રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ હવે નવી જ દિશા પકડી રહ્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યએ સ્પષ્ટપણે કહી દીધું છે કે, તેમનો ટાર્ગેટ માત્ર અને માત્ર રૂપાલા અને ભાજપ જ છે. તેવામાં હવે ક્ષત્રિય સંકલન સમિતિ પણ વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગઈ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓમાં જાણીતો ચહેરો બનેવા પદ્મિનીબા વાળા પણ હવે સંકલન સમિતિ પર જ પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે. તેમણે સંકલન સમિતિને કોંગ્રેસ સમિતિ ગણાવી દીધી છે. આ સાથે જ તેમણે સમિતિના સભ્યોને બંગડી પહેરાવવા સુધીની વાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, તે લોકો માત્ર પોતાના રોટલા શેકવા માંગે છે.
પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિને કોંગ્રેસ સમિતિ ગણાવી છે. પ્રેસ કૉન્ફરન્સને સંબોધતી વખતે તેમણે ક્ષત્રિય સંકલન સમિતિને લઈને અનેક ખુલાસા કર્યા છે. એક સમયે પરષોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કરનારા પદ્મિનીબા વાળા હવે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં નજરે ચડયા છે. તેમણે રાજકોટમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે, તેઓ સંકલન સમિતિના પાંચ સભ્યોને બંગડી પણ પહેરાવશે. આ દરમિયાન તેમણે આખા આંદોલનને માત્ર રાજકારણ જ ગણાવ્યું છે.
‘આ બધા રોટલો શેકીને ઘરભેગા થઈ જશે’
પદ્મિનીબાએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું કે, “હાલ તો અમારી લડત ચાલુ જ છે. પરષોત્તમભાઈ રૂપાલા સામેની લડત પણ ચાલુ છે. તેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી પણ બોલ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા પણ રાજા-મહારાજાઓ વિશે બોલ્યા છે. સૌથી પહેલાં તો હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, તમારું મોસાળ કયું છે? અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે, AAPના જે નેતા અત્યારે જેલમાં બંધ છે, એ કઈ શાક-બકાલું તો વેચતા નહોતા, જેને લઈને તેને જેલમાં નાખવામાં આવ્યા. તો મુદ્દો એ છે કે, વિરોધ બધાનો કરવો જોઈએ.”
તેમણે કહ્યું કે, “ક્ષત્રિય સમાજે તે વિચારવું જોઈએ કે, ક્ષત્રિય સમાજની જે લડાઈ હતી, તે રૂપાલાભાઈ ફોર્મ ભરે ત્યાં સુધીની જ હતી. અત્યારે સમાજને હાથો બનાવવામાં આવી રહ્યો છે. હવે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે અને વિરોધ બધાનો જ કરવો જોઈએ, શા માટે માત્ર અને માત્ર રૂપાલાનો જ વિરોધ કરવો જોઈએ? આપણે કોઈને વોટ ન આપો. કાલે સવારે આ બધા પોતાનો રોટલો શેકીને ઘરભેગા થઈ જવાના છે. અત્યારે બહેનો-દીકરીઓની સામાજિક લડાઈ કોઈ જગ્યાએ દેખાઈ રહી નથી. હવે માત્ર રાજકારણ આવી ગયું છે. સમાજને ગુમરાહ કર્યો છે તો તે સંકલન સમિતિએ.”
તેમણે કહ્યું કે, “રૂપાલાભાઈનો વિરોધ કરી રહ્યા છે, તો રાહુલ ગાંધીનો પણ 100% થવો જ જોઈએ. રૂપાલાભાઈએ ત્રણથી ચારવાર માફી પણ માંગી છે. તેમ છતાં અમારો વિરોધ હજુ ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. સંકલન સમિતિના આગળ આવેલા પાંચ તત્વોને હું કહેવા માંગુ છું કે, તમે કેમ કોંગ્રસ તરફ થઈ ગયા.”
‘હિંદુત્વને લઈને મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ’
તેમણે કહ્યું કે, “આપણે આખા હિંદુત્વને લઈને ચાલવું જોઈએ. આપણે આખા હિંદુ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે. મોદી સાહેબે હિંદુત્વ માટે જે કામ કર્યા છે, તેને ભૂલવા ન જોઈએ. બહેનો-દિકરીઓ અડધી રાત્રે બહાર નીકળી શકે છે. આયુષમાન કાર્ડ જે ગરીબો માટે છે, તે ગરીબોના પેટ પર પાટા મારવા ગયા છો તમે લોકો.” તેમણે કહ્યું કે, “હું સંકલન સમિતિને પૂછવા માંગુ છું કે, રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતાં? ચોક્કસપણે તે ક્ષત્રિય સમિતિ નહીં, પરંતુ કોંગ્રેસ સમિતિ જ છે. હું ભાજપમાં હતી તો પણ વિરોધ કર્યો અને રાજીનામું આપ્યું. અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો તો શા માટે રાહુલ ગાંધીનો વિરોધ નથી કરતાં. કોઈને અહિયાં બેન-દીકરીઓના સ્વાભિમાનની નથી પડી. સંકલન સમિતિના ચાર-પાંચ સભ્યો પોતાના રોટલા શેકવા માટે કરે છે.”
તેમણે કહ્યું કે, “વ્યક્તિગત લડાઈના બદલે તમે ભાજપના વિરુદ્ધ થઈ ગયા. શા માટે ભાજપ? માત્ર રૂપાલાભાઈનો વિરોધ કરો. શા માટે બધાને ગુમરાહ કરી રહ્યા છો. કોંગ્રેસને મત આપવાથી ક્ષત્રિય સમાજને કોઈ લાભ નહીં થાય તે યાદ રાખજો. બધા પોતાના રોટલા શેકવાના છે અને સંકલન સમિતિના પાંચ તત્વો પણ ફોન નથી ઉપાડવાના. આ વાત યાદ રાખજો. સંકલન સમિતિએ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી છે.”
‘સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવીશ’- પદ્મિનીબા
પદ્મિનીબાએ વધુમાં કહ્યું કે, “રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફી મંગાવવી જોઈએ. સંકલન સમિતિને કહો, હવે તે લોકો પાસે પણ માફી મંગાવે. સંકલન સમિતિએ ઝંડો હાથમાં લીધો છે, તો શું ડરી ગઈ? સંકલન સમિતિને કહીશ કે, હવે બધુ પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે અને આબરૂની પથારી ફરશે તો પેલા પાંચ તત્વોને હું બંગડી ચોક્કસ પહેરાવીશ. અમારા સમાજની આબરૂ જશે તો તે પાંચ લોકોને હું બંગડી તો પહેરાવીશ જ.”
આ સાથે તેમણે સંકલન સમિતિ પર અન્ય પણ ઘણા આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, આજે આખો રાજપૂત સમાજ ગુમરાહ થઈ ગયો છે, તો તેનું મુખ્ય કારણ સંકલન સમિતિ જ છે. તેમણે સંકલન સમિતિના નેતાઓને રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાની માફી મંગાવવા માટે પણ અપીલ કરી છે. આ સાથે તેમણે વડાપ્રધાન મોદીની પણ ઘણી પ્રશંસા કરી છે.