સુપ્રીમ કોર્ટે ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરને યુપીમાં નોંધાયેલા 6 કેસોમાં જામીન આપ્યાના બે દિવસ બાદ આ મામલે એક નવો ખુલાસો થયો છે. જાણવા મળ્યા અનુસાર, ઝુબૈરના જામીન માટે NDTV ના એન્કર શ્રીનિવાસન જૈને બૉન્ડ ભર્યા હતા.
રાજકીય વિશ્લેષક અને ટ્વિટર પર જાણીતા અભિજીત ઐયર મિત્રાએ આ જાણકારી પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, ‘NDTV ના શ્રીનિવાસન જૈને તેમના ‘નજીકના મિત્ર’ મોહમ્મદ ઝુબૈરના જામીન માટે ખરેખર બૉન્ડ ભર્યા હતા અને જેની પુષ્ટિ થઇ ચૂકી છે.’ આ સાથે તેમણે ટ્વિટમાં ડોક્યુમેન્ટ પણ શૅર કર્યાં હતાં.
Confirmed! Mr Jain did indeed furnish the bond of “close friend” Mohammad Zubair. https://t.co/m2q6BOUDk6 pic.twitter.com/HnaHHppzN6
— Abhijit Iyer-Mitra (@Iyervval) July 21, 2022
ડોક્યુમેન્ટ મુજબ, શ્રીનિવાસન જેને મોહમ્મદ ઝુબૈરને ‘નજીકનો મિત્ર’ ગણાવ્યો છે અને તેના માટે 50 હજાર રૂપિયા જમા કરાવ્યા છે. બૉન્ડ પેપરમાં શ્રીનિવાસન જૈને ઝુબૈર તરફથી ખાતરી આપતાં કહ્યું છે કે, તે દરરોજ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સમક્ષ કે પટિયાલા હાઉસ કોર્ટની એલડી સીએમએમ કોર્ટ સમક્ષ ચાલુ કેસમાં લાગેલા આરોપોનો જવાબ આપવા કે તપાસ માટે હાજરી આપશે. તેમજ જો આ બાબતોનું ઉલ્લંઘન કરવામાં આવે તો હું મારી 50 હજારની રકમ ચૂકવવા માટે બાધ્ય છું.
આ સાથે અભિજીત મિત્રાએ ટ્વિટમાં એનડીટીવી અને ઑલ્ટ ન્યૂઝ વચ્ચેની સાંઠગાંઠ અંગે પણ સંકેત આપ્યા છે.
.this is literally how NDTV avoids getting “fact checked”. Provides surety and coverage. This is the AltNews extortion model and the NDTV “channel of record” model
— Abhijit Iyer-Mitra (@Iyervval) July 21, 2022
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મોહમ્મદ ઝુબૈરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં દાખલ થયેલ 6 FIR રદ કરવાની માંગ કરી હતી. તેની અરજીમાં યુપીના સીતાપુર, લખીમપુર, ગાઝિયાબાદ, હાથરસ અને મુઝફ્ફરનગરમાં દાખલ થયેલ FIR રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ મામલે ગત 20 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરીને સુપ્રીમ કોર્ટે ઝુબૈરને જામીન આપ્યા હતા અને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ઝુબૈરને આ તમામ એફઆઈઆરમાં રાહત આપવામાં આવી છે, તેમજ આ કેસમાં અન્ય એફઆઈઆરમાં પણ આ આદેશ વચગાળાના જામીન તરીકે કામ કરશે.
મોહમ્મદ ઝુબૈરને ગત મહિને દિલ્હી પોલીસે એક વિવાદાસ્પદ ટ્વિટને લઈને પકડી લીધો હતો. ઝુબૈર પર હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આ ધરપકડ બાદ ઉત્તર પ્રદેશમાં ઝુબૈર પર વિવિધ ઠેકાણે FIR થઇ હતી. જેમાં હાથરસમાં 2 તેમજ એક-એક કેસ મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, લખીમપુર અને સીતાપુરમાં નોંધાયો હતો. આ તમામ કેસની તપાસ કરવા માટે યુપી સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પણ બનાવી હતી.