તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન વાયરલ થયું હતું. જેમાં તેમણે રાજા-મહારાજાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે રાજા-મહારાજાઓનું શાસન હતું ત્યારે તેઓ ઇચ્છતા તે કરતા અને લોકોની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા. આ નિવેદન ચર્ચામાં છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલગાવી ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે તેઓ રાજા મહારાજનું અપમાન કરી રહ્યા છે, પરંતુ ક્યારેય મુસ્લિમ શાસકો વિશે બોલવાની હિંમત નથી રાખતા.
કર્ણાટકના બેલગાવી ખાતે સભાને સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “કોંગ્રેસે આપણા ઇતિહાસને, આપણી સ્વતંત્રતાની લડાઈને પણ વૉટબેન્ક અને તૃષ્ટિકરણના દ્રષ્ટિકોણથી લખાવી છે….અને આજે પણ આ કોંગ્રેસના શહેજાદા તે જ વાતને આગળ વધારી રહ્યા છે. આપે કોંગ્રેસના શહેજાદાનું તાજેતરનું નિવેદન સાંભળ્યું હશે. તેમનું કહેવું છે કે ભારતના રાજા, ભારતના મહારાજા અત્યાચારી હતા, તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા. જ્યારે મરજી થાય ત્યારે બધું હડપ કરી લેતા હતા.”
There's wide-scale support for the NDA across Karnataka. Addressing a huge rally in Belagavi. Watch. https://t.co/OVJdH0q3kf
— Narendra Modi (@narendramodi) April 28, 2024
વૉટબેન્કની રાજનીતિ માટે નિવેદન, નિઝામો-નવાબોના અત્યાચાર વિશે બોલવાનું હોય તો મોઢે તાળાં લાગી જાય છે: મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “કોંગ્રેસના શહેજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ, રાણી ચિનમ્મા જેવા મહાન વ્યક્તિઓનું અપમાન કર્યું છે. તેમનું સુશાસન, તેમની દેશભક્તિ આજે પણ આપણને પ્રેરિત કરે છે. કોઈ જરા તે શહેજાદાને યાદ અપાવે કે મૈસુર રાજઘરાનાનું યોગદાન તેમને યાદ નથી શું? કોંગ્રેસના શહેજાદાનું નિવેદન સમજી વિચારીને વૉટબેન્કની રાજનીતિ અને તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે કરવામાં આવ્યું છે.”
તેમણે આગળ કહ્યું કે, “શહેજાદાએ રાજ-મહારાજાઓ વિશે ખરી-ખોટી કહીને તેમની ટીકા તો કરી દીધી, પણ ભારતના ઇતિહાસમાં જે અત્યાચાર નવાબોએ કર્યા, નિઝામોએ કર્યા, બાદશાહોએ કર્યા તે વાત પર શાહજાદાના મોઢે તાળું લાગી જાય છે. રાજા મહારાજાઓને ગાળો આપો છો? અપમાનિત કરો છો? કોંગ્રેસને ઔરંગજેબના અત્યાચારો યાદ નથી આવતા જેણે આપણા સેંકડો મંદિરોને તોડ્યાં, અપવિત્ર કર્યાં.
બાદશાહો-સુલતાનો વિરુદ્ધ બોલવાની તેમની તાકાત નથી- વડાપ્રધાન મોદી
વડાપ્રધાને આગળ કહ્યું કે, “કોંગ્રેસ તો ઔરંગઝેબના ગુણગાન કરતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે. તેમને એ લોકો યાદ નથી આવતા જેમણે દેશભરમાં આપણાં તીર્થોને ધ્વસ્ત કર્યાં, લૂંટફાટ કરી, હત્યાઓ કરી, ગૌહત્યાઓ કરી. તેમને તે નવાબો યાદ ન આવ્યા જેમણે ભારતના વિભાજનમાં બહુ મોટી ભૂમિકા નિભાવી. કોઈ કલ્પના કરી શકે કે આજે બનારસના રાજા વગર બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઇ શકી હોત? શું મહારાણી અહલ્યાબાઈએ મંદિરોનું પુનઃનિર્માણ કરાવીને આપણી આસ્થાની રક્ષા કરી કે નહીં?”
તેમણે આગળ ઉમેર્યું કે, “હું ગુજરાતથી આવું છું, મારું ગામ ગાયકવાડ સ્ટેટમાં આવે છે. તે વડોદરાના મહારાજા જ હતા, જેમણે બાબાસાહેબ આંબેડકરની પ્રતિભાને ઓળખીને તેમને વડોદરા બોલાવ્યા તેમની શક્તિઓને ઓળખી. બાબાસાહેબ આંબેડકરને વિદેશ ભણવા મોકલવાનું કામ ગાયકવાડ મહારાજે કર્યું હતું. આ કોંગ્રેસના શહેજાદાને રાજા-મહારાજાઓનું યોગદાન યાદ નથી આવતું? તેઓ વૉટબેન્કની રાજનીતિ માટે રાજા-મહારાજાઓ વિરુદ્ધ બોલવાની હિંમત કરે છે. નવાબો વિરુદ્ધ, બાદશાહો વિરુદ્ધ, સુલતાનો વિરુદ્ધ એક શબ્દ બોલવાની તેમનામાં તાકાત નથી. કોંગ્રેસની તૃષ્ટિકરણની માનસિકતા હવે દેશની સમે ખુલીને સામે આવી રહી છે. કોંગ્રેસની આ જ માનસિકતા તેમના ઘોષણાપત્રમાં પણ ઝળકી રહી છે.”
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત શુક્રવારે (26 એપ્રિલ) એક સભામાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, “રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.