Saturday, November 23, 2024
More
    હોમપેજમંતવ્ય16 મે, 2014…..એ તારીખ, જ્યારે દેશે નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી હતી સત્તાની...

    16 મે, 2014…..એ તારીખ, જ્યારે દેશે નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી હતી સત્તાની બાગડોર: એક દાયકામાં અભૂતપૂર્વ બદલાવોનું સાક્ષી રહ્યું ભારત

    મોદીએ આ દસ વર્ષમાં દેશને ઘણું આપ્યું છે. એ વાત સાચી છે કે જે કંઈ ફેરફારો આવ્યા છે તે એક સામૂહિક પ્રયાસોનું પરિણામ છે, પણ મોદીની સૌથી મોટી સફળતા એ છે કે તેઓ રાષ્ટ્રની સામૂહિક ચેતના જગાવવામાં સફળ રહ્યા છે.

    - Advertisement -

    તારીખોનું મહત્વ છે. ઇતિહાસની અમુક તારીખો ભૂલાવી ન જોઈએ. તેને ફરી-ફરી યાદ કરવામાં આવે તે જરૂરી છે. ભારતના ઇતિહાસની આવી જ એક તારીખ છે 16 મે, 2014. દાયકાઓના અસ્તવ્યસ્ત શાસન અને જૂની સરકારોનાં અગણિત કૌભાંડોમાંથી બહાર નીકળીને દેશને આગળ ધપાવવાનું મન બનાવી ચૂકેલી જનતાએ આ દિવસે જ જનાદેશ સંભળાવ્યો અને દેશની બાગડોર એવા વ્યક્તિના હાથમાં સોંપી, જેણે જે આશા અને આકાંક્ષાઓ સાથે જનતાએ જવાબદારી સોંપી હતી તેને પૂર્ણ કરવામાં છેલ્લાં 1૦ વર્ષમાં કોઇ કસર બાકી રાખી નથી. 

    આ એ જ દિવસ છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત થયાં હતાં. દેશમાં મોદી લહેર હતી જ, એ દેખાઈ પરિણામના દિવસે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી, સરકાર બદલાશે તે નક્કી થઈ ગયું, નરેન્દ્ર મોદી પહેલેથી જ વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી હતા. આ એ જ દિવસ હતો, જ્યારે દેશે સામૂહિક રીતે નક્કી કરી લીધું હતું કે હવે પાછળ જોયા વગર, ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો સમય છે. આ આગેકૂચની મશાલ નરેન્દ્ર દામોદરદાસ મોદીના હાથમાં સોંપાઈ. એ ઘડી અને આજનો દિવસ, ત્યારે ભારત જુદું હતું, આજનું ભારત જુદું છે.

    13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા મોદીએ જ્યારે ચૂંટણી પહેલાં ભાજપની કમાન સંભાળી ત્યારે વિપક્ષોએ એકજૂટ થઈને બહુ પ્રયાસો કર્યા. તેમને હરાવી દેવા માટે, પાડી દેવા માટે બહુ ધમપછાડા થયા. અપપ્રચાર તો છેક 2002થી ચાલ્યો આવતો હતો, તેની તીવ્રતા 2014માં અનેકગણી વધારવામાં આવી. પણ મોદીની સાથે જનતા હતી. જનતાએ આ અપપ્રચારને કાને ધર્યા વગર મોદીને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા અને સિંહાસન સુધી દોરી લઇ ગઇ. 

    - Advertisement -

    નરેન્દ્ર મોદીના બંને કાર્યકાળ અભૂતપૂર્વ બદલાવના રહ્યા છે. પહેલાં પાંચ વર્ષ તો તોપણ એક સાફસફાઈમાં ગયાં. જે જરૂરી એટલા માટે હતી, કારણ કે તેના વગર નવાં કામો થઈ શકે તેમ ન હતાં. ‘સત્તા ભલે આવી હોય પણ સિસ્ટમ તેમના હાથમાં છે’વાળી વાત હમણાં પણ લાગુ પડે છે તો ત્યારે તો વધારે પ્રાસંગિક હતી, કારણ કે ત્યાર સુધી સત્તામાં જેઓ રહ્યા હતા તેઓ એક મજબૂત સિસ્ટમ બનાવીને ગયા હતા. સત્તા બદલવી કદાચ સહેલી હશે, સિસ્ટમ બનાવવી અઘરું કાર્ય છે, પણ મોદી અને તેમની સરકાર પૂરેપૂરી નિષ્ઠાથી છેલ્લાં 10 વર્ષથી તે કરી રહ્યા છે. 

    છતાં પહેલા કાર્યકાળમાં પણ ઘણાં એવાં કામો થયાં, જે આમ તો સ્વતંત્રતાનાં 10 વર્ષમાં જ થઈ જવા જોઈતાં હતાં, પણ મોદીએ એવી ફરિયાદો કરવાનું માંડી વાળીને એક છેડેથી કામો કરવા માંડ્યાં. શૌચાલયો હોય કે દેશના કરોડો લોકોનાં બૅન્ક ખાતાં ખોલવાં, કે પછી દેશના ખૂણે-ખૂણે સુધી વીજળી પહોંચાડવી. મોદીની વિશેષતા એ છે કે તેમને ખબર હોય છે કે કયા સમયે તેમની પ્રાથમિકતાઓ કઈ-કઈ છે. તે પ્રમાણે જ તેઓ કામ કરતા રહ્યા છે. 

