T20 ક્રિકેટ લીગમાં રિલાયન્સનો રસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાઉથ આફ્રિકાની T20 લીગની તમામ 6 ટીમો એવા લોકોએ ખરીદી છે જેમની પાસે IPL ટીમ છે. આમાંથી એક ટીમ ‘કેપ ટાઉન’ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી લીધી છે. આ રીતે, રિલાયન્સ પાસે હવે ત્રણ દેશોમાં ત્રણ T20 ટીમો છે. T20 ક્રિકેટ લીગમાં રિલાયન્સનો દબદબો બની રહ્યો છે.
રિલાયન્સ પરિવારમાં કેપ ટાઉનનું સ્વાગત કરતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા અંબાણીએ કહ્યું હતું કે “રિલાયન્સ પરિવારમાં અમારી નવી T20 ટીમનું સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. અમે મુંબઈ ઈન્ડિયન્સની મજબૂત અને મનોરંજક ક્રિકેટ બ્રાન્ડને દક્ષિણ આફ્રિકા લઈ જવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ એક એવો દેશ છે જે ક્રિકેટને એટલો જ પ્રેમ કરે છે જેટલો આપણે ભારતમાં કરીએ છીએ. જેમ જેમ મુંબઈ ઈન્ડિયન્સનું વૈશ્વિક ક્રિકેટ પદચિહ્ન વધતું જઈ રહ્યું છે તેમ તેમ રમતગમત દ્વારા આનંદ અને ઉત્સાહ ફેલાવવાની અમારી પ્રતિબદ્ધતા વધતી રહેશે.”
#OneFamily is now bigger 🇿🇦🤩
— Mumbai Indians (@mipaltan) July 20, 2022
Read more to know about Reliance Industries’ acquisition of a franchise in @OfficialCSA‘s T20 league 👇https://t.co/jD6mVMVTHd
તો બીજી તરફ, રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે, “અમારી પાસે હવે દક્ષિણ આફ્રિકાની ફ્રેન્ચાઈઝીને લઈને ત્રણ દેશોમાં ત્રણ T20 ટીમો છે. અમે ક્રિકેટ ઇકોસિસ્ટમ અને બ્રાન્ડ મુંબઈ ઈન્ડિયન્સમાં અમારી કુશળતા અને અનુભવનો લાભ લેવા માટે તૈયાર છીએ જેથી ચાહકોને તેઓ ઈચ્છેછે તેવું શ્રેષ્ઠ ક્રિકેટ આપી શકીએ.” રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી, ફૂટબોલ લીગ, સ્પોર્ટ્સ સ્પોન્સરશિપ, મેન્ટરશિપ અને એથ્લેટ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા દેશમાં રમતગમત માટે વધુ સારી ઈકો-સિસ્ટમ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, એમ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે.
કેપટાઉન એ ભારત બહાર રિલાયન્સની બીજી ક્રિકેટ ટીમ છે. અગાઉ, કંપનીએ UAEની T20 લીગની ટીમ ખરીદી હતી . નોંધનીય છે કે 19 જુલાઈના રોજ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝીએ ક્રિકેટ સાઉથ આફ્રિકાની આગામી નવી ટી20 લીગની તમામ છ ટીમો ખરીદી હતી . તેની પ્રથમ સિઝન જાન્યુઆરી 2023માં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સના માલિકોમાંના એકે ટીમની હરાજી દરમિયાન ફ્રેન્ચાઈઝી માટે સફળતાપૂર્વક બિડ કરી છે, તેવામાં ટીમ ‘કેપ ટાઉન’ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી લેતા રિલાયન્સ પાસે હવે ત્રણ દેશોમાં ત્રણ T20 ટીમો છે.