશી વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી છે.
અન્ય કેટલાક વિદેશી રિપોર્ટ્સ અનુસાર, 13 મેના રોજ, હોસ્ટેલમાં રહેતા કેટલાક ઇજિપ્તીયન વિદ્યાર્થીઓનો સ્થાનિક કિર્ગીઝ લોકો સાથે ઝઘડો થયો હતો. તેમણે સ્થાનિક વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આમાં કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અસલી લોકો પકડાયા ન હતા. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે, લડાઈ શરૂ કરનારા લોકો પાકિસ્તાની હતા, જેના કારણે પાકિસ્તાની વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનના લોકોના ગુસ્સાની અડફેટમાં આવી ગયા. આ ઘટના બાદ પાકિસ્તાની વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું શરૂ થયું હતું.
વિરોધના પગલે ઘણા સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા અને વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. ઘણી પાકિસ્તાની વિદ્યાર્થિનીઓ સાથે છેડતીના સમાચાર પણ સામે આવ્યા છે. જોકે, આખા વિવાદ દરમિયાન ભાગ્યે જ કોઈ ભારતીય વિદ્યાર્થીને નુકસાન પહોંચ્યું છે. મારપીટના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક વિડીયોમાં પોલીસ મુકદર્શક બનીને વિદેશી વિદ્યાર્થીઓ પર થતા અત્યાચારો જોઈ રહી છે. અન્ય એક વિડીયોમાં વિદેશી વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે કે, ત્યાંની પોલીસ તેમની સાથે ભેદભાવ કરી રહી છે. મળેલી માહિતી અનુસાર, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
શા માટે વિદેશી વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં કરી રહ્યા છે અભ્યાસ?
કિર્ગિસ્તાન, જે ચીન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે સરહદો વહેંચે છે, તે મેડિકલ અભ્યાસ માટે પ્રિય સ્થળ છે. લગભગ 12 હજાર પાકિસ્તાની વિદ્યાર્થીઓ અહીં અલગ-અલગ કોર્સ કરી રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ અનુસાર, એક સરકારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એપ્રિલ, 2023 સુધીમાં કિર્ગિસ્તાનની વિવિધ મેડિકલ યુનિવર્સિટીઓના આંકડા અનુસાર, લગભગ 9,500 ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં કિર્ગિસ્તાનમાં મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરી રહ્યા છે. કિર્ગિસ્તાન લાંબા સમયથી દક્ષિણ એશિયાના લોકો માટે એડવાન્સ મેડિકલ એજ્યુકેશન માટે પ્રિય સ્થળ રહ્યું છે. માઈગ્રેશન ડેટા પોર્ટલ અનુસાર, પાંચ મધ્ય એશિયાઈ દેશોમાં કિર્ગિસ્તાનમાં 2021માં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.
મેડિકલ ક્ષેત્રમાં કિર્ગિસ્તાનની સફળતાને લઈને પણ ઘણા વિદ્યાર્થીઓ તે તરફ આકર્ષાય છે. ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં મેડિકલ અભ્યાસ માટે જતાં હોય છે અને ત્યાં જ હોસ્ટેલ કે પછી અંગત રહેઠાણ કરીને અભ્યાસ કરતા હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ત્યાં વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.