ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા સામે આંદોલને ચડેલી ક્ષત્રિય સંકલન સમિતિએ હવે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડ્યો છે. ‘આંદોલન ભાગ-2’ અનુસાર હવે રાજ્યમાં ધર્મરથ કાઢીને ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન, સોશિયલ મીડિયા પર અમુક ફેક વિડીયોને ધર્મયાત્રા ગણાવવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા X પર એક યુઝરે એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં રસ્તા પર વિશાળ સંખ્યામાં લોકો જતા જોવા મળે છે. આ વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું કે, “જય ભવાની, જય રાજપૂતાના. ક્ષત્રિય એકતા ઝિંદાબાદના નારા લગાવીને ક્ષત્રિય ધર્મ યાત્રાને રવાના કરવામાં આવી, ધર્મ યાત્રાના સિપાઈ નારે સન્માન અને સ્વાભિમાન હેતુ ઘરે-ઘરે જઈને ભાજપ વિરુદ્ધ બ્યુગલ ફૂંકશે.” સાથે લખવામાં આવ્યું કે ‘ભાજપના અંતનો સમય હવે નજીક છે.”
આ 44 સેકન્ડના વિડીયોમાં એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વાગતું સાંભળવા મળે છે. ઘણા ડ્રોન શૉટ પણ જોવા મળે છે, જેમાં રસ્તા પર જતા લોકોની ભીડ દેખાય છે. લાખોની સંખ્યામાં એકઠા થયેલા લોકો જોવા મળે છે.
આવો એક વિડીયો વોટ્સએપ ઉપર પણ ફરી રહ્યો છે. જેની સાથે પણ કેપ્શનમાં આવી જ વાતો લખવામાં આવી અને દાવો કરવામાં આવ્યો કે ક્ષત્રિય ધર્મ યાત્રાને રવાના કરવામાં આવી. જેથી વિડીયો જોનારને લાગ્યા વગર રહે નહીં કે ધર્મરથમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા. પરંતુ વાસ્તવિકતા જુદી છે.
શું છે હકીકત?
હકીકતે આ વિડીયોને ગુજરાત સાથે કે ક્ષત્રિય ધર્મરથ કે યાત્રા સાથે કશું જ લાગતું-વળગતું નથી. વિડીયો આંધ્રપ્રદેશનો છે અને જૂનો છે.
વાસ્તવમાં ગત 10 માર્ચ, 2024ના રોજ આંધ્ર પ્રદેશના અડાંકીમાં મુખ્યમંત્રી અને YSRCP પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીની એક સભા યોજવામાં આવી હતી, આ ભીડ આ સભાની છે. 11 માર્ચ, 2024ના રોજ ‘પોલિટિકલ ક્રિટિક’ નામના એક X અકાઉન્ટે એક પોસ્ટ કરી હતી, જેમાં આ વિડીયો પણ સામેલ છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે જગન મોહન રેડ્ડીની સભા સુપરહીટ સાબિત થઈ હતી.
Jagan's Siddham at Addanki a Huge Hit.
— Political Critic (@PCSurveysIndia) March 11, 2024
The YSRCP’s Siddham meeting held at Addanki in Bapatla district on Sunday witnessed a huge crowd of 1.6 million (16 lakh).This is the 4th cadre meeting of the YSRCP held under the brand name ‘Siddham’, which means ‘Ready’.
The road… pic.twitter.com/YEOM6JxxRt
એક વેબસાઈટ ઉપર પણ 10 માર્ચ, 2024ના રોજ આ સભાની કેટલીક તસવીરો અપલોડ કરવામાં આવી હતી, જે આ વિડીયોનાં દ્રશ્યો સાથે મેળ ખાય છે.
વધુમાં, નોંધવું જોઈએ કે વિડીયોમાં પણ YSRCP પાર્ટીના ઝંડા તેમજ પ્રમુખ અને સીએમ જગન મોહન રેડ્ડીનાં કટઆઉટ્સ અનેક ઠેકાણે જોવા મળે છે. વધુમાં, બેકગ્રાઉન્ડમાં જે સંગીત વાગી રહ્યું છે તે ‘સિદ્ધમ’ નામનું સોંગ પણ YSRCP પાર્ટી દ્વારા જ ચૂંટણી પ્રચાર માટે બનાવવામાં આવ્યું છે.
જેથી સ્પષ્ટ છે કે આ વિડીયો ગુજરાતની ક્ષત્રિય ધર્મરથ યાત્રાનો નહીં, પરંતુ આંધ્રપ્રદેશનો છે.
તારણ: ગુજરાતમાં ક્ષત્રિય ધર્મયાત્રાના નામે ફેરવવામાં આવી રહેલો વાયરલ વિડીયો ખરેખર આંધ્રપ્રદેશનો છે, અને 1 મહિના પહેલાંનો છે.