જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના આતંકવાદીઓને શોધી-શોધીને મારી રહી છે. તાજેતરમાં કુલગામમાં એક ઑપરેશનમાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીઓ ઠાર કરી દીધા છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતીની પુષ્ટિ કરી છે. સોમવારે (6 મે) રાત્રે સેનાએ ઑપરેશનનો આરંભ કર્યો હતો, જેમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.
કાશ્મીર ઝોન પોલીસે 6 મેના રોજ રાત્રે સાડા અગિયાર આસપાસ X પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કુલગામના રેડવાની વિસ્તારમાં એનકાઉન્ટર શરૂ થઈ ગયું છે અને પોલીસ અને સુરક્ષાબળો કાર્યવાહી કરી રહ્યાં છે.
ત્યારબાદ 7 મેના રોજ જણાવવામાં આવ્યું કે, આતંકવાદી વિરોધી ઑપરેશનમાં 2 આતંકીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે. તેમની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે હજુ ઑપરેશન ચાલી રહ્યું છે.
Bodies of 02 #terrorists killed in the anti-terrorist operation recovered so far. Identity & affiliation being ascertained. #Operation in progress. Further details shall follow.@JmuKmrPolice https://t.co/qgOUVcI3gk
— Kashmir Zone Police (@KashmirPolice) May 7, 2024
સેનાએ અધિકારીક રીતે આતંકવાદીઓની ઓળખ કરી નથી, પરંતુ અમુક અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર બાસિત અહેમદ ડાર પણ આ ઑપરેશનમાં માર્યો ગયો છે. જોકે, હાલ આ બાબતે પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.
નોંધવું જોઈએ કે બે દિવસ પહેલાં જ આતંકવાદીઓએ કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કરી દીધો હતો, જેમાં 5 જવાનોને ઈજા પહોંચી હતી. કાફલો જઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત 5 જવાનોને પછીથી હૉસ્પિટલ અને ત્યાંથી એરલિફ્ટ કરીને ઉધમપુરની આર્મી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 1 જવાનને બચાવી શકાયા નહીં અને ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા.
તાજેતરના સેનાના ઑપરેશનમાં જે બે આતંકવાદીઓ માર્યા ગયા તેમનું કનેક્શન વાયુસેનાના કાફલા પર થયેલા હુમલા સાથે છે કે નહીં તે મામલે હાલ તપાસ ચાલી રહી છે.