    2014થી 2019ના કાર્યકાળ દરમિયાન તેમણે જે કામો કર્યાં, દેશના નાગરિકોમાં મનમાં વિશ્વાસ અપાવ્યો તેના જ જોરે 2019માં ફરીથી જનતાએ જનાદેશ આપ્યો. 2019નાં પરિણામો અપેક્ષિત હતાં, કારણ કે મોદી કામ કરીને ચૂંટણીમાં ઉતર્યા હતા. જ્યારે જનતાની વચ્ચે ગયા ત્યારે તેમણે રિપોર્ટકાર્ડ રજૂ કર્યો અને કામ જોઈને લોકોએ મોદીના ચહેરા પર જ ફરી એક વખત પ્રચંડ બહુમતીથી ભાજપને જનાદેશ આપ્યો અને ફરી સત્તા પર પહોંચાડ્યા. 

    મોદી સરકારનો બીજો કાર્યકાળ સફળતાઓથી પૂર્ણ રહ્યો, પણ પડકારો પણ બહુ આવ્યા. કોરોના જેવી મહામારી આવી, વૈશ્વિક સમીકરણો બદલાયાં, મોદીને હટાવી દેવા માટે એક ગ્લોબલ ઇકોસિસ્ટમ પણ સક્રિય થઈ હતી, પણ આ બધા પડકારોની વચ્ચે પણ સરકાર પોતાનું લક્ષ્ય ન ચૂકી. ન કોઇ ફરિયાદો કરી કે ન હાથ ઊંચા કર્યા. તેમની જવાબદારી હતી, જવાબદારી નિભાવી. આરોપો લાગ્યા, આક્ષેપો થયા તેમ છતાં પણ કામ કરતા રહ્યા. મહામારી સમયે પણ વિકાસકામો ચાલુ રહ્યાં ને સાથોસાથ જનતાને તકલીફ ન પડે તે દિશામાં પણ સરકાર સતત પ્રયાસો કરતી રહી. મોદીના દીર્ઘદર્શી નેતૃત્વનું જ પરિણામ છે કે આવી મહામારીમાં પણ દેશ ટકી રહ્યો. 

    મોદીએ આ દસ વર્ષમાં દેશને ઘણું આપ્યું છે. એ વાત સાચી છે કે જે કંઈ ફેરફારો આવ્યા છે તે એક સામૂહિક પ્રયાસોનું પરિણામ છે, પણ મોદીની સૌથી મોટી સફળતા એ છે કે તેઓ રાષ્ટ્રની સામૂહિક ચેતના જગાવવામાં સફળ રહ્યા છે. એક નેતાનું કામ જ આ છે. મોદીએ આ કામ બખૂબી કર્યું છે. તેઓ આખા દેશને એ વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા કે ભારતને વિકસિત ભારત પણ બનાવી શકાય છે અને વિશ્વગુરુ પણ. જે કંઈ મેળવ્યું છે તે મોદીના નેતૃત્વ અને દેશના પ્રયાસો થકી મેળવ્યું છે, દેશ જે મેળવશે તેમાં પણ આ નેતૃત્વ અને પાયો જ મહત્વના સાબિત થશે. 

    આ સામૂહિક ચેતનાનું જ પરિણામ છે કે આજે અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થઈ શક્યા છે. તેનું જ પરિણામ છે કે કાશ્મીર આજે મુખ્યધારામાં ભળી રહ્યું છે. આ પ્રયાસોના પરિણામે જ દેશની કરોડો માતાઓ-બહેનોના જીવનમાં ખુશીઓ આવી છે અને આ સામૂહિક પ્રયાસોના પરિણામે જ રાષ્ટ્ર પોતાની મૂળ ઓળખ પરત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રયાસોના પરિણામે જ વિદેશના માનચિત્ર પર ભારતનું સ્થાન મોખરે છે અને આ પ્રયાસોના પરિણામે જ આજે દરેકે દરેક ભારતીય છાતી કાઢીને કહેતો થયો છે કે- મેરા ભારત મહાન. 

    બીજી બાજુ આટલાં વર્ષોમાં મોદીની વિરુદ્ધ જેમને બાપે માર્યાં વેર છે તેમણે પોતાના પ્રયાસોમાં કોઇ કચાશ રાખી નથી. હજુ પણ તેમના પ્રયાસો ચાલુ જ છે. આખી એક ગ્લોબલ ઇકોસિસ્ટમ મોદીને હરાવી દેવા માટે સક્રિય બની છે, પણ તેઓ દરેક વખતે મજબૂત બનીને બહાર આવ્યા છે. તેનું કારણ એ છે કે મોદીએ દેશનો વિશ્વાસ જીતી લીધો છે. આ વિશ્વાસ 22 વર્ષથી સતત થતા પુરુષાર્થ થકી આવ્યો છે, આ વિશ્વાસ 18 કલાકની મહેનત અને અવિરત પરિશ્રમથી આવ્યો છે. 

    હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. 4 જૂન, 2024ના રોજ પરિણામો જાહેર થશે. દેશ પહેલેથી જ મન બનાવી ચૂક્યો છે. જે પ્રધાનસેવક રાષ્ટ્રને અહીં સુધી લઇ આવ્યો છે, હવે આગળ લઇ જવા માટે પણ બાગડોર તેના જ હાથમાં સોંપાશે. આ દેશે ક્યારેય વિકલ્પો વિશે વિચાર્યું નથી, આ વખતે પણ વિચારવાનો કોઈ પ્રશ્ન નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં