બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તેની વિરુદ્ધ નોટિસ જારી કરી છે. સમગ્ર મામલો તેણે ગર્ભાવસ્થા પર લખેલા એક પુસ્તક સાથે સંકળાયેલો છે. તેણે પુસ્તકના ટાઇટલમાં ‘બાઇબલ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. જેને લઈને મધ્ય પ્રદેશના એક ખ્રિસ્તી વકીલે તેની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. આ જ મામલે વકીલે મધ્ય પ્રદેશ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ પહેલાં એડિશનલ સેશન્સ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ એડવોકેટ ક્રિસ્ટોફર એન્થોનીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
હાઈકોર્ટે કરીના કપૂર ખાનને નોટિસ જારી કરીને 7 દિવસની અંદર જવાબ આપવા માટે કહ્યું છે. અરજદારે તેના પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અરજદારે કહ્યું છે કે, કરીના કપૂરે પોતાના પુસ્તક ‘Kareena Kapoor Khan’s Pregnancy Bible’માં ‘બાઇબલ’ શબ્દનો ઉપયોગ કરીને ઈસાઈ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેથી તેની વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. કરીના કપૂર ખાન સિવાય અરજીના અન્ય પ્રતિવાદીઓમાં એમેઝોન ઓનલાઈન શોપિંગ, જગરનોટ બુક્સ અને પુસ્તકના સહ-લેખક પણ છે.
જોકે, વકીલ એન્થોનીએ શરૂઆતમાં જબલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કરીના કપૂર ખાનના આ કૃત્યએ ઈસાઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેની પાછળ તેમણે તર્ક આપ્યો હતો કે, ‘હોલી બુક બાઇબલ’ની સરખામણી અભિનેત્રીની ગર્ભાવસ્થા સાથે ન કરી શકાય. પરંતુ પોલીસે કેસ નોંધવાનો ઇનકાર કરી દીધો હતો.
ત્યારબાદ એડવોકેટ એન્થોનીએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈને ફરિયાદ દાખલ કરી હતી. જોકે, મેજિસ્ટ્રેટે એ આધાર પર અરજી ફગાવી દીધી હતી કે, ફરિયાદકર્તા એ સમજાવવામાં નિષ્ફળ ગયા છે કે, કેવી રીતે ‘બાઇબલ’ શબ્દના ઉપયોગથી ખ્રિસ્તી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. ત્યારબાદ એન્થોનીએ એડિશનલ સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાં પણ તેમને સફળતા ન મળી અને કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. આ પછી ક્રિસ્ટોફર મધ્યપ્રદેશ હાઈકોર્ટના દરવાજે પહોંચ્યા. અહીં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ ગુરપાલ સિંઘ અહલૂવાલિયાએ ગુરુવારે (9 મે, 2024) કરીના કપૂર ખાનને નોટિસ જારી કરી છે અને 7 દિવસની અંદર જવાબ આપવા માટે કહ્યું છે.
હિંદુ ધર્મનું અપમાન કરનાર બૉલીવુડ અન્ય સમુદાય સાથે નથી કરી શકતું છેડછાડ
નોંધવું જોઈએ કે, હિંદુઓના દરેક તહેવારોમાં ‘જ્ઞાન’ આપનારા અને તેને પછાતપણું ગણાવનારા તમામ બૉલીવુડ અભિનેતા/અભિનેત્રીઓ બીજા સમુદાયોના તહેવાર કે પરંપરા પર ટિપ્પણી કરવાને લઈને કાર્યવાહીનો સામનો કરતાં રહે છે. તેમ છતાં બૉલીવુડવાળા કાયમ હિંદુ ધર્મને જ ટાર્ગેટ કરતાં રહે છે કે, તેઓ અસહિષ્ણુ છે. પરંતુ સહિષ્ણુ હોવાના લીધે જ હિંદુઓએ ક્યારેય કાર્યવાહી કરી નથી. જ્યારે અન્ય સમુદાયની સંસ્કૃતિ સાથે છેડછાડ કરવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા અનેક દાખલાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ જ કરીના કપૂર ખાને કડવા ચોથના વ્રતની મજાક ઉડાવી હતી. તેણે એકવાર કહ્યું હતું કે, “જ્યારે અન્ય મહિલાઓ ભૂખી રહેશે, ત્યારે હું ખાઈશ. કારણ કે, મારે મારો પ્રેમ સાબિત કરવા માટે ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી.”