પરષોત્તમ રૂપાલા સામે છેલ્લા ઘણા દિવસોથી ચાલતા ક્ષત્રિય આંદોલનનો હવે અંત આવશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી હવે વાતચીત માટે આગળ આવી છે અને કમાન સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંભાળી છે. આ લખાય રહ્યું છે ત્યારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના આગેવાનો અને ભાજપના મોવડી મંડળ વચ્ચે બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે.
રવિવારે (15 એપ્રિલ) રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયા બાદ બીજા દિવસે સરકારે ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોને વાતચીત માટે બોલાવ્યા હતા. ત્યારબાદ સાંજે અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત સમાજ ભવન ખાતે સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી, જે લગભગ 2 કલાક ચાલી હોવાનું કહેવાય છે. 2 કલાક બેઠક ચાલ્યા બાદ આખરે સમિતિ મુખ્યમંત્રી આવાસે પહોંચી હતી.
#update
— Hiren (@hdraval93) April 15, 2024
સંકલન સમિતિ ના આગેવાનો મંત્રી નિવાસે પહોંચ્યા
રમજુભા સહિતના આગેવાનો પહોંચ્યા https://t.co/Y9iQq14QVt pic.twitter.com/wJ4b3Qckip
બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા હાજર છે. આ ઉપરાંત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ પહોંચ્યા છે. સંકલન સમિતિની વાત કરવામાં આવે તો રમજુભા જાડેજા (સંયોજક), કરણસિંહ ચાવડા (પ્રવક્તા), સુખદેવસિંહ વાઘેલા, પી. ટી જાડેજા, અશ્વિનસિંહ સરવૈયા, વીરભદ્રસિંહ જાડેજા અને વાસુદેવસિંહ ગોહિલ તેમજ તૃપ્તિબા રાઓલ (મહિલા અધ્યક્ષ) સહિતના અગ્રણીઓ પોતાનો પક્ષ મૂકશે.
બીજી તરફ, આ જ આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સંકલન સમિતિએ તેમને આ બેઠક માટે જણાવ્યું નથી અને તેમને સાઈડલાઈન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નોંધવું જોઈએ કે તાજેતરમાં જ પદ્મિનીબાનો એક ઑડિયો પણ વાયરલ થયો, જેમાં તેઓ સંકલન સમિતિ સામે નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળે છે.
નોંધવું જોઈએ કે થોડા કલાકો પહેલાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય આગેવાનો સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિત સમગ્ર મોવડી મંડળ સંકલનમાં છે અને તેમની સાથે ચર્ચા કરીને સુખદ સમાધાન કરવામાં આવશે. આ માટે પ્રયાસો અંતિમ તબક્કામાં હોવાનું જણાય રહ્યું છે. જોકે, નિષ્કર્ષ શું આવશે તે જાણવા માટે હજુ થોડા કલાક રાહ જોવી રહી.