રાજકોટ લોકસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. પાર્ટીએ ચૂંટણી અધિકારીને અરજી મોકલીને જણાવ્યું છે કે ધાનાણી દરગાહની મુલાકાતે ગયા હતા અને ત્યાં ચાદર ચડાવી હતી. આમ મઝહબી સ્થળનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કર્યો છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, પરેશ ધાનાણી વાંકાનેરની મુલાકાત સમયે એક દરગાહની મુલાકાતે ગયા હતા અને ત્યાં ફૂલ અને ચાદર ચડાવ્યાં હતાં. તે સમયે તેઓ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કર્યો અને તે દરમિયાનના વિડીયો પણ અલગ-અલગ સમાચાર માધ્યમોમાં ફરતા થયા હતા અને ટીવી ચેનલો તેમજ યુ-ટ્યુબ ચેનલો પર પણ અપલોડ કરવામાં આવ્યા હતા.
પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને કરી રજૂઆત..!
— Dixit Thakrar ( Gujarat First ) (@iDixitThakrar) April 20, 2024
પરેશ ધાનાણી ધાર્મિક સ્થળો નો ઉપયોગ કરતા હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ, વાંકાનેર ખાતે દરગાહ માં ચુંટણી પ્રચાર કરો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હોવાનો ભાજપનો આક્ષેપ pic.twitter.com/xiPqHtgZwh
ભાજપે ફરિયાદમાં જણાવ્યું કે, દરગાહની મુલાકાત દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર ધાનાણીએ પાર્ટીના ચૂંટણી ‘ચિહ્ન’ પંજાવાળો ખેસ ગળામાં ધારણ કર્યો હતો. જેથી સ્પષ્ટ થાય છે કે તેઓ મઝહબી સ્થળે પ્રચાર જ કરતા હતા.
ભાજપ નેતા મયુર શાહે કરેલી ફરિયાદમાં ચૂંટણી અધિકારીને અપીલ કરી છે કે તેઓ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી વિરૂદ્ધ ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટ અને IPCની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરે અને તેમનું ચૂંટણી નામાંકન રદ કરવા સુધીનાં પગલાં ભરે. આ ફરિયાદ 20 એપ્રિલ, 2024ના રોજ રાજકોટ ચૂંટણી અધિકારીને આપવામાં આવી હતી.
ફરિયાદ ઉપર ચૂંટણી પંચે કોઇ કાર્યવાહી કરી છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે પાર્ટીઓ એકબીજા પર આવી ફરિયાદ કરે ત્યારબાદ ચૂંટણી પંચ સામાન્ય રીતે જે-તે ઉમેદવારને નોટિસ પાઠવે છે અને જવાબના આધારે આગળની કાર્યવાહી કરે છે.
રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંથી ભાજપની ટીકીટ પર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા લડી રહ્યા છે. જેમની સામે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રૂપાલા ફોર્મ ભરી ચૂક્યા છે. પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. હાલ જે રીતે આંદોલન પણ ઠંડું પડી ગયું છે તેને જોતાં અહીંથી રૂપાલા જ ચૂંટણી લડશે તેવું લગભગ નક્કી છે. તેમની સામે કૉંગ્રેસે પરેશ ધાનાણીને ટીકીટ આપી છે, જેઓ 2022ની વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે.