રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિરોધથી શરૂ થયેલું ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન ભાજપના વિરોધ સુધી પહોંચીને હવે ચૂંટણી પૂર્ણ થતાં ઠંડુ પડી ગયું છે. બીજી તરફ, આ આંદોલનની શરૂઆતમાં જેઓ મુખ્ય ચહેરો રહ્યાં અને જેમણે એક રીતે સમગ્ર આંદોલન શરૂ કર્યુ હતું તેવાં ક્ષત્રિય મહિલા નેત્રી પદ્મિનીબા વાળા ફરી ચર્ચામાં આવ્યાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપમાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા અને તેમાં આરોપ પદ્મિનીબા પર લગાવીને કહેવામાં આવ્યું કે તેમણે આંદોલન માટે ક્ષત્રિય મહિલાઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે.
ઑપઇન્ડિયાએ પછીથી પદ્મિનીબા વાળાનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી સમગ્ર ઘટના વિશે જાણકારી મેળવી. તેમણે જણાવ્યું કે તેઓ આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી ચૂક્યાં છે. તેમણે કહ્યું કે, આ આરોપો તદ્દન પાયાવિહોણા છે અને તેમાં કશું જ તથ્ય નથી અને તેમને બદનામ કરવા માટે આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. તેઓ આમ કરનારાઓને કાયદાકીય પાઠ ભણાવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
શું છે મેસેજ?
સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. નામ વગરના આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સંકલન સમિતિના આંદોલનના શરૂઆતનો ચહેરો રહી ચૂકેલાં પદ્મિનીબા વાળાએ સમાજની 800 મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, “પદ્મિનીબા વાળા- ક્ષત્રિય સમજના તમામને જણાવવાનું કે પદ્મિનીબા વાળાએ સમાજની બહેન દીકરીઓનું ગૃપ બનાવીને પોતાના વાક્ચાતુર્યથી સમાજની દીકરીઓને કહ્યું હતું કે, “હું સમાજનું આંદોલન મારા પોતાના ખર્ચે કરું છું.”
આ મેસેજમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “પદ્મિનીબા વાળએ સમાજના લોકો થોડી સહાય કરે તેવી ટહેલ પણ નાખી હતી અને એક વ્યક્તિ દીઠ 1200 રૂપિયાની ઉઘરાણી કરી પદ્મિનીબાએ 800 બહેનો પાસેથી 9,60,000 (9 લાખ 60 હજાર) જેવી જંગી રકમની ઉઘરાણી કરી હતી તેવું બહાર આવેલું છે. આપણા સમાજની બહેનોને અપીલ છે કે પદ્મિનીબા જેવાથી દૂર રહે. સમાજે પણ તેનો બહિષ્કાર કરેલો છે.”
જો મેં બહેનોના રૂપિયા લીધા હોય તો મારા પર કેસ કરો: પદ્મિનીબા વાળા
પદ્મિનીબા વાળાએ રૂપિયા ઉઘરાવ્યા હોવાના વાયરલ મેસેજ વાયરલ થયા બાદ તેમણે ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. પોતે નિર્દોષ હોવાનું કહીને ઑપઇન્ડિયાને તેમણે જણાવ્યું કે, “હું સ્પષ્ટ જ કહીશ કે સંકલન સમિતિ જ્યારથી અંદોલનમાં જોડાઈ ત્યારથી મને ગમે-તેમ કરીને બદનામ કરીને સાઈડલાઈન કરવામાં આવી રહી છે. જે મેસેજ ફરી રહ્યો છે તે તદ્દન ખોટો અને નામ વગરનો મેસેજ છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે મેં 9 લાખ 60 હજાર રૂપિયા આંદોલનના નામે લીધા છે. પરંતુ એક પણ મહિલા એમ કહે કે મેં પાંચ રૂપિયા પણ લીધા છે, તો તે બહેનો મારી પર ફરિયાદ દાખલ કરે. મેં કોઈ પાસેથી એક રૂપિયો નથી લીધો ઉલટાના મેં મારા ઘરના પૈસા તેમાં નાખ્યા છે, રેલ નગરના મારા સમાજના ભાઈઓએ તેમાં ખર્ચા કર્યા છે. મને આ લોકો માનસિક ટેન્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”
સાચા કામ કરનારા લોકોને બદનામ અને સાઈડલાઈન કરવાનું કાવતરું: પદ્મિનીબા વાળા
તેમણે આગળ જણાવ્યું કે, “આ મને બદનામ અને હેરાન કરવાની વાત છે, મેસેજ કરનાર વિરુદ્ધમાં મેં સાયબર ક્રાઈમમાં અરજી આપી દીધી છે અને હું ફરિયાદ પણ કરવાની છું. રૂપિયા લીધા છે તે તદ્દન ખોટી વાત છે, મેં બધાની સેવા કરી છે.” ચૂંટણી પતી ગયા બાદ અને આંદોલનના ઠંડા પડી ગયા બાદ આ પ્રકારના મેસેજ વાયરલ કરવા પાછળ કારણ શું? આ સવાલ પર પદ્મિનીબા વાળાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “તે જગજાહેર છે કે આંદોલનની શરૂઆત બહેનોથી જ થઇ હતી. કેટલાક એવા તત્વો છે જેમને તે સારું નહોતું લાગ્યું. અમારા જેવા લોકો જે સાચા કામ કરી રહ્યા છે તેમને બદનામ કરવાની અને સાઈડ લાઈન કરવાનું તેમનું કાવતરું છે.”
