દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે, જ્યારે હજુ પણ કેટલીક જગ્યાએ મતદાન યોજાવાનું છે. તેવામાં PM મોદી પણ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. તેમણે તેલંગાણાના કરીમનગરમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, પહેલાં અદાણી-અંબાણીને ગાળો આપતા હતા, હવે અચાનક નામ લેવાનું કેમ બંધ કરી દીધું? આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, આ બધા પ્રશ્નોના જવાબ દેશને આપવા જ પડશે.
બુધવારે (8 મે, 2024) વડાપ્રધાન મોદીએ તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણીલક્ષી જાહેર જનસભાને સંબોધી છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શેહઝાદા છેલ્લા પાંચ વર્ષથી સવારે ઊઠીને માળા જપવાનું ચાલુ કરી દેતા હતા. જ્યારથી તેમનો રાફેલવાળો મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કર્યું હતું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ.. પાંચ ઉદ્યોગપતિ.. પાંચ ઉદ્યોગપતિ. પછી ધીરે-ધીરે કહેવા લાગ્યા અદાણી-અંબાણી.. અદાણી-અંબાણી.. અદાણી-અંબાણી.”
Why has Shahzade Ji stopped talking of Ambani and Adani in this election all of sudden? People are smelling a secret deal… pic.twitter.com/y5A87E6dfi
— Narendra Modi (@narendramodi) May 8, 2024
PM મોદીએ વધુમાં કહ્યું કે, “પરંતુ જ્યારથી ચૂંટણીની ઘોષણા થઈ છે. ત્યારથી તેમણે અદાણી-અંબાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શેહઝાદા એ જાહેર કરે કે, આ ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી તેમણે કેટલો માલ ઉઠાવ્યો છે. બ્લેકમનીની કેટલી બોરી ભરીને પૈસા લીધા છે? શું ટેમ્પો ભરીને નોટો કોંગ્રેસ માટે પહોંચી છે? શું સોદો થયો છે? તમે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું.”
PM મોદીએ વધુમાં કહ્યું કે, “જરૂર દાળમાં કઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત બંધ થઈ ગયા. એટલે કોઈને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી-ભરીને મેળવ્યો છે. તેનો જવાબ તમારે દેશને આપવો પડશે.” આ સાથે એ પણ નોંધવું જરૂરી છે કે, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ PM મોદી પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને લાભ પહોંચાડવાનો આરોપ લગવતા રહેતા હતા. પરંતુ છેલ્લા 2-3 મહિનાથી તેમણે સદંતર તેમ કરવાનું બંધ કરી દીધું છે.