એવી અઢળક ઘટનાઓ છે જેમાં કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને ટાર્ગેટ કરવા જાહેરમાં જુઠ્ઠાણું ફેલાવતા નજરે પડ્યા હોય. હવે ફરી એક વાર કોંગ્રેસ પાર્ટીના એક નેતા સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવતા નજરે પડ્યા છે. આ વખતે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ ભાલચંદ્ર મુંગેકરે નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને જુઠ્ઠાણું ફેલાવ્યું. મજાની વાત તો તે છે કે પોલ ખુલી ગયા બાદ અન્ય કોંગ્રેસી નેતાઓની જેમ તેમણે પણ પોતે આ સોશિયલ મીડિયા પોસ્ટ ન કરી હોવાનું જણાવ્યું હતું. હાલ આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ નેતા ભાલચંદ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંઘનો ફોટો મૂક્યો. આ ફોટા સાથે તેમણે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીને લઈને દાવેદારી નોંધાવી દીધી છે અને આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની સાથે હાજર હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ફેલાવ્યું જૂઠ્ઠાણું
ભાલચંદ્ર લખે છે કે, “શ્રી નરેન્દ્ર મોદીનું ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુની હાજરી એ ચૂંટણી આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન છે. તેમણે તેમના પદને બદનામ કર્યું છે. ભારતના ચૂંટણી પંચે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.” કોંગ્રેસ નેતા દ્વારા આ પોસ્ટ X પર 5 મે, 2024ના રોજ સવારે 11 વાગીને 21 મિનિટે કરવામાં આવી હતી.
શું છે ફોટાની વાસ્તવિકતા?
જોકે આ પોસ્ટ પોતે જ તે વાતની સાબિતી છે કે કોંગ્રેસ નેતા ભાલચંદ્ર દ્વરા હળાહળ જુઠ્ઠાણું ફેલાવવામાં અવાયું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી નામાંકન કર્યું જ નથી. તેઓ આગામી 14 મેના રોજ ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ઉમેદવારી કરશે. તે છતાં ફોટો ક્યારનો છે અને તેની પાછળની વાસ્તવિકતા શું છે તે જાણવાનો પ્રયત્ન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વરા વર્ષ 2022માં કરવામાં આવેલી એક X પોસ્ટ ધ્યાને આવી. આ પોસ્ટ 24 જૂનના રોજ સવારે 9 વાગીને 41 મિનિટે કરવામાં આવી હતી.
આ પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ કુલ ત્રણ ફોટા શૅર કર્યા છે. આ ફોટામાં તે ફોટો પણ છે જે કોંગ્રેસી નેતા દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે કે, “આજે વહેલી સવારે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું ઉમેદવારી પત્રક ભરવા માટે વિવિધ પાર્ટીના નેતાઓ સાથે.”
Earlier today, accompanied leaders from different parties for the filing of nomination papers of Smt. Droupadi Murmu Ji. pic.twitter.com/A83Z2Qh31F
— Narendra Modi (@narendramodi) June 24, 2022
એકાઉન્ટ એક્સેસ બીજ કોઈ પાસે હોવાનું બહાનું ધર્યું
આ પોસ્ટ બાદ તે સ્પસ્ટ થાય છે કે કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલો દાવો તદ્દન પાયાવિહોણો અને જૂઠ્ઠો છે. તેમણે શૅર કરેલો ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકનનો નહીં, પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના ઉમેદવારી પત્રક ભરવા સમયનો છે અને તે પણ વર્ષ 2022નો. જોકે ભાંડો ફૂટી જતાં કોંગ્રેસ નેતા દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને કોંગ્રેસની પરંપરા અનુસાર તેનું ઠીકરું બીજા કોઈ પર ફોડ્યું હતું.
ભાલચંદ્ર દ્વારા ફેક ન્યુઝ ફેલાવતી પોસ્ટની પોલ ખુલ્ય બાદ તેમણે તેને પોતાના એકાઉન્ટ પરથી હટાવી દીધી હતી. સાથે જ તેમણે લખ્યું હતું કે, “મને હમણાં જ મારા ટ્વિટર અકાઉન્ટનું એક્સેસ પાછું મળ્યું છે. મારા હેન્ડલ પરથી કોઈ વ્યક્તિ દ્વારા ખોટી માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. દિલગીરી વ્યક્ત કરું છું.”
I’ve just got back the access to my twitter account. A tweet with misinformation was published by someone from my handle.
— Dr. Bhalchandra Mungekar (@DrMungekar) May 5, 2024
Sincere apologies.
B.L. Mungekar.
આ પ્રકારના કારસ્તાન કોંગ્રસના નેતાઓની જૂની આદત
જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી કે કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા દ્વારા સોશિયલ મીડિયામાં વાંધાજનક કે ખોટી માહિતી ફેલાવતી પોસ્ટ કરવામાં આવી હોય અને તેનું ઠીકરું તેમણે અન્ય કોઈ વ્યક્તિ પર ફોડ્યું હોય. આ પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત દ્વારા પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી અને પોસ્ટમાં તેમણે કંગના રણૌતનો એક ફોટો મૂક્યો હતો. ફોટાની નીચે તેમણે લખ્યું હતું, “ક્યા ભાવ ચલ રહા હૈ મંડી મે કોઈ બતાએગા?”
સુપ્રિયાની આ પોસ્ટ બાદ તેમની દેશભરમાં ટીકાઓ થવા લાગી હતી અને લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જે બાદ તે પોસ્ટ એકાઉન્ટ પરથી ડિલીટ થઈ ગઈ હતી. બાદમાં સુપ્રિયાએ પણ પોતે સાવ નિર્દોષ છે તે કહેવા માટે X પર એક લાંબી-લચક પોસ્ટ પણ કરી. જેમાં તેમણે લખ્યું, “કોઈ પાસે મારા મેટા એકાઉન્ટનું (ફેસબુક અને ઈન્સ્ટા) એક્સેસ હતું અને તેમાંથી એક અભદ્ર પોસ્ટ કરવામાં આવી અને બાદમાં ડિલીટ કરી. જે લોકો મને નજીકથી ઓળખે છે, તેઓ જાણે છે કે હું એક મહિલા માટે આવું ક્યારેય ન કહી શકું.”