કેટલાક લોકો જયરાજસિંહનું નામ લઇ રહ્યા છે, પણ તેઓ આમ ન કરી શકે: પદ્મિનીબા વાળા
આ પ્રકારના મેસેજ કોણ ફરતા કરી રહ્યું છે તે સવાલ પર તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “કેટલાક લોકો જયરાજસિંહનું (જયરાજસિંહ જાડેજા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય) નામ લઈ રહ્યા છે કે જયરાજસિંહ પોતે ગોંડલથી આવું કરી રહ્યા છે. જયરાજભાઈ અત્યારે સમાજને સારા લગતા હોય કે ખરાબ, પણ તેઓ બહેનો દીકરીઓ વિશે આવું તો ન જ કરી શકે. આ કૃત્ય સમાજના જ અમુક હિતશત્રુઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હું કોઈને છોડવાની તો નથી જ, કાલ સવારે ખ્યાલ આવી જશે. સંકલન સમિતિ મારો અને કેટલીક અન્ય બહેનોનો વિરોધ કરી રહી છે. તેઓ નથી ઈચ્છતા કે અમે આગળ આવીએ.”
એવો સબક શીખવાડીશું કે આજીવન યાદ રાખશે: પદ્મિનીબા વાળા
સંકલન સમિતિ સાથે થયેલા નરસા અનુભવો વિશે પદ્મિનીબા વાળાએ વાતચીત દરમિયાન ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “સંકલન સમિતિ દ્વારા કેવું થતું કે હું જ્યારે પણ કાર્યક્રમોમાં જતી અને તેમને (સમિતિના સભ્યોને) જય માતાજી કહેતી તો તેઓ મોઢાં ફેરવી લેતા. તેમને હું ત્યાં જતી એ જ નહોતું ગમતું. તેમનો એવો જ પ્રયત્ન રહેતો કે મારું ક્યાંય વક્તવ્ય ન હોય કે મને સ્ટેજ પર સ્થાન ન મળે. મારી સાથેની અન્ય બહેનોને તો એક પણ વાર સ્ટેજ નથી આપ્યું. તેઓ અમારી સાથે ગેરવર્તન કરતા રહેતા. આમ કરવા પાછળનું કારણ એ હતું કે તેમને એમ હતું કે અમે જ બધું કરીએ, અમે કહીએ એમ જ થવું જોઈએ બધું. રહી વાત મારા વિશે ખોટા મેસેજ ફરતા કરવાની, તો તેઓ એક વાત યાદ રાખે કે પદ્મિનીબા વાળા અને તેમના પતિ એવી કાયદાકીય કાર્યવાહી કરશે કે તેઓ આજીવન યાદ રાખશે.”
નોંધવું જોઈએ કે પદ્મિનીબા વાળા છેલ્લા થોડા સમયથી ક્ષત્રિય સંકલન સમિતિનાં ટીકાકાર રહ્યાં છે. તેમણે સમિતિ પર આંદોલનને અવળેપાટે ચડાવી દઈને તેમાં રાજકારણ ઘૂસાડી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ આંદોલન પરષોત્તમ રૂપાલા પૂરતું જ સીમિત હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ સુધી પહોંચી જવાની કોઇ જરૂર ન હતી. સાથોસાથ તેમણે રાહુલ ગાંધીના નિવેદનને યાદ કરાવીને સમિતિને કહ્યું હતું કે તેઓ હવે રાહુલ કે કોંગ્રેસ વિરુદ્ધ પણ આંદોલન કરે. સમિતિ જોકે આ બધી બાબતો પર મૌન રહી છે. ત્યારે તાજેતરમાં ફરી નાનામા મેસેજો વાયરલ થતાં પદ્મિનીબાએ કાયદાકીય રસ્તો અપનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલા આંદોલનમાં જ્યારથી ક્ષત્રિય સંકલન સમિતિ એક્ટિવ થઈ, ત્યારથી સતત પદ્મિનીબા વાળા અને સમિતિ વચ્ચે વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે. પદ્મિનીબા વાળાએ સમિતિ પર રાજકારણ કરવાના આરોપો પણ લગાવ્યા હતા. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે સંકલન સમિતિએ આંદોલનને અવળી દિશામાં લઈ જઈ અંગત સ્વાર્થ સાધ્યો છે. તેવામાં આ પ્રકારના મેસેજ વાયરલ થતા ફરી એક વાર સંકલન સમિતિ અને પદ્મિનીબા વાળા ચર્ચામાં આવ્યા છે.