લોકસભા ચૂંટણીના બ્યૂગલો ફૂંકાઈ ગયા છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેવામાં ઘણા નેતાઓના વિપક્ષોમાંથી રાજીનામાં પણ યથાવત છે. તો ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે જાણવા મળી રહ્યું છે કે, AAPના પૂર્વ નેતા અને વિધાનસભા ઉમેદવાર વિક્રમ સોરાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેઓ 29 એપ્રિલે ભાજપમાં જોડાશે. આ માટે વિશાળ જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
AAPના વિધાનસભા ઉમેદવાર વિક્રમ સોરાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે 2022ની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડી હતી. તેમણે વાંકાનેર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમની હાર થઈ હતી. તે પછી તેઓ આમ આદમી પાર્ટીના નેતા તરીકે કાર્યરત રહ્યા હતા. જ્યારે ઓગસ્ટ-2023માં તેમણે AAPમાંથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે હવે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરીને ભાજપમાં જોડાવા વિશેની માહિતી આપી છે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ ફેસબુક પર પોસ્ટ કરી છે. જેમાં જણાવાયું છે કે, 29 એપ્રિલે તેઓ ભાજપમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જે નિમિત્તે શિવાજી સેનાના નેતૃત્વમાં ભાજપના સમર્થન માટે રાજકોટમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે (29 એપ્રિલે) સાંજે 5 કલાકે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેશે. પાટીલના હસ્તે જ સોરાણીને કેસરિયા ખેસ પહેરાવવામાં આવશે.
10,000 સમર્થકો સાથે જોડાશે ભાજપમાં
ઑપઇન્ડિયાએ વિક્રમ સોરાણીનો સંપર્ક કરીને તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું કે, તેઓ લગભગ 10,000 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તે માટે વિશાળ જનસભાનું આયોજન થયું છે. AAPમાંથી રાજીનામું આપવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે, “વિધાનસભા ચૂંટણી પછી તરત જ મેં રાજીનામું આપ્યું હતું. કારણ કે, હું ઉમેદવાર હોવા છતાં પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સંપર્કમાં રહેતા નહોતા.” આ ઉપરાંત તેમણે વિચારધારા અલગ હોવાનું પણ જણાવ્યું હતું.
થોડા સમય પહેલાં અહેવાલો પ્રકાશિત થયા હતા કે, સોરાણી કોંગ્રેસમાં સામેલ થવાના છે. જેને લઈને પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે સમાજહિતમાં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે તેમના સમાજના અનેક યુવાનો પણ ભાજપમાં જોડાશે. રાજકોટ જિલ્લાના મોટા ભાગના કોળી સમાજના કાર્યકર્તાઓ ભાજપને સમર્થન જાહેર કરશે.
ભાજપમાં જોડાવાના વિશેષ કારણો વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીની અને ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાથી તેઓ પ્રેરાયા હતા. તેમજ રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દાઓને ધ્યાને રાખીને તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તે સિવાય તેમણે કહ્યું કે, તેમણે જે પણ નિર્ણય લીધા છે, તે સમાજના હિત માટે લીધા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેના કહેલા વાયદા પૂર્ણ કરવામાં અસમર્થ છે. તેમણે તે વિશેનો પોતાનો અંગત અનુભવ પણ ઑપઇન્ડિયા સાથે શૅર કર્યો હતો. જ્યારે હવે 29 એપ્રિલે તેઓ વિશાળ જનમેદની સાથે કેસરિયા ધારણ કરવા જઈ રહ્યા છે.
નોંધનીય છે કે, વિક્રમ સોરાણી રાજકીય ક્ષેત્ર કરતાં સામાજિક ક્ષેત્રમાં વધુ જાણીતો ચહેરો છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. તેમણે હમણાં સુધીમાં હજારો અનાથ બાળકીઓના લગ્ન પણ કરાવ્યાં છે. આ માટે તેઓ સમયાંતરે સમૂહ લગ્નનું આયોજન પણ કરતાં આવ્યા છે. તાજેતરમાં જ તેમણે હજારો કન્યાઓના સમૂહલગ્ન યોજ્યાં હતાં.