પરષોત્તમ રૂપાલાના એક નિવેદનની સામે શરૂ થયેલા આંદોલનમાં હવે વાત હત્યાની ધમકી સુધી પહોંચી ગઈ છે. આંદોલનનાં મહિલા નેતાઓ પૈકીનાં એક પ્રજ્ઞાબાએ પરષોત્તમ રૂપાલા વિશે વિવાદિત ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે તેઓ જીતી પણ જાય તોપણ જીવિત નહીં રહે. એક યુ-ટ્યુબ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
યુ-ટ્યુબ ચેનલ ‘જમાવટ’ સાથે પ્રજ્ઞાબાએ વાતચીત કરી હતી. ચેનલના ફેસબુક પેજ ઉપર શનિવારે (20 એપ્રિલ) તેમની વાતચીતનો વિડીયો અપલોડ કરવામાં આવ્યો. આ વાતચીતમાં તેઓ પત્રકારના સવાલોના જવાબ આપતાં કહે છે કે, પરષોત્તમ રૂપાલાને મારી નાખવા હોય તો તે પણ શક્ય છે અને જીતી જાય તોપણ વધુ સમય જીવિત નહીં રહે.
તેઓ કહે છે, “એવું તો છે નહીં કે અમે હારીશું. ઘણા બધા હતા જે અમારી સામે હતા, તેમાં પણ અમારી જીત થઈ છે તો આ તો એક રૂપાલા છે.” આગળ તેઓ કહે છે, “તમને બધાને શું લાગે છે કે આ રૂપાલાને અમે….અરે અમારી પાસે તો ઘણા બધા એવા પણ છે કે (જેઓ કહે છે કે) બેન એક ઈશારો કરો, ઉડાડી દઈએ રૂપાલાને.”
આગળ કહે છે કે, “તમારા માધ્યમથી કહું છું કે જો હવે રૂપાલાને જીવતું રહેવું છે, તો પછી વિચારે કે ટીકીટ પરત ખેંચવી છે કે મારે આમાંથી હટવું છે. હું તો કહું છું રાજકારણમાંથી હટવું છે કે નથી હટવું.” આગળ ધમકીના સ્વરમાં કહે છે કે, “બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઇમ જીવતો નથી રહેવાનો હવે.” વિડીયોમાં 2:48થી આ વાત સાંભળવા મળશે.
આ વાતચીત શુક્રવારે (19 એપ્રિલ) રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની યોજાયેલી બેઠક બાદ થઈ હતી. જમાવટે જણાવ્યું છે કે પ્રજ્ઞાબા મિટિંગ અડધી છોડીને આવી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ સંકલન સમિતિએ વધુ એક બેઠક યોજી હતી અને આગળની રણનીતિ નક્કી કરી હતી. જે અનુસાર હવે તમામ બેઠકો પર ભાજપ ઉમેદવારોનો વિરોધ કરવાનો નિર્ણય લેવાયો છે.
મિટિંગ છોડવા મામલે તેમણે કહ્યું કે, “હું અડધી છોડીને આવી છું, કારણ કે મને મજા ન આવી. હું બહાર નીકળી ગઈ છું, કારણ કે અંદર બેસીને મગજ ખરાબ કરવું યોગ્ય ન લાગ્યું. કારણ વગરની મગજમારી મને ગમતી નથી. જે કામ કરવાનું છે એ કરવાનું. હું માનું છું કે નકામી જગ્યાએ ઊર્જા ન વેડફવી. રૂપાલાને અમારે કાઢવો, તો અમે કાઢીને રહીશું.”
અંતે તેઓ ફરી એક વખત ધમકી આપીને કહે છે કે, “રૂપાલા ચૂંટાઈને આવી જાય છે, જો તેમની રાજનીતિમાં જીત થાય છે. તો પછી રૂપાલા રાજપૂતની સામે પડ્યો છે. રૂપાલા લાંબું જીવશે નહીં હવે